Team Chabuk-Gujarat Desk: સુરતના કાપોદ્રામાં લિવ ઈનમાં રહેતી મહિલાની ઘરમાં જ હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. મહિલાની હત્યા બીજા કોઈએ નહીં પરંતુ તેના જ પ્રેમીએ કરી હોવાનું સામે આવ્યું છે. મહિલાની હત્યા કરીને પ્રેમી કામ પર નીકળી ગયો હતો. હત્યા સમયે તેની 1 વર્ષની દીકરી ઘરમાં હતી. ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીંકીને મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હાલ પોલીસે મૃતક મહિલાના પ્રેમીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
સુરતના કાપોદ્રામાં સમ્રાટ સોસાયટી પાસે ગૌતમ પાર્કમાં મૂળ મહેસાણાનો પ્રકાશ રણછોડ પટેલ રહે છે. પ્રકાશ તેની પત્ની આશાથી છેલ્લા સાડા ત્રણ વર્ષથી અલગ રહે છે. છૂટાછેડા માટે કેસ હજી ચાલી રહ્યો છે. ત્યારે પ્રકાશ છેલ્લા ત્રણેક વર્ષથી મૃતક સ્નેહલતા સાથે ગૌતમ પાર્કમાં રહેતો હતો. મૂળ નેપાળની સ્નેહલતા અને પ્રકાશને એક વર્ષની દીકરી પણ છે. જેનો આગામી 19 માર્ચના રોજ પહેલો જન્મ દિવસ છે. જે પહેલા જ પ્રકાશે સ્નેહલતાની હત્યા કરી નાખી છે. જેથી એક વર્ષની દીકરી નોંધારી થઈ ગઈ છે.
પ્રકાશ ઝેરોક્ષ મશીનના રીપેરીંગ અને સ્પેરપાર્ટનું કામ કરે છે. પ્રકાશ રોજ સવારે ટિફિન લઈને ઘરેથી દુકાને નીકળી જતો. રોજ બપોરે સ્નેહલતા સાથે વીડિયો કોલ પર વાત કરતો. ક્યારેક સ્નેહલતા પ્રકાશને ફોન કરતી તો ક્યારેક પ્રકાશ સ્નેહલતાને ફોન કરતો હતો. ત્યારે ગઈકાલે મંગળવારે સ્નેહલતાનો ફોન ન આવતા પ્રકાશે સ્નેહલતાને ફોન કર્યો હતો પણ ફોન બંધ આવતો હતો. જેથી પ્રકાશે પડોશીને ફોન કરીને સ્નેહલતાનો ફોન શા માટે બંધ આવે છે તેની તપાસ કરવા કહ્યું હતું. પડોશીએ ઘરે જઈ તપાસ કરતા તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. સ્નેહલતા લોહીના ખાબોચિયામાં પડી હતી અને લોહીના ખોબોચિયામાં તેમની એક વર્ષની દીકરી રમી રહી હતી. આ ઘટનાની પ્રકાશને જાણ કરતાં તે તત્કાલિક ઘરે આવી ગયો હતો અને તેણે આ હત્યા ન કરી હોય તેમ નાટક કરતો હતો. પરંતુ પોલીસે તપાસ કરતા લિવ ઈનમાં રહેતો પ્રકાશ જ શંકાના દાયરામાં આવ્યો હતો. પ્રકાશે જ હત્યા કરી જુઠ્ઠાણું ફેલાવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્નેહલતાની હત્યામાં પ્રકાશની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ.
સુરતના ઝોન-1ના ડીસીપી સજ્જનસિંહ પરમારે જણાવ્યું કે, લિવ ઈનમાં રહેતા પ્રેમીએ જ હત્યા કરી હોવાની કબૂલાત આપી છે. વધુ તપાસ ચાલી રહી છે. મહિલા મૂળ નેપાળની છે. મહિલા છેલ્લે મુંબઈ રહેતી હતી ત્યારે પ્રકાશના સંપર્કમાં આપી હતી. મૃતક મહિલા સ્નેહલતા છેલ્લા ત્રણ વર્ષથી હત્યાના આરોપી પ્રકાશ સાથે રહેતી હતી. સ્નેહલતા પ્રકાશને કહેતી હતી કે, તમે જે સંપત્તિ ખરીદ્યો છો તે મારા નામ પર ખરીદવાની. આ દરમિયાન જમીનના રૂપિયા આવ્યા તેમાંથી મુંબઈમાં સ્નેહલતાના નામે એક ઘર પણ લીધું હતું. જ્યારે સુરતમાં હાલ જે ઘરમાં રહે છે તે પણ સ્નેહલતાના નામે છે. જોકે, સ્નેહલતાની માગણીઓ વધી જતા ઝઘડાઓ ચાલતા હતા. જેથી પ્રકાશે સ્નેહલતાની હત્યા કરી હોવાની કબૂલાત આપી છે.
પ્રકાશે ગામમાં જમીન વેચી દીધા બાદ 45 લાખ રૂપિયા આવ્યા હતા. જેમાંથી સ્નેહલતા માટે 11 લાખનું મકાન મુંબઈમાં અને 25 લાખનું મકાન સુરતમાં લઇ આપ્યું હતું. આ ઉપરાંત હજુ તેની તમામ મિલકત તેના નામે કરવા માગણી કરતી હતી. છેલ્લા બે મહિનાથી બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને તેમાં સ્નેહલતા મુંબઈ ભાગી જવાની ધમકી આપતી હતી. જેથી પ્રકાશને થયું હતું કે તેની પહેલી પત્ની પણ ના રહી અને હવે બીજી પત્ની પણ ભાગી જવાની ધમકી આપે છે. જેથી આખરે તેણીની હત્યા કરી નાખી હતી.
સવારે 9:30થી 9:45 વાગ્યાના આસપાસ સ્નેહલતા ઘરમાં મંદિર સામે બેઠી હતી અને ભગવાનની પૂજા કરતી હતી ત્યારે પ્રકાશે પાછળથી ચપ્પુ લઈને આવી સ્નેહલતાના ગળાના ભાગે બેથી ત્રણ ઘા મારી તેની હત્યા કરી ચપ્પુ તેની સાથે લઈને જ ઘરેથી નીકળી ગયો હતો. આ ચપ્પુ ખાંડબજાર ગરનાળા પાસે સર્વોદર બેંકની નજીકમાં ફેંકી દીધું હતું. પોલીસે ગતરોજ મોડીરાત્રે સ્નેહલતાની હત્યા માટે વપરાયેલ ચપ્પુ પણ ખાંડબજાર ગરનાળા પાસેથી જપ્ત કર્યું છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
