Team Chabuk-National Desk: કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની ચોખ્ખી ના પાડી દીધી છે. કોરોનાના કારણે થયેલા મૃત્યુ બાદ સહાય આપવા અંગે દાખલ થયેલી અરજી પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને આ અંગેની જાણકારી આપી છે. સરકારે કહ્યું કે, જો તમામ મૃત્યુ પામનાર લોકોના પરિવારને 4-4 લાખ રૂપિયા આપીશું તો એસડીઆરએફના તમામ રૂપિયા આ સહાયમાં જ ખર્ચાઈ જશે.
મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય આપવા અંગે અરજી દાખલ થઈ હતી. અરજી કરનારનું કહેવું હતું કે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને 2015માં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. જેમાં આપત્તિના કારણે મૃત્યુ પામનાર લોકોના પરિવારને 4 લાખનું વળતર આપવાની વાત કહેવામાં આવી હતી. આ નિયમ પર કેન્દ્ર સરકારે જવાબ આપ્યો હતો કે, આ નિયમ ભૂકંપ અને પૂર જેવી પ્રાકૃત્તિક આપત્તિઓ વખતે જ લાગુ પડે છે.
કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે, જો કોરોનાથી મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર ચુકવવામાં આવે તો સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડના તમામ રૂપિયા આ સહાયમાં જ ખર્ચાઈ જશે. સરકાર તરફથી કહેવામાં આવ્યું કે, જો તમામ રૂપિયા આ સહાયમાં જ ખર્ચાઈ જશે તો પછી કોરોના સામે લડવા અને વાવાઝોડું-પૂર જેવી આપત્તિઓ સામે લડવા માટે એસડીઆરએફ પાસે ફંડ બચશે નહીં. સરકાર તરફથી દલીલ કરવામાં આવી છે કે મહામારીના આ સમયમાં સરકારને રૂપિયાની જરૂર છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, 2019-20માં એસડીઆરએફ મારફતે રાજ્ય સરકારો વધુમાં વધુ 35 ટકા ફંડનો ઉપયોગ કરી શકતી હતી, પરંતુ મહામારી દરમિયાન 2020-21માં આ મર્યાદા વધારીને 50 ટકા કરી દેવામાં આવી હતી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, 22.12 લાખ હેલ્થ કેર વર્કર્સને 50 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવ્યું છે. જેના માટે વીમા કંપનીઓને 442.4 કરોડ રૂપિયા આપવામાં આવી ચૂક્યા છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામા મુજબ, નેશનલ હેલ્થ મિશન મારફતે કોવિડ-19 સામે લડવા માટે 2019-20માં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 1113.21 કરોડ રૂપિયા વધારાના આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોવિડ-19 ઈમરજન્સી રિસ્પોન્સ અને હેલ્થ સિસ્ટમ પ્રિપેયર્ડનેસ માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 8257.89 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે, શું મરણના સર્ટિફિકેટને લઈને કોઈ ગાઈડલાઈન છે, કેમ કે મરણના સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ કોવિડ-19 લખવામાં નથી આવી રહ્યું. આ અંગે પણ કેન્દ્ર સરકારે જણાવ્યું કે મે-2021માં રજિસ્ટ્રાર જનરલ તરફથી મરણના સર્ટિફિકેટને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત મોતના 21 દિવસની અંદર મરણનું સર્ટિફિકેટ બનાવી લેવું જરૂરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત