Team Chabuk-Gujarat Desk: ગાંધીનગરના પેથાપુરમાંથી રઝળતી હાલતમાં મળેલા શિવાંશના માતા-પિતા મામલે મોટો ખુલાસો થયો છે. શિવાંશના પિતા સચિન દીક્ષિતે શિવાંશની માતા મહેંદીની હત્યા નિપજાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાજસ્થાનથી ધરપકડ કરીને લવાયેલા સચિન દીક્ષિતની પુછપરછ અને તપાસ દરમિયાન આ મોટો ખુલાસો થયો છે. સચિને જ મહેંદીની હત્યા નિપજાવી હતી અને બાદમાં શિવાંશને ઘરેથી ઉઠાવ્યો હતો. આ મામલે આઈજીએ માહિતી આપતા જણાવ્યું છે કે આ કેસમાં શિવાંશના પિતા એટલે કે સચિન દીક્ષિતની ધરપકડ કરી લેવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર સચિન દીક્ષિતની માનસિક સ્થિતિ સારી ન હતી. સચિન દીક્ષિતે જ મહેંદી ઉર્ફે હિના પેથાણીની હત્યા નિપજાવીને વડોદરા સ્થિત ઘરના રસોડામાં લાશને સંતાડી દીધી હતી. ગાંધીનગર રેન્જ આઈજી અભય ચડાસમાએ પત્રકાર પરિષદ યોજીને સમગ્ર મામલે આ ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર સચિન દીક્ષિત અને મહેંદી ઉર્ફે હિના પેથાણી એકબીજાના પ્રેમમાં હતા. 2019માં બન્નેએ સાથે રહેવાનું ચાલુ કર્યું હતું. સચિને વડોદરામાં નોકરી લઈ લીધી હતી અને બાપોદ વિસ્તારમાં દર્શનમ ઓવરસીઝના G-102 ફ્લેટમાં રહેતો હતો. મહેંદી ઉર્ફે હિના પેથાણી પણ તેની સાથે જ રહેતી હતી. સચિન સોમ થી શુક્ર વડોદરા રહેતો હતો અને શનિ-રવિ ગાંધીનગર પોતાના પરિવાર પાસે આવી જતો હતો.
બન્ને 2018થી એક બીજાના સંપર્કમાં હતા. હીના જે કંપનીમાં નોકરી કરતી હતી ત્યાં સચિન ગયો ત્યારે બન્ને વચ્ચે પરિચય થયો હતો.2020માં શિવાંશનો જન્મ થયો હતો. એવી પણ વિગતો જાણવા મળી છે કે મહેંદીએ સચિનને પોતાની સાથે રહેવા માટે દબાણ કર્યું હતું. આ મામલે બન્ને વચ્ચે માથાકૂટ થતાં આવેશમાં આવીને સચિને મહેંદી ઉર્ફે હિનાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. બાદમાં મૃતદેહને બેગમાં પેક કરીને રસોડામાં મૂકી દીધો હતો. મહેંદીની હત્યા કર્યા બાદ સચિન શિવાંશને ત્યાંથી લઈ આવ્યો હતો અને પેથાપુર પાસે ગૌશાળામાં શિવાંશને મૂકીને ફરાર થઈ ગયો હતો. સચિનની ધરપકડ થયા બાદ આ સમગ્ર મામલે ઘટસ્ફોટ થયો છે. પોલીસે મહેંદીનો મૃતદેહ વડોદરાથી કબજે કર્યો છે.

પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે સચિન અને મહેંદીએ લગ્ન કર્યાનો કોઈ પુરાવો મળ્યો નથી. તેથી કહી શકાય બન્ને લિવઈન રિલેશનશિપમાં રહેતા હતાં. સચિનનો અગાઉ કોઈ ગુનાહિત ઈતિહાસ ન હોવાનું પણ જાણવા મળ્યું છે. મહેંદીના પરિવાર અંગે મળેલી માહિતી પ્રમાણે તેના પિતાએ પણ બીજા લગ્ન કર્યા છે. મહેંદીના પિતા મૂળ જૂનાગઢના કેશોદના છે. સચિનને વિશ્વાસમાં લઈને પોલીસ પુછપરછ કરી રહી છે. આગળની પુછપરછમાં હજુ પણ નવા ખુલાસાઓ થવાની શક્યતા છે.
મહત્વનું છે કે, શિવાંશના પિતાની ઓળખ થઈ ગયા બાદ તેની માતા સુધી પહોંચવા માટે ગૃહમંત્રાલયમાંથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. રેન્જ આઈજી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પોલીસની ટીમો બનાવી લોકલ ક્રાઈમ બ્રાંચ, એસઓજી, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમોને કામે લગાડી હતી. ત્યારે શિવાંશની માતા મહેંદી ઉર્ફે હિના પેથાણીની હત્યા સચિને જ કરી હોવાનું ખુલ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત