Homeસિનેમાવાદઆ દુનિયાની કોઈ બેસ્ટ વસ્તુ છે તો એ અમરીશ પુરી છે :...

આ દુનિયાની કોઈ બેસ્ટ વસ્તુ છે તો એ અમરીશ પુરી છે : સ્પીલબર્ગ

અમરીશ પુરી કોઈ દિવસ રેડિયો, ટીવી ચેનલ કે પત્રકારને પોતાનો અવાજ રેકોર્ડ નહોતા કરવા દેતા. એમણે પોતાના અવાજની પાછળ રોજની ચાર કલાક મહેનત કરી હતી.  મારા ગળામાં કયો નગીનો છે તેની તેમને ખબર હતી. આજે પણ અમરીશજીના ખૂબ ઓછા વીડિયો યુટ્યુબ પર દેખાશે. તેમની મુલાકાતો લેખિત સ્વરૂપે જ સંગ્રહિત છે. તે પણ પત્રકારો દ્રારા હસ્તલિખિત.

શ્યામ બેનેગલે તેમના અવાજ સાથે સંકળાયેલા કિસ્સાને યાદ કરતાં કહ્યું હતું, ‘હું એ સમયે અંકૂર ફિલ્મનું દિગ્દર્શન કરતો હતો. અમરીશ પુરી નાટકોમાં કામ કરતાં હતા. મેં એક હીરોને લીધેલ કારણ કે તેનો અભિનય અને પડદા પર છવાઈ જવાની તેની કાબેલિયતથી હું અંજાઈ ગયો હતો. મોડે મોડે મને ખબર પડી કે તે યોગ્ય રીતે સંવાદ બોલી નહોતો શકતો. મેં અમરીશને ડબીંગ કરવા કહ્યું. અમરીશ જે રીતે ડાઈલોગ બોલી રહ્યો હતો, મને અંદરથી થયું કે હું આ શું કરી રહ્યો છું ? આ માણસ તો અભિનયને લાયક છે. મને ખરાબ લાગ્યું!! અમરીશને મેં બાદમાં નિશાંત ફિલ્મમાં કાસ્ટ કરી લીધો.’

અમરિશ પુરીએ પત્રકાર વી.વી. શ્રીનિવાસનને જ્યારે મુલાકાત આપેલી ત્યારે તેમણે તેમનું રેકોર્ડર ઓફ કરી દેવાનું કહ્યું હતું. સાથે ઈશારો પણ કર્યો હતો કે આપના હાથમાં બોલપેન અને કાગળ છે, તો તમે તમારા હાથને શું કામે પરિશ્રમ નથી કરાવતા. તેમને પોતાનો અવાજ એટલો પસંદ હતો. જેને તેઓ મફતમાં નહોતા આપતા.

અમેરિકાની ફિલ્મોમાં એ સમયે એકથી એક ખતરનાક વિલનો આવતા હતા. આજે હું 28 વર્ષની મારી ઉંમરે એ ગાળાના ચિત્રપટને સર્વલક્ષી રીતે જોઉં છું, તો ગણી ગાઠી ફિલ્મોને છોડતા ત્યાં પણ અમરીશ પુરી જેવો સશક્ત વિલન મને દેખાતો નથી. ખૂદ સ્પીલબર્ગે તેમના માટે ક્યારે કહ્યું હોય, ‘આ દુનિયાની સૌથી બેસ્ટ વસ્તુ કોઈ હોય તો તે અમરીશ પુરી છે.’

અમરીશ પુરી કસરત કરતાં હતા. જેથી તેમનું શરીર વિલનના કિરદારમાં ફિટ બેસે તેવું થઈ ગયું. એક બરડ અને બરછટ ચહેરો. 22 વર્ષની ઉંમરે આ ચહેરાને હીરો તરીકે પસંદ નહોતો કરવામાં આવેલો. દિગ્દર્શકે એમ કહી અમરીશને દરવાજો બતાવેલો કે તારા ચહેરામાં હીરો બનવાને લાયક કોઈ ગુણવતા નથી. ત્યાં સુધી અમરીશના ભાઈ મદન પુરી તેમના અવાજ અને અભિનયથી હિન્દી સિનેમામાં જગ્યા બનાવી ચૂક્યા હતા.

અમરીશ નોકરી અને નાટક વચ્ચે દોડીદોડી કરી થાકી જતા હતા. રોજ મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પલોયમેન્ટ (ESIC)નોકરી અને ત્યાંથી આવી અભિનય કરવાનો. નાટકમાં તેઓ પોતાનું સર્વસ્વ ન્યોછાવર નહોતા કરી શકતા. એમના શરીરમાંથી જે તાકાત નીકળવી જોઈએ તે નહોતી નીકળતી. તેમણે સત્યદેવ દૂબેને કહ્યું પણ ખરું,‘મારી ઈચ્છા છે કે હું નોકરી છોડી દઉં અને પુરતું ધ્યાન નાટકો પર કેન્દ્રિત કરું.’

સત્યદેવ દૂબેએ કહ્યું, ‘આવો ખેપાની વિચાર મગજમાંથી કાઢી નાખજે. જ્યારે પ્રથમ ફિલ્મ મળે ત્યારે જ નોકરી છોડજે.’

રેશમા અને શેરા મળી પછી અમરીશે નોકરી છોડી દીધી. નોકરી છોડી ત્યારે તેઓ ક્લાસ વનનાં વર્ગ પર હતા. બાદમાં આર્ટ ફિલ્મ નિશાંતમાં તેમની આંખો અને કદાવર શરીરે સૌને ડરાવ્યા. લીડ અભિનેતા કરતાં વધારે મહેનતાણું લેનારા અમરીશ પુરીએ રિચર્ડ એટનબરોની ગાંધીમાં આફ્રિકામાં નિવાસ કરતાં અબ્દુલાનો રોલ પ્લે કર્યો હતો. તેમનો અભિનય જોઈ સ્ટીવન સ્પીલબર્ગને ચાંદી ચાંદી દેખાય. તેઓ ઈન્ડિયાના જ્હોન્સનો બીજો ભાગ બનાવતા હતા. ઓડિશન માટે તેમણે અમરીશને તેડુ મોકલ્યું કે અમેરિકા આવો. અમરીશે તેમની સ્ક્રિપ્ટ સાંભળી હતી. તેમણે કહ્યું, ‘ઓડિશન લેવું હોય, તો તમે અહીં આવો હું નહીં આવું.’

સ્પીલબર્ગ એટનબરો પાસે ગયા અને અમરીશને મનાવવાની વાત કરી. સ્પીલબર્ગે આજીજી કરી કે હું તેના સિવાય મારી ફિલ્મમાં વિલન તરીકે કોઈની કલ્પના નથી કરી શકતો.

એટનબરોએ અમરીશને ફોન જોડી કહ્યું, ‘અમરીશ માની જા.’

અમરીશે જવાબ આપ્યો, ‘અરે એ સ્ક્રિપ્ટમાં કંઈ દમ જ નથી એટનબરો સાહેબ.’

‘તને કદાચ એ વાતનો ખ્યાલ નથી અમરીશ, સ્પીલબર્ગની ફિલ્મો વિઝ્યુઅલી અને એક્શનની રીતે અદભુત હોય છે. તને મઝા આવશે.’ અમરીશ પુરીએ એટનબરોની વાત માની લીધી.

સ્પીલબર્ગની આ ફિલ્મની વાર્તા જ્યોર્જ લુકાસે તૈયાર કરી હતી, જેને પટકથાનું સ્વરૂપ વિલયર્ડ હ્યુયક અને ગ્લોરીઆ કાર્ટ્ઝ દ્રારા આપવામાં આવ્યું હતું. રાઈડર્સ ઓફ ધ લોસ્ટ આર્કની પ્રિક્વલ તરીકે તેને રજૂ કરવાની હતી. જેમાં હેરીસન ફોર્ડ અક્કા ઈન્ડિયાના જ્હોન્સ એક શ્રાપિત નગરના લોકોની વચ્ચે આવી જાય છે. ગામના લોકો તેને રહસ્યમય પથ્થર અને કેવી રીતે ટપોટપ બાળકો ગાયબ થઈ રહ્યાં છે, તેની વાત કહે છે. હવે તેનું રહસ્ય શું છે એ જાણવા ફિલ્મ ન જોઈ હોય તો જોઈ લેવી.

એટનબરોની જ ગાંધીમાં કામ કરનારા રોશન શેઠ, જેમણે નેહરૂનો રોલ પ્લે કર્યો હતો, તેઓ પણ સ્પીલબર્ગની ફિલ્મમાં હતા. ફિલ્મ માટે અમરીશ પુરીને ટકો કરવાનો હતો. તેમનો રોલ મોલારામનો, જે નરબલી આપતો હોય છે. હેરીસન ફોર્ડ કરતાં પણ લાંબો હોય છે. તેની આંખો ભયાનક હોય છે.

આ એ જ ફિલ્મ હતી જેમાં ટકો કરાવ્યા પછી પુરીએ કોઈ દિવસ માથામાં વાળ ન ઉગવા દીધા. મોટાભાગની ફિલ્મોમાં તેમણે વિગ પહેરીને જ અભિનય કર્યો છે. જેનું કારણ ઈન્ડિયાના જ્હોન્સના મોલારામના રોલમાં છુપાયેલું પડ્યું છે.

તેમનું માનવું હતું કે અલગ અલગ રોલ માટે અલગ અલગ વિગ પહેરવામાં આવે તો પાત્ર પડદા પર ઉભરતું દેખાય. તેમનો આ કિમીયો સફળ પણ સાબિત થયો. આજે પુરીના બે રોલ કોઈ દિવસ મેચ નથી થતા. મોગેમ્બો પણ મજા કરાવે અને જનરલ ડોંગ પણ મજા કરાવે. એતરાઝ પણ અલગ અને હલચલ પણ અલગ.

ફિલ્મના ક્લાઈમેક્સમાં લાકડાનો બ્રિજ કડડભૂસ થઈ જવાનો સીન છે. એ સીન એક જ ટેકમાં શૂટ થયો છે. એક ટેકમાં કરવું ફરજીયાત હતું. એટલે એક કેમેરો ખૂદ જ્યોર્જ લુકાસ હેન્ડલ કરતાં હતાં. બ્રિટીશ એન્જીનિયરે તેને બનાવ્યો હતો. લોકેશન ભારતનું લાગે પણ એ જંગલ શ્રીલંકાનું હતું.

પુલ પર હેરિસન ફોર્ડ હીરો અને અમરીશ પુરી વિલન હતા. એ દ્રશ્ય જોયા પછી મને થયું કે, ભારતની અગણિત ફિલ્મોને ટેમ્પલ ઓફ ડુમે એ તો શીખવાડ્યું જ છે કે પુલને કેવી રીતે તોડવો અને હીરોએ હીરોઈનને કેવી રીતે વિલનની ચૂંગાલમાંથી બચાવવી. આ ફિલ્મ મને હંમેશાં અમરીશ પુરીના કારણે યાદ રહેશે, નહીં કે સ્પીલબર્ગ કે ઈન્ડિયાના જ્હોન્સ બનતો હેરિસન ફોર્ડ.

(આ લેખ સિનેમાપ્રેમી યુવક જલજીરાએ લખ્યો છે. જલજીરાભાઈ આખો દિવસ ફિલ્મ જોવાના કારણે દસમાંની પરીક્ષામાં ચાર વખત ફેલ થયેલા. ફિલ્મોનો બાળપણથી જ શોખ. આખો દિવસ ફિલ્મો જ જોયા કરે છે એટલે આ ધંધો એમને સોંપ્યા જેવો. એવું ટીમ ચાબુકને લાગ્યું. હાલ FTIIમાં પ્રવેશ મેળવવાની તૈયારી કરી રહ્યા છે.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments