Team Chabuk-Gujarat Desk: કામરેજની 21 વર્ષીય વિદ્યાર્થિની ગ્રીષ્મા વેકરિયાની સાથે કાપોદ્રાની રચના સોસાયટીમાં રહેતા હત્યારા ફેનિલને એક તરફી પ્રેમ થઈ ગયો હતો. હત્યારો વિદ્યાર્થિનીનો વારંવાર પીછો કરી રહ્યો હતો. વિદ્યાર્થિનીએ પણ તેને આમ કરવાની ના પાડી હતી. ગ્રીષ્માના મોટા પપ્પાએ પણ તેને ઠપકો આપી સમજાવ્યો હતો પણ ફેનિલ નહોતો માન્યો. શનિવારની સાંજે હત્યારાએ ગ્રીષ્માનાં ઘર પાસે પહોંચી જઈ તેણીને બંધક બનાવી હતી અને જાહેરમાં, પરિવારજનોની સામે જ તેનું ગળું ચાકુથી રહેંસી નાખ્યું હતું. હત્યારા સામે ગ્રીષ્માનો ભાઈ પડ્યો હતો પણ ફેનિલ તેની ઉપર પણ ચાકુ લઈ હુમલો કરવાની ચેષ્ટા કરી રહ્યો હતો. હત્યા બાદ તેણે ઝેર પીધું હતું.
શું કહ્યું ફેનિલના પિતાએ?
ફેનિલના પિતા પંકજભાઈ ગોયાણીએ પોતાના દીકરાને ખોટો સિક્કો ગણાવી જણાવ્યું હતું કે, તે અમારા કહ્યામાં નથી. ગ્રીષ્માના પરિવારે ફરિયાદ કરી હતી ત્યારે મેં તેને ઠપકો આપ્યો હતો. તેણે મને વિશ્વાસ આપ્યો હતો કે તે હવે ગ્રીષ્માને હેરાન નહીં કરે પણ છતાં સુધર્યો નહોતો. કાયદો તેને ફાંસીની સજા આપે તો પણ મંજૂર છે.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લીધી મુલાકાત
ગઈકાલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ગ્રીષ્માના ઘરે પહોંચ્યા હતા અને પરિવારને ન્યાય મળશે તે દિવસે ફરી આવશે તેવું કહ્યું હતું. તેઓ પરિવારના શોકમાં ભાગીદાર થયા હતા. હાલ આ સમગ્ર ઘટનાની તપાસ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. 24 કલાકમાં FSL રિપોર્ટ પણ સામે આવી જશે. સરકાર સ્પેશિયલ સરકારી વકીલની નિમણુંક કરશે. તેમજ ગ્રીષ્માના પરિવારનો કેસ લડવા સરકારી ખર્ચે વકીલ કેસ લડશે.
ગોપાલ ઈટાલિયાએ હર્ષ સંઘવી પર કર્યા પ્રહાર
ગોપાલ ઈટાલિયાએ આ દુઃખદ ઘટનાના એક સમાચારના અહેવાલને ટાંકીને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આડેહાથ લીધા હતા. ગોપાલ ઈટાલિયાએ ફેસબુક પર મૂકેલી પોસ્ટને શબ્દશઃ જોઈએ તો…
ગુજરાતમાં ભાજપના રાજમાં હત્યારાઓ, ગુંડાઓ અને બુટલેગરો બેફામ બન્યા છે. સીધા-સાદા માણસો સિવાય કોઈને પણ પોલીસ, કાયદો કે અદાલતની બીક રહી નથી. નવીનવાઈના ગૃહમંત્રી બનેલા હ(ર્ષ)ત્યારા સંઘવી હીરોગીરી કરવામાંથી નવરા નથી પડતાં. હ(ર્ષ)ત્યારા સંઘવી હિરોગીરી કરવામાં વ્યસ્ત, ગુંડાઓ ગુંડાગીરીમાં અલમસ્ત.
રોજ હત્યા, બળાત્કાર, લુંટ, અપહરણ, ચોરી, વ્યાજખોરી વગેરે વગેરે સમાચારોથી લથબથ થયેલું લાલચોળ છાપું આવે છે કારણ કે. જનતા બિચારી આ મોંઘવારીમાં પોતાનું અને પરિવારનું ભરભોષણ કરવામાં, ઘરના ચાર છેડા ભેગા કરવામાં વ્યસ્ત છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પેજ પ્રમુખનું મજબુત સંગઠન બનાવી ૧૮૨ સીટનો ટાર્ગેટ સિદ્ધ કરવામાં વ્યસ્ત છે.
કહેવાતા રોબોટ મુખ્યમંત્રી ભાજપના પ્રદેશ પ્રમુખના આદેશ પ્રમાણે હાજી…હાજી…કરવામાં વ્યસ્ત છે.
નવીનવાઈના ગૃહમંત્રી હ(ર્ષ)ત્યાર સંઘવી પોલીસનો દુરઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓ અને હોદ્દેદારોને ધમકાવામાં, ખોટા કેસો કરાવામાં, વિરોધ પક્ષના લોકોને યેનકેન પ્રકારે દબાણ ઉભું કરવામાં અને તેને ભાજપમાં જોડવામાં તેમજ મીડિયામાં હિરોગીરી કરવામાં વ્યસ્ત છે.
નવી વહુ જેવા મંત્રીઓ આવતી ટર્મમાં કદાચ મંત્રી ન બને એટલે હવે એક જ વર્ષ બાકી રહ્યુ છે તો થાય એટલું ઘરભેગું કરી લઈએ એવું માનીને ઘરભેગુ કરવામાં વ્યસ્ત છે. ભાજપના ધારાસભ્યો ‘નો રિપીટ થિયરી’થી ટીકીટ કપાઈ જશે એવા ડરે પ્રદેશ પ્રમુખને વહાલા બની જવા પોતાના વિસ્તારમાંથી ફડં ભેગુ કરી પ્રદેશ પ્રમુખના ચરણોમાં ધરવામાં વ્યસ્ત છે.
કેટલાક ભ્રષ્ટ ઉચ્ચ પોલીસ અધિકારી પોતાના વિસ્તારમાં આવતી અરજીઓમાં તોડબાજી કરવામાં અને ટકાવારી માંગવામાં વ્યસ્ત છે. સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ પોતાના વિસ્તારમાં ચાલતા બે નંબરોના કામોમાં હપ્તા ઉઘરાવવામાં, ભાજપના કોઈ નેતા, ધારાસભ્ય કે કોર્પોરેટરનો શું આદેશ છે તે માનવામા અને સોશિયલ મીડિયામાં ભાજપના નેતાઓ વિરુદ્ધ કોણ શું લખે છે કે શું બોલે છે એવા ધણા બધા ફાલતુ કામોમાં વ્યસ્ત છે. ભાજપના પ્રવક્તાઓ ટીવી ડિબેટમાં રાડારાડી અને માથાકૂટ કરવામાં વ્યસ્ત છે. ટૂંકમાં બધા પોત-પોતાની રીતે વ્યસ્ત છે એટલે જ ભાજપના રાજમાં ગુંડાઓ, મવાલીઓ, લુખ્ખાઓ, ટપોરીઓ, બે-નંબરીયાઓ, તોડબાજો, વ્યાજખોરો, ભ્રષ્ટાચારીઓ, ભેળસેળીયાઓ, ખંડણીખોરો, પેપરફોડુંઓ, બળાત્કારીઓ અને માફીયાઓ ભાજપના ભ્રષ્ટ નેતાઓની મદદથી ગુનાખોરી આચરવામાં મસ્ત છે. હીરોગીરી કરનાર ગૃહમંત્રી હ(ર્ષ)ત્યારા સંઘવી રાજીનામું આપે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
