Homeગુર્જર નગરીઆહવાઃ કોરોનાકાળમાં દંડકેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનોની અનોખી સેવા

આહવાઃ કોરોનાકાળમાં દંડકેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનોની અનોખી સેવા

Team Chabuk-Gujarat Desk: કોરોનાકાળમાં દર્દીઓ અને તેમના પરિવારજનોની હાલત કફોડી બની જતી હોય છે. ઘરમાં એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવે એટલે ઘરના તમામ સભ્યોને મુશ્કેલીમાં મૂકાવું પડે છે. ત્યારે આવા સમયે જો દર્દી અને તેમના પરિવારજનોને જરૂરી સાથ-સહકાર મળી રહે તો તેઓની ઘણી બધી મુશ્કેલી દૂર થઈ જતી હોય છે. ત્યારે ડાંગ જિલ્લાના આહવામાં કોરોના દર્દી અને તેમના પરિવારજનોની મુસીબત દૂર કરવાનું કામ કરી રહ્યું છે દંડકેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ.

આહવામાં છેલ્લા ઘણા સમયથી દંડકેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ અલગ અલગ સેવાકીય કાર્ય કરી રહ્યું છે. હાલ કોરોનાની મહામારીમાં પણ દંડકેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો માનવતાના ધોરણે મદદ કરવા માટે આગળ આવ્યા છે. આહવામાં જે ઘરે કોરોના પોઝિટિવ કેસ હોય તેઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ યુવાનોની ટીમ મદદરૂપ થઈ રહી છે. જે પરિવારજનો હોમ કોરેન્ટાઈન હોય તેઓને જે વસ્તુની જરૂર હોય તે આ યુવાનો લઈને ઘર સુધી પહોંચાડે છે.

દર્દીઓ અને પરિવારને ભોજન

દંડકેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનોની ટીમ દ્વારા આહવામાં હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓ અને તેમના પરિવારજનોને સાંજના સમયે નિઃશુલ્ક ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આહવામાં બપોરે 2 વાગ્યા બાદ બજારો બંધ થઈ જતી હોવાથી દર્દી અને તેમના પરિવારજનોને ભોજન માટે મુશ્કેલી ઉભી થતી હતી. જેથી દંડકેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનોએ દર્દી અને તેમની સાથે હોસ્પિટલ રહેતા પરિવારજનોને સાંજના સમયે ભોજન પૂરું પાડવા સેવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આશરે 150 થી 200 લોકોને આ સેવાનો લાભ આપવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત આહવા સિવિલ હોસ્પિટલ તેમજ તમામ ખાનગી હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓની ઇમ્યુનિટીમાં વધારો થાય તે માટે બપોરે અને સાંજે ઉકાળો અને લીંબુ શરબત આપવામાં આવી રહ્યું છે. જેનો લાભ દર્દીના પરિવારજનો પણ લઈ રહ્યા છે. દરરોજ બપોરે અને સાંજે આશરે 200 લીટર જેટલો આયુર્વેદિક ઉકાળો અને લીંબુ શરબત બનાવીને તેને દરેક હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ સેવાકાર્યમાં દંડકેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટના 40 જેટલા યુવાનો ખડેપગે રહીને સેવા આપી રહ્યા છે.

રસી લેવા માટે લોકોને કરી રહ્યા છે જાગૃત

ડાંગ જેવા અંતરિયાળ જિલ્લામાં હજુ પણ ઘણા લોકોમાં રસી લેવા માટેની ઉદાસિનતા જોવા મળી રહી છે. અથવા ઘણા લોકોને કોરોના રસી લેવા માટે રજિસ્ટ્રેશન કેમ કરવું તેની પૂરતી જાણકારી નથી. તેથી ડાંગ જિલ્લામાં વધુ લોકો રસી લે તે માટે દંડકેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો ઘરે ઘરે ફરીને લોકોને સમજાવી રહ્યા છે. જે લોકોને રસી લેવા માટે રજિસ્ટ્રેશન કરતાં ન આવડતું હોય તેઓને આ યુવાનો રજિસ્ટ્રેશન પણ કરી આપે છે અને રસી લેવા માટે લોકોને જાગૃત કરી રહ્યા છે.

દંડકેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં આહવા પંથકમાં એક આઈસીયુ એમ્બ્યુલન્સ પણ ફાળવવામાં આવનાર છે. આ એમ્બ્યુલન્સ કોઈ દર્દીને હોસ્પિટલેથી ઘરે કે ઘરેથી હોસ્પિટલ લાવવામાં સહાયરૂપ થશે. દંડકેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ તમામ સેવા નિઃશુલ્ક માનવતાના ધોરણે કરવામાં આવી રહી છે. આહવા પંથકના લોકો તરફથી પણ આ યુવાનોની અનોખી સેવાને બિરદાવવામાં આવી રહી છે.

મહત્વનું છે કે આહવામાં કાર્યરત દંડકેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા સમયથી બ્લડ ડોનેશન પર વિશેષ ધ્યાન આપીને સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે. આહવા અને આસપાસના વિસ્તારમાં કોઈપણ દર્દીઓને લોહીની જરૂરિયાત ઉભી થાય ત્યારે આ ટ્રસ્ટના યુવાનો તુરંત હાજર થઈને લોહીની વ્યવસ્થા કરી આપી છે. ત્યારે હાલ કોરોના મહામારીમાં દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે દંડકેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો ખડેપગે સેવા આપી રહ્યા છે.

add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments