Team Chabuk-Gujarat Desk: જળબંબાકાર વરસાદના કારણે પાણી પાણી થઈ ગયેલા સૌરાષ્ટ્ર માટે એક રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી હતી. જેમાં સૌરાષ્ટ્ર પંથકના રાજકોટ, જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતના વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. એટલે કે આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. પરંતુ રાહતના સમાચાર એ છે કે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલું આ રેડ એલર્ટ હટાવી લેવામાં આવ્યું છે. એટલે કે ભારેથી અતિભારે વરસાદ આ વિસ્તારમાં નહીં પડે.
મહત્વનું છે કે છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જામનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં પડેલા અતિભારે વરસાદના કારણે મોટું નુકસાન થવા પામ્યું છે. ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાકનો સફાયો બોલી ગયો છે. અનેક ઘરોમાં પણી ઘુસી જતાં ઘરવખરી પલળી ગઈ છે. અનેક પશુઓના પણ મોત થયા છે. રોડ રસ્તાઓ પર પણ ભારે નુકસાન થવા પામ્યું છે. ત્યારે ફરીથી રેડ એલર્ટ આપવામાં આવતાં ચિંતામાં વધારો થયો હતો. જો કે હવે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ હટાવી લેવાતાં ખેડૂતો, લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
જો કે, આ વિસ્તારોમાં હવે ભારેથી અતિભારે નહીં પરતું ભારે વરસાદ પડશે. ઓડિશામાં જે સિસ્ટમ સક્રિય બની હતી તે ગુજરાત તરફ આવી રહી હતી. જેના પગલે આ એલર્ટ આપવામાં આવ્યું હતું. આ સિસ્ટમ ફંટાઈ જવાને પગલે હવે રેડ એલર્ટની આગાહી પરત લેવામાં આવી છે. જોકે, રેડ એલર્ટની આગાહી હટાવી લેવામાં આવી હોવા છતાં આગામી ત્રણ દિવસ આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
આગામી દિવસોમાં અહીં પડી શકે છે વરસાદ
આવતીકાલે એટલે કે 16 સપ્ટેમ્બરના રોજ ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. 17 સપ્ટેમ્બરના રોજ ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. 18 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના મોટભાગના વિસ્તારોમાં વરસાદ નહીં પડે. 19 સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત