Homeગામનાં ચોરેતમને કોરોના થયો છે અને સ્વાદ-ગંધ નથી આવતા તો એ સારી વાત...

તમને કોરોના થયો છે અને સ્વાદ-ગંધ નથી આવતા તો એ સારી વાત છે, જાણો કેમ ?

Team Chabuk-National Desk: જ્યારથી કોરોના વાઇરસની એન્ટ્રી થઈ છે ત્યારથી તેના પર વિવિધ સંશોધનો અને અભ્યાસ કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ સંશોધનો અને અભ્યાસમાં નીત નવી માહિતી અને તારણો બહાર આવતા રહ્યા છે. હવે એવું તારણ બહાર આવ્યું છે કે જો તમને કોરોના થયો છે અને સ્વાદ અને ગંધ ગાયબ થઈ ગયા છે તો એ એકંદરે સારી વાત છે. સારી વાત કેમ છે આવા જાણીએ.

ભારતમાં વધી રહેલા કોરોના વાઇરસના કેસ વચ્ચે કોરોનાથી સંક્રમિત થયેલા લોકો માટે એક સારા સમાચાર છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકોને કોરોના થયો છે અને તેમને સ્વાદ અને ગંધનો અનુભવ નથી થતો તો આવા દર્દીઓ ગંભીર બનવાના ભયથી દૂર છે. જીએસવીએમ મેડિકલ કોલેજ દ્વારા 220 દર્દીઓ પર કરાયેલા સંશોધનમાં આ વાત જાણવા મળી છે.

સંશોધન કરનાર ડોક્ટર હરેન્દ્ર કુમારનું કહેવું છે કે, આ અંગેના સંશોધન માટે તેઓએ બે કેટેગરી બનાવી હતી. જેમાં એક કેટેગરીના દર્દીઓ એવા લેવામાં આવ્યા જેઓને સ્વાદ અને ગંધનો અનુભવ નથી થતો અને બીજી કેટેગરીમાં એવા દર્દીઓ હતા જેઓને સ્વાદ અને ગંધ બરાબર રીતે આવી રહ્યા હતા. બન્ને કેટેગરીના દર્દીઓ પર સંશોધન કરતાં ચોંકાવનારું તારણ જાણવા મળ્યું હતું.

બન્ને કેટેગરીના દર્દીઓમાં તુલનાત્મક અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે, સ્વાદ અને ગંધ ન આવતો હોય તેવા માત્ર 9 દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી હતી જ્યારે સ્વાદ અને ગંધ આવતો હતો તેવા 34 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જેમાંથી 8 લોકોના મોત પણ થયા હતા.

સંશોધનકાર ડોક્ટર હરેન્દ્ર કુમાર જણાવે છે કે સંશોધનમાં જાણવા મળ્યું છે કે કોરોના વાઇરસનો હુમલો સ્વાદ અને ગંધને કેવી અસર કરે છે. દર્દીઓ કેટલી હદે ગંભીર છે. ડોક્ટરનું કહેવું છે કે આ અંગે મેરઠ મેડિકલ કોલેજ દ્વારા પણ સંશોધન ચાલી રહ્યું છે. આશરે 50 દર્દીઓમાં આ પ્રકારની શોધખોળ મળી છે. તે આ વિષય પર સંશોધન પેપર પણ લખી રહ્યા છે.

સ્વાદ-ગંધ ન આવે તે ઝડપથી સાજા થાય છે

આ અંગે સંશોધન કરનાર ડોક્ટર હરેન્દ્ર કુમારનું કહેવું છે કે, સ્વાદ અને ગંધ ન આવતા હોય તેવા મોટાભાગના દર્દીઓ સામાન્ય દવા અને ઘરે રહીને 10 થી 15 દિવસમાં કોરોનામાંથી મુક્ત થઈ ગયા હતા. જો કે તેઓમાં દોઢ મહિના સુધી સ્વાદ અને ગંધ ન આવતી હોવાની ફરિયાદ રહી હતી.

આ અંગે સંશોધન કરનારા ડોક્ટર હરેન્દ્ર કુમારનું કહેવું છે કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે નાકમાં મળતી જ્ઞાનેન્દ્રિય ગ્રંથિ પર કોરોનાનો જબરદસ્ત હુમલો થયો હતો. ત્યારે નાકમાં રહેલો કોરોના વાઇરસ મગજ તરફ ન જઈ શક્યો અને ફેફસામાં પણ કોરોના ન પ્રવેશી શક્યો. આવી સ્થિતિમાં મગજ અને શ્વસનતંત્ર સલામત રહે છે. આમ જે દર્દીઓને કોરોનાગ્રસ્ત થયા દરમિયાન સ્વાદ અને ગંધનો અનુભવ ન થાય તો તેઓને ગંભીર થવાનો ડર ઓછો રહે છે અને સલામતી વધી જાય છે.

મહત્વનું છે કે સ્વાદ અને ગંધ ગાયબ થવી એ કોરોનાનું એક લક્ષણ માનવામાં આવે છે. કોરોના વાઇરસથી સંક્રમિત થયેલા અનેક લોકોમાં આ પ્રકારના લક્ષણો જોવા મળ્યા છે. હાલ ચાલી રહેલી બીજી લહેરમાં આ લક્ષણો ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. પરંતુ પ્રથમ લહેરમાં મોટાભાગના દર્દીઓમાં સ્વાદ અને ગંધ ગાયબ થયાની ફરિયાદ જોવા મળી હતી.

add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments