Team Chabuk-Gujarat Desk: કોરોનાના દર્દીઓ માટે જરૂરી એવા રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજાર દેશભરમાં થઈ રહ્યા છે. અનેક જગ્યાએથી રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજાર કરતાં શખ્સો ઝડપાયા છે. ત્યારે હવે જામનગરમાં એક હોસ્પિટલ દ્વારા કરાતાં રેમડેસિવિર ઇન્જેક્શનના સંગ્રહખોરીનો પર્દાફાશ થયો છે. જામનગર નજીક ખંભાળિયા હાઈ-વે પર એરપોર્ટ પાસે આવેલી સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલ રેમડેસિવિર ઇન્જેક્શનની સંગ્રહખોરી કરતી હોવાનું સામે આવ્યું છે.
ગઈકાલે પ્રાંત અધિકારી આસ્થા ડાંગર દ્વારા હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલ પાસેથી 22 રેમડેસિવિર ઇન્જેક્શન મળી આવ્યા હતા. જે મામલે કાયેદસરની કાર્યવાહી કરવાની જામનગર મહાનગરપાલિકાને જાણ કરાઈ હતી. સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલ દ્વારા આ રેમડેસિવિર ઇન્જેક્શનન કેવી રીતે મેળવવામાં આવતા હતાં તે અંગે પ્રાંત અધિકારી આસ્થા ડાંગરે સમગ્ર હકીકત જણાવી હતી.
પ્રાંત અધિકારી આસ્થા ડાંગરના જણાવ્યા અનુસાર એરપોર્ટ નજીક આવેલી સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલમાં બે દિવસ પહેલાં રેન્ડમ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રેકોર્ડમાં જાણવા મળ્યું હતું કે, એક દર્દીના મૃત્યુ બાદ તેનું નામ રજૂ કરીને મૃત દર્દીના નામે રેમડેસિવિર ઇન્જેક્શનની માગણી કરવામાં આવી હતી. આ પ્રકારે હોસ્પિટલે સતત ત્રણ દિવસ સુધી મૃત દર્દીના નામે ઇન્જેક્શનની માગણી ચાલુ રાખી હતી જેથી અંતે ગુરુવારે આ મામલે હોસ્પિટલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે ઘણા દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દીધા પછી પણ તેમના નામે રેમડેસિવિર ઇન્જેક્શનની માગણી કરવામાં આવી રહી હતી.
તપાસમાં સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલ પાસે 22 રેમડેસિવિર ઇન્જેક્શન પડ્યા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે જામનગર મહાનગરપાલિકાને હોસ્પિટલ સામે કાયદેસરના પગલાં ભરવા માટે સૂચના અપાઈ છે. મહત્વનું છે કે રેમડેસિવિર ઇન્જેક્શનની હાલ અછત વર્તાઈ રહી છે ત્યારે આ પ્રકારે હોસ્પિટલ દ્વારા સંગ્રહખોરી કરીને હકીકતમાં જે જરૂરિયાતવાળા દર્દીઓ છે તેમના માટે મુશ્કેલી સર્જવાનું કામ કર્યું છે. જો દર્દીઓને સમયસર ઇન્જેક્શન મળી જાય તો તેમને ઘણી મદદ થઈ શકે છે.
જામનગર જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો દર્દીઓને મળી રહે તે માટે જિલ્લા કલેક્ટરના સૂચનથી એક કમિટી બનાવાઈ છે. આ કમિટી દ્વારા જામનગર શહેર અને જિલ્લામાં દાખલ કોરોના દર્દીઓમાંથી કેટલા દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર છે તેની ખાતરી કરવામાં આવે છે. આ કમિટી દ્વારા દરેક ખાનગી હોસ્પિટલ પાસેથી જરૂરિયાત મુજબ રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટેના ઇન્ડેન્ટ મંગાવવામાં આવે છે. જેના આધારે આ કમિટી દ્વારા નક્કી કરીને હોસ્પિટલને જરૂરી ઇન્જેક્શનનો જથ્થો ફાળવવામાં આવે છે.
દરરોજ હોસ્પિટલ પાસેથી કેટલા ઇન્જેક્શન પડ્યા છે તેની માહિતી પણ મંગાવાય છે. પરંતુ સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલે તેઓની પાસે એકપણ ઇન્જેક્શન ન હોવાનું જણાવ્યું હતું. આ ખાનગી હોસ્પિટલે જામનગર મનપા સાથે એમઓયુ પણ કરેલા હોવાનું પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું. પ્રાંત અધિકારી દ્વારા આ કોવિડ હોસ્પિટલમાં કલાકો સુધી ચેકિંગ હાથ ધરીને આ સંગ્રહખોરીને ઝડપી પાડી હતી. જામનગરમાં સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલ દ્વારા આ પ્રકારે રેમડેસિવિર ઇન્જેક્શનની સંગ્રહખોરી કરાતી હોવાનું સામે આવતા લોકોમાં પણ હોસ્પિટલ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. અનેક દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન નથી મળી રહ્યા ત્યારે આવી હોસ્પિટલ દ્વારા સંગ્રહખોરી કરાતાં તંત્ર સામે પણ આંગળી ઉઠી રહી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત