ઇંગ્લેન્ડની ટીમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે હતી. પાંચ ટેસ્ટની શ્રેણી હતી. ત્યાં ચાર ટેસ્ટ રમાઈ ચુકી હતી. વેસ્ટઇન્ડીઝ 4-0થી આગળ. આમાંથી એક ટેસ્ટ એવી હતી જેના કારણે આ પાંચ મેચની શ્રેણી યાદગાર બની ગઈ.
પાંચમી ટેસ્ટ એન્ટિગુઆમાં રમાઈ. આ વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન વિવિયન રિચાર્ડ્સનું હોમગ્રાઉન્ડ હતું. એટલે ઇંગ્લેન્ડનો કેપ્ટન ડેવિડ ગાવર જાણતો હતો કે તેમની ટીમના બોલરોની અત્યાધિક પીટાઈ થવાની છે.
11 એપ્રિલ 1986. ટેસ્ટ શરૂ થઈ. ગવારે ટોસ્ટ જીત્યો અને વેસ્ટઇન્ડીઝને બેટિંગ માટે આમંત્રિત કરી. વેસ્ટઈન્ડિઝે 232 પર પાંચ વિકેટ ગુમાવી દીધી. તમામ આધારભૂત બેસ્ટમેનો પવેલિયન ભેગા થઈ ગયા. હવે પાછળ વધેલા ખેલાડીઓ શું કરી શકે ? એટલે ઈંગ્લેન્ડને વ્હાઈટ વોશથી બચવાની આશા જાગી. પરંતુ ઈંગ્લેન્ડની આ આશાઓ પર પણ પાણી ફરી ગયું.
વેસ્ટઈન્ડિઝના મેલ્કમ માર્શલ, માર્શલ, રોજર હાર્પર અને માઇક હોલ્ડિંગે એવી બેટિંગ કરી કે ઈંગ્લેન્ડના ખેલાડીઓના હોશ ઉડી ગયા. વિન્ડિઝે કુલ 474 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની ટીમ બેટિંગ માટે ઉતરી. ઓપનર ગ્રેહામ ગૂચ અને વિલ્ફ સ્લેકે 127 રનની શરૂઆતની ભાગીદારી નોંધાવી. કેપ્ટન ગવારે 90 રન ફટકાર્યા. ગાવરની ઇનિંગ્સ આ શ્રેણીની શ્રેષ્ઠ ઇનિંગ્સ હતી. પણ તેમની મહેનત પર પણ આખરે તો પાણી જ ફર્યુ.
ઈંગ્લેન્ડ 310 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. એટલે કે વેસ્ટઈન્ડઝથી 164 રન પાછળ. ત્રણ દિવસની રમત પુરી થઈ. 14 એપ્રિલે વિરામનો દિવસ હતો. ત્યારે પાંચ દિવસીય ટેસ્ટ મેચમાં એક દિવસ રેસ્ટ રહેતો. મતલબ કે મેચ છ દિવસ સુધી ચાલતી. ત્રણ દિવસ સતત રમ્યા બાદ એક દિવસ આરામ ત્યારબાદ ફરી બે દિવસ મેચ.
ચોથા દિવસની રમત 15 એપ્રિલે શરૂ થઈ. ગવારને લાગ્યું કે, બે દિવસ બાકી છે. બંને ટીમો માટે એક ઇનિંગ્સ. આપણે હજુ આ ટેસ્ટ ગુમાવી નથી. પરંતુ વેસ્ટ ઇન્ડીઝની ટીમના ઓપનર રિચિ રિચાર્ડસન અને ડેસમંડ હેન્સે વનડેની જેમ મેદાન પર હાથ ખોલ્યા.
ટીમનો સ્કોર 100એ પહોંચી ગયો. મેચ આગળ ચાલી. ઓફ સ્પિનર જોન એમ્બ્યુ વિકેટ લેવામાં સફળ રહ્યો અને પાર્ટનરશીપ તોડી. રિચી કેચ આઉટ થયો. એમ્બ્યુરે તેને પાંચ ટેસ્ટમાં છ વખત આઉટ કર્યો હતો.
જોકે, વિકેટ પડી ત્યારે પ્રેક્ષકોની ચીસો વધી ગઈ. કેમ કે હવે મેદાનમાં વિવિયન રિચર્ડ્સ આવી રહ્યો હતો. ટી બ્રેકના 28 મિનિટ બાકી હતા. 28 મિનિટ બાદ બ્રેક પડ્યો ત્યારે સ્કોરબોર્ડ પર રિચર્ડસનો સ્કોર 28 હતો. ટી બ્રેક દરમિયાન જ ગવાર અને સાથી ખેલાડીઓને અંદાજો આવી ગયો હતો હવે ન તો રિચર્ડ્સ શાંત થવાનો છે ન તો દર્શકો.
ડ્રેસિંગ રૂમમાં બેઠા-બેઠા ઈંગ્લેન્ડની ટીમ સામે એક પ્રશ્ન હતો કે હવે બોલિંગ કોણ ફેંકશે ?
ખેલાડીઓ એકબીજા સામે જોઈ રહ્યા હતા. થોડા સમયના સન્નાટા બાદ ઈયાન બોથમ સામે તમામ જોઈ રહ્યા હતા. કેમ કે, બોથમે જ પહેલી ઈનિંગમાં રિચર્ડ્સને આઉટ કર્યો હતો.
બોથમે કેપ્ટનને કહ્યું, ‘બીજી તરફથી એમ્બુરેને બોલિંગ કરાવજે.’
આ વાત સાંભળીને એમ્બુરે મજાકમાં બોલ્યો,‘જો ધોવાયા તો જેટલા રન પડશે તેટલા તમામ બોલરો એ ભાગે પડતા વહેંચવાના રહેશે.’
મેદાન પર એમ્બુરેની મજાક હકીકત સાબિત થઈ. રિચર્ડસને 35 બોલમાં ફિફ્ટી ફટકારી દીધી. હવે તે અટકવાનો ન હતો. બોલ 56 રન 100. એટલે કે બીજી ફિફ્ટી તેણે માત્ર 21 બોલમાં ફટકારી દીધી.
મેદાન પર છગ્ગા-ચોગ્ગાનો વરસાદ થઈ ગયો.
રિચર્ડ્સ એટલી તાકાતથી શોટ્સ ફટકારતો હતો જાણે બોલની ચામડી ઉતરી જાય. એક શોટ તો મેદાન બહાર આવેલી જેલની દીવાલ પર ટકરાયો.
ઇયાન બોથમે બાઉન્સર ફેક્યો. હૂક કર્યો. શોટમાં એટલી તાકાત હતી કે જે ગતિથી દડો ફેંકાયો હતો તેનાથી ડબલ ગતિએ ગ્રાઉન્ડની બહાર પડ્યો. પહેલાં સ્ટેડિયમ તેની બહાર એક રસ્તો અને રસ્તાની સામેની બાજુમા જેલ. આટલો લાંબો શોટ્સ જોઈને દર્શકો પણ આશ્ચર્યમાં મુકાયા.
જ્યારે રિચર્ડ્સને આ વાતની ખબર પડી ત્યારે તે મનમા હસ્યો. છગ્ગાની લંબાઈના કારણે નહી પરંતું જે જેલની દીવાલ પર દડો અથડાયો હતો તે જેલમાં તેના પિતા વોર્ડનનું કામ કરતા.
મેચ દરમિયાન બે બોલ બદલવા પડ્યા. એક જેલની દીવાલ સાથે અથડાયો તે અને બીજો બોલ ‘રમ’ પી ગયો !
બોલર ફરી બોથમ. ફરી બાઉન્સર. અને ફરી રિચર્ડસનું હુક. આ વખતે દડો એક દર્શક પાસે વાયુવેગે પહોંચ્યો જે રમ લઈને સ્ડેડિયમાં બેઠો હતો. દડો રમની બોટલમાં અથડાયો. રમની બોટલ તુટી. દડો થોડો પલળી ગયો. અને બોટલનો કાંચ દડામાં આરપાર થઈ ગયો. જેના કારણે બીજો બોલ પણ બદલવાની ફરજ પડી. ઈનિંગના અંતે વેસ્ટઈન્ડિઝના 246 રન થઈ ગયા હતા.
બીજા દિવસે ઈંગ્લેન્ડની ટીમ મેદાને ઉતરી. ઓપનર ગ્રેહમ ગૂચે ફરી ફિફ્ટી ફટકારી પરંતુ પાછળ આવેલા બેટ્સમેન કંઈ ખાસ ન કરી શક્યા. ઈંગ્લેન્ડની ટીમ 170 રનમાં ઓલઆઉટ થઈ અને પાંચમી મેચ પણ હાથમાથી ગુમાવી.