Homeગુર્જર નગરીઅમદાવાદઃ રિક્ષામાં પેસેન્જરને બેસાડી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ

અમદાવાદઃ રિક્ષામાં પેસેન્જરને બેસાડી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં રિક્ષામાં બેસાડીને લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. લોકોને રિક્ષામાં બેસાડીને અવાવરું જગ્યાએ લઈ જઈને લૂંટતી ગેંગ ઝડપાઈ છે. પોલીસે ગેંગના 4 શખ્સોને ઝડપી પાડ્યા છે. વેજલપુરમાં ફતેવાડી મેટ્રો સ્ટેશન પાસે થયેલી લૂંટની ઘટનાનો ભેદ ઉકેલીને પોલીસે આ ચારેય આરોપીને ઝડપી પાડ્યા છે.

અમદાવાદ શહેરમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડીને લૂંટ કરતી ગેંગ ફરી સક્રિય થતાં પોલીસ માટે પણ માથાનો દુઃખાવો બની હતી. વેજલપુરમાં ફતેવાડી મેટ્રો સ્ટેશન પાસે પેસેન્જર પાસેથી થયેલી લૂંટના કેસમાં પોલીસ આરોપીઓની શોધખોળ હાથ ધરી રહી હતી. તે દરમિયાન ચાર આરોપીઓ ઝડપાયા છે. જેઓને પોલીસે જેલ હવાલે કર્યા છે. આરોપીઓની તપાસમાં સામે આવ્યું કે તેઓએ આ જ રીતે અગાઉ દાણીલીમડા વિસ્તારમાં પણ લૂંટ ચલાવી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ઝડપાયેલા આરોપીઓએ મિત્રને આર્થિક મદદ કરવા માટે આ રીતે રિક્ષામાં પેસેન્જરને બેસાડીને લૂંટ કરવાનો પ્લાન ઘડ્યો હતો. મળેલી વિગત પ્રમાણે આરોપી રિક્ષાચાલક અબ્દુલ રહીમ શેખને મકાન માલીકને ડિપોઝીટ પેટે 5 હજાર રૂપિયા આપવાના બાકી હોવાથી તેણે બાકીના ત્રણેય આરોપી પાસે ઉછીના રૂપિયા માગ્યા હતા. પરંતુ મિત્રો પાસે પણ રૂપિયા ન હોવાથી રિક્ષામાં પેસેન્જરને બેસાડીને લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો.

આ પ્લાન મુજબ આરોપીઓ શિકારની શોધમાં અલગ અલગ વિસ્તારમાં રિક્ષા લઈને ફરતાં હતા. આ આરોપીએ ભેગા મળીને સોલા વિસ્તારના કડિયા કામ કરતાં મજૂરને રિક્ષામાં બેસાડી વેજલપુરમાં ફતેવાડી મેટ્રો સ્ટેશન પાસે લઈ જઈ લૂંટી લીધો હતો. સોલામાં રહેતા અને કડિયા કામ કરતાં 20 વર્ષીય નરેશ ડામોર ઘોડાસરથી સરખેજ જવા આરોપીઓની રિક્ષામાં બેઠા હતા. જેમાં આરોપી રિક્ષા ચાલકે રિક્ષાને ફતેવાડી મેટ્રો સ્ટેશન તરફ સુમસામ જગ્યાએ લઈ જઈને અન્ય આરોપીઓએ છરી બતાવીને લૂંટ ચલાવી હતી.

ઝડપાયેલા ચારેય આરોપીઓના નામ અબ્દુલ રહીમ શેખ, મુઝફ્ફર શેખ, મોહસીન રંગરેજ અને મોહસીન શેખ છે. પોલીસ તપાસમાં આરોપીઓએ કાગડાપીઠ અને વેજલપુરમાં આ પ્રકારે બે લોકો સાથે લૂંટ ચલાવી હોવાનું જાણવા મળ્યું છે. સરખેજ પોલીસે આરોપીઓ પાસેથી કાગડાપીઠમાં કરેલી લૂંટનો મોબાઈલ ફોન, તેમજ વેજલપુરમાં કરેલી લૂંટની રોકડ રકમ, ચાંદીનુ કડુ અને મોબાઈલ ફોન સહિત લૂંટમાં વપરાતા બે છકા કબ્જે કર્યા છે. ત્યારે રિક્ષાચાલક સિવાયનાં અન્ય આરોપીઓએ અગાઉ અન્ય કોઈ લૂંટની ધટનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments