Homeસાહિત્યઅનરાધાર-બે– નિબંધ– મયૂર ખાવડુ

અનરાધાર-બે– નિબંધ– મયૂર ખાવડુ

મયૂર ખાવડુ: ઝરમર વરસાદ હમણાં એક નિરાંતનો આંટો મારીને ગયો. એ પછી કુણો તડકો ઉગી નીકળ્યો છે. સાવ અંધારું હતું અને એકાએક અજવાળું થઈ ગયું. બિલ્ડીંગના ક્રીડાવિભાગના શાંત વાતાવરણમાં શીશુઓનો કલબલાટ થવા લાગ્યો. કોઈ હિંચકામાં બેસીને હિંચકે છે અને બરાડા પાડે છે. કોઈ લસરપટીમાંથી લસરીને આવતા પોતાનો એક પડઘો પાછળ છોડી જાય છે. ઘરની બારી અધખુલ્લી છે. તડકો ત્યાંથી પણ બિલ્લી પગે ઘુસી ચૂક્યો છે. એ જાણે છે હું તેના વિશે લખું છું. જેમ તમે ‘તડકાનો ભપકો’ વાંચી ગયાં એમ એ પણ વાંચી જ ગયો છે.

અમારા અમદાવાદના નવા નિવાસસ્થાનને પ્રકૃતિ સાથે કાંઈક વધારે જ લેણાદેણી હતી. એ મકાન મોટું અને જાતજાતના ને ભાતભાતનાં વરતાય નહીં એવા છોડ અને ફૂલ જુવાનિયાંને આડેધડ દાઢીમાં વાળ ઉગી નીકળે એમ ઊગી નીકળેલા. બાજુવાળાની વેલ પણ અમારા ઘરમાં ડોકિયું કરી બે પાડોશી બહેનો વાર્તાલાપ કરી તૃષા મેળવે તેમ નમી પડેલી. એને હડસેલવાના નિષ્ફળ પ્રયત્નો છતાં તે કૂદીને અમારે ત્યાં જ આવી જતી.

અઘોચર જાજી. એમાં કોઈ કોઈ વખત નોળિયો આટા મારતો દેખાય. એની આંખો કોઈ પણ જાનવરના બચ્ચાનું ઉષ્માભર્યું સ્મરણ કરાવે અને જ્યારે તે દાંત કાઢી ખીખીયાટા કરે ત્યારે દૈત્ય જોયાનો ભાસ થાય. પાછળની ડેલી ખુલી જાય ત્યારે આસપાસના કેટલાય લોકો ઊંચા થઈ કોણ આવ્યું એ નોળિયાની જેમ જ ઊંચી ડોક કરી તપાસવા ઘરની બહાર નીકળે. અમદાવાદી આવી કોઈ કચકચ કે પળોજણમાં પડે નહીં, પણ મને તો બાદમાં ખબર પડી કે જેમ અમે મૂળ અમદાવાદના નહીં એમ આ લોકેય અમદાવાદના ક્યાં છે. એને હજુ અમદાવાદી બનતાં વાર લાગશે. કાં તો એનું સર્વસ્વ અમદાવાદી તરીકે નિર્માણ પામશે કાં તો નહીં.  

બળદેવનગરના અમારા નિવાસસ્થાને તો કેટલાય આવ્યા અને ગયા. રખડતો કૂતરો પણ એને પોતાનું ઘર માનતો. મકોડા અને કીડીઓ તો બાપનું જ બનાવીને રાખે. એક વખત ચર્ચા જામી ત્યારે અમારા કોમરેડ જસ્મીન સુવાગિયા શ્યામ મારુને જડબાતોડ જવાબ આપતા કહે, ‘મનુષ્ય કરતાં કિડીઓની સંખ્યા વધારે છે પૃથ્વી ઉપર, સફળ જીવ છે, મકાન બનાવીને રહે છે, કરોડો વર્ષથી છે, મનુષ્યની જાતિ પહેલાથી છે, તારા ઘરમાં આવીને તારી ખાંડ ખાઈ જાય છે તું શું કરી લે?’

પ્રતીક, જયપાલ, ચિંતન, સંજય, હર્ષદ, શ્યામ, જયેશ, સુજય, જગદીશ, ધવલ, નરેશ અને હું એ એક ઘરમાં રહેતાં હતાં. પ્રમાદીપણામાં એક એકથી ચડીયાતા. કોઈની પણ પથારી ઉપર પડે અને ઘસઘસાટ ઉંઘી જાય. અચાનકથી નોકરીએથી એ પથારીનો માલિક આવે એટલે ભવાઈનું દૃશ્ય જોવા મળે. એ ધીંગાણું મનને શાંતિ આપે. પ્રતીક અને જયપાલ શરીરેથી અડદિયા ખાઈ ખાઈ ગડદિયા જેવા થઈ ગયેલા. એટલે આ બંને સુજ્ઞજનો જે પણ પથારીમાં પડે તેની પથારીને પાટા ગાંઠીયાની જેમ સપાટ કરી નાખવાનું અભૂતપૂર્વ કૌશલ્ય ધરાવે.

આવી તો કેટલીય વાતો છે પણ હું તમને અનરાધારની વાત કરું. અનરાધાર-બે. અમદાવાદનો વરસાદ દેખાડો કરવામાં પણ માહેર. એ કોઈ નેતાજીની જેમ વાયદાબાજી કરે છે. અમદાવાદ ઉપર રહેતા રહેતા તેને બીજું કાંઈ આવડ્યું હોય કે નહીં પણ વાયદાબાજી જેવું આવડી ગયું છે.

પહેલા અંધારું કરી નાખે. સફેદ વાદળની ઉપર ધીમે ધીમે કાળા વાદળનો ચંદરવો પથરાય. એના ફોટા પાડવા અને ફેસબુકમાં અપલોડ કરવા જુવાનિયાઓનું ટોળું વળે. જેનું ઘર અને જેનો મોબાઈલ બેય ઊંચા માઈલા એની પાસે સારામાં સારો ફોટો હોય. વાદળા ચડવા માંડે અને કામ ધંધો મૂકી અમારી ઓફિસેથી બધા એને કુતુહલભરી દૃષ્ટીએ નિહાળ્યા કરીએ.

અમે આ નયનરમ્ય દૃશ્યને જોતાં હોઈએ ને અમારા એન્કર દિપાલી બહેન પાછળથી આવીને બોલી પણ જાય, ‘આજે ભુક્કા બોલાવી નાખશે.’ એમની વાતમાં ભારોભાર સત્ય છલકાય. આકાશમાં વર્તુળો જ એવા સર્જાયા હોય. કેટલાક સફેદ વાદળોની ઉપર કાળું વાદળ જ્યારે ચાદર બદલતું હોય ત્યારે દરિયો આકાશે ચડી ગયાનું લાગે. એ ખસે નહીં તો સારું! આજીવન ત્યાં ને ત્યાં રહે…. આવી કેટલીય કપોળકલ્પિત વાતો મગજમાં રમણે ચડે અને જીભે આવતી આવતી અટકી જાય. જીભને જેમ સ્વાદ હોય તેમ આ વાતનેય સ્વાદ હોય તો કેવું સારું? બીજી વખત જ્યારે એવી જ અકળ અનુભૂતિ થાય ત્યારે એ સ્વાદને પારખીને કહી શકીએ કે બઉં પહેલા આવો સ્વાદ આવ્યો હતો, આજે પાછો આવ્યો છે. કુદરતને માણવા માટે આંખ જ છે સ્વાદ નથી. નાકની કામગીરી તો પ્રથમ વરસાદે પૂર્ણ.

આપણે મગજમાં આવું બધું ઠસાવી લીધું હોય. ચંદ્ર પર ડોશી છે એવી વાતો સાંભળી હોય ને આર્મસ્ટ્રોંગ કહે ત્યાં તો ધૂળ જ છે ત્યારે આપણું મોઢું જેમ નીચું પડી જાય તેમ અનરાધારના ડોળથી મારું ડાચું પણ પડી જાય. ખાલી ખાલી સૂસવાટા મારતો પવન આવતો હોય. શરીરમાં ઠંડક પ્રસરાવતો હોય. બાકી તો શાહબુદ્દીન રાઠોડની આવ ભાણા આવ હાસ્યકથા જેવું હોય!

અમદાવાદનો અનરાધાર કાંઈ જેવો તેવો નથી. આ તો ગામડાનાં લોકોએ અમદાવાદને સાવ કાઢી નાખ્યું છે કે ન્યાં મજા જ ન આવે. હકીકતે તાત્કાલિક દરિયો ભરાઈ જાય અને મફતના ભાવે ન્હાવું હોય તો અમદાવાદ આવી જવું. ગામડાવાળા પણ કહી ઉઠે, ‘અમદાવાદમાં શેરની વચ્ચોવચ્ચ જગ્યાએ જગ્યાએ કાંકરિયા તળાવ. પગ મૂકોને કાંકરિયા’ હું એને સૌનું અંગત સ્નાનાગાર કહું.

અમદાવાદના અનરાધારમાં તમે ઘરની બહાર નીકળો એટલે બહાર જ એક સ્વીમીંગ પુલ રેડીમેડ તૈયાર થઈ ગયો હોય. આવી તૈયારી કરવામાં મનુષ્ય અને કુદરત બેઉંનો હાથ છે. આ વાતનું જ્ઞાન તો અમદાવાદના અનરાધારને એક વખત માણશો ત્યારે જ આવશે.

અનરાધારનું વાતાવરણ સર્જાય એટલે મને નોકરી પરથી આવીને સીધા વાંચવાનું મન થાય. બહાર વરસાદ પડતો હોય અને હું કોઈ સારા નિબંધનું પુસ્તક લઈ વાંચું. એમાંય કોઈ નિબંધકારે વરસાદ ઉપર લખ્યું હોય એના વિશે વાંચવાની તો મજા જ અનેરી. મેઘરાજ ઉપર લખાયેલા લાંબા નિબંધો કવિતા કરતાં ચાર ચાસણી ચડે, કારણ કે નિબંધમાં તો કવિતાનું તત્વ પણ ભરેલું હોય. મણિલાલ દાદા કહે એમ, આમ ગદ્ય પણ આમ જુઓ તો મારું બેટું પદ્ય….

જોકે આ બધું ઉતાવળિયા થઈને કરવું પડે. અમદાવાદના અનરાધારનો ભરોસો નહીં. એ આવે તો આખી ને આખી રાત વરસ્યા રાખે અને ન આવે તો ખાલી ઢાકોળું કરીને લલચાવ્યા રાખે. ઓલો જાદુ જોયો છે? જાદુગર એની ટોપીમાંથી કંઈક કાઢતો હોય. હાથ નાખે ને નીતનવીન વસ્તુઓ સામે રાખે. માની લો એ જાદુગરડો હાથ નાખ્યા રાખે અને કાંઈ નીકળે નહીં તો?

બીજે ક્યાંય ખબર નથી પણ અમદાવાદનો અનરાધાર તો આવો જ છે. એ દિવસે પેલા ભાઈ પણ ન જડે, ‘અમદાવાદમાં તો ચ્યાં વરસાદ પડે છે.’

જો વરસાદ પડે તો…. ઉપર જે ભીંજાવાની અને નિબંધસંગ્રહ વાંચવાની મોટા ઉપાડે વાતો લખી એ ખાલી વિચારવાયુ બની હવામાં ધુમાડો થઈ જાય. મારે ઘરમાં આવીને સૂનમૂન બેસી જવાનું. જો ભીંજાયા હોઈએ તો બહાર આવતા અનરાધારમાં સ્નાન કરી વટકવાળી લેવાનું. બહાર અમારા આંગણામાં ફૂલ અને ઝાડવા હિલોડે ચડ્યા હોય. પવન એને ગોથા ખવડાવતો હોય. એ ગોથા ખાય છે તેની અમને ખબર જયપાલ કહે ત્યારે પડે, ‘આમ જો તો ખરી ગોથુ ખાઈ ઈ…’ એ ગિરના ગાભાનો. એની બોલી સાંભળીને કાનને ગળપણનો અહેસાસ અને આનંદનો અતિરેક થાય. અનરાધાર જાય ત્યારે ફૂલ છોડની તો કમર જ ભાંગી નાખી હોય. એનો ઉપચાર કુદરત જ કરે. કૃત્રિમ ઉપચાર તરીકે અમે લાકડીથી બાંધી પ્લાસ્ટર ચડાવી દઈએ.

લ્યો, હું કહેતા તો રહી ગ્યો. બે મોટા વૃક્ષો સિપાહીની જેમ અમારા આંગણામાં ઊભા હોય. એક બદામડી અને તેની સામે જ લીમડો. અનરાધારના કારણે બેઉં એવા આંટીએ ચડે કે વાત ન પૂછો. જયપાલની બોલીમાં કઉં તો પવન અહીંથી ન્યાં ને ન્યાંથી અહીં ગોથા ખવડાવે. બદામડી તો અમારા દુશ્મન પાડોશીના નાના છોડવાઓની ઉપર પડતાં પડતાં રહી જતી હોય. લીમડા ઉપરથી પાંદડા અનરાધારાની જેમ જ ખર્યા રાખતાં હોય. નોળિયો બે વખત ડોકા કરીને ચાલ્યો જાય કે, અનરાધાર જીવાય એ રીતે પડે છે કે પછી હાઉં… ગાભા પોટલા બાંધીએ.

અનરાધાર જાય પછી કોઈ એક વારે અમે બધા મિત્રો આંગણાને સાફ કરીએ. ઘાસને હાથેથી વાઢીએ. તાજા પાણીથી ડેલી ધોઈએ. સવારમાં સાફ કરીએ અને બપોર પછી અનરાધાર મંડાય તે થઈ ર્યું. ચોમાસુ તો એવું ભયંકર કે અમારા ઘરની પાછળની બાજુને બ્લોક કરી નાખે. જાણે તળાવ ભરાઈ ગયું હોય. ઘણી વખત એવું બન્યું છે કે ગાય એમાં બેસી જાય તો ગાડીવાળો ગમે એટલી વખત હોર્ન વગાડે એ ઊભી ન થાય. ગાય સ્થિતપ્રજ્ઞ. અમદાવાદની ગાયની ચામડી પણ ભેંસની જેમ જાડી થઈ ગઈ છે.

અનરાધાર અમારી આસપાસના વિસ્તારમાં કિચડ કરીને ચાલ્યો જાય. ચાલવાનુંય મન ન થાય. અમારા મુખ્ય દરવાજાના છેડે તો એટલું સરસ પાણી આવે કે વાત જ ન પૂછો. ચાલુ વરસાદે પગ મૂકો તો ચોખ્ખા પગ દેખાય. ઘડીકમાં તો રૂ જેવા નરમ નરમ અને બગલાંની પાંખ જેવા ધોળા ધોળા કરી નાખે.

એક દાડો કોઈ ઘેટા બકરા ચરાવનારો માલધારી આવ્યો. એની બકરીઓ વિષાદભરી નજરે ઊંચું નીચું જોતી હતી પણ ખાવાનું કાંઈ મળે નહીં. હું નીકળ્યો બહાર અને પેલા ભાઈને કહ્યું, ‘તમારે બદામડી અને લીમડો તોડવો હોય તો તોડીને ખવડાવો.’ અનરાધારને એ વેળાએ આવવાની થોડા જ દિવસોની વાર હતી. એ પહેલા સફાયો થાય તો જમીન પર વધારે પાંદડા ખરે નહીં અને આપણે વધારે સમસ્યા નહીં. એ તો જામ્યો. થોડીવારમાં આખું ઝાડ નાગું કરી નાખ્યું. એ રીતનું નિર્વસ્ત્ર કે કોઈ જુએ તો પૂછી બેસે કે, ‘આ કયું ઝાડ છે?’ મને યાદ છે એ બેઉંને ઉગતા વાર નહોતી લાગી.

અનરાધારની સાચી મજા પ્રભાતમાં આવે. હું પાણી ભરી લઉં. જયેશભાઈ નાસ્તો કરી આવ્યા હોય. એ ઈચ્છે તો અમાર માટે નાસ્તો લઈ આવી શકેત, પણ એ એવું કરે નહીં. આખી રાત ધોધમાર વરસ્યા બાદ જ્યારે ઝરમર છાંટા પડતા હોય ત્યારે બધા નક્કી કરી મને પૈસા આપે અને હું નાસ્તો લેવા જઉં. કોઈ વખત સુજય ભેગો હોય.

હું નીકળું એ સાથે તો વરસાદ જોરદાર શરૂ થઈ જાય. છત્રી પરથી વારેઘડીએ મારો કાબુ હું ગુમાવું. વરસાદ એનું કામ કરે અને હું મારી હૈયાવરાળ ઠાલવવાનું કામ કરું. બાકી હાલવાની બોવ મજા આવે. ઘૂંટણથી થોડે નીચે પાણી ભરાઈ ગયા હોય. એમાંથી હું ફૂટબોલના ખેલાડીની જેમ પગ મારી પાણી ઉડાડતો અને રસ્તો કરતો જઉં. જોઉં કે કોઈ બીજો તો મને નથી ભીંજાવી દેતો ને. રીક્ષાવાળા રીક્ષા ઊભી રાખી મને ક્યાં જવું છે પૂછી ભાડુ કવર કરવા માગતા હોય. નાગજીકાકાની કિટલીએ ચા બંધાવું અને ત્યાં તેમના જ નાનકડા આશ્રય સ્થાને ઊભી અનરાધાર અને ચા બેઉંને અકરાંતિયાની જેમ પી પાછો આવું. ચા અને વરસાદનું અનેરું સંયોજન છે.

અમદાવાદનો વરસાદ પડે ત્યારે અનરાધાર બાકી પછી લુચ્ચો સર્ટિફિકેટ તો આપણે આપેલું જ છે. ચાલો તયે જય માતાજી.

આ પણ વાંચો- અનરાધાર-એક –નિબંધ -મયૂર ખાવડુ

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments