Homeવિશેષચાબુકને નિરવનો સવાલ : હરકિસન મહેતા કેવી રીતે લખતા?

ચાબુકને નિરવનો સવાલ : હરકિસન મહેતા કેવી રીતે લખતા?

આજનો સવાલ પૂછ્યો છે નિરવભાઈ વ્યાસે. અંગ્રેજી વિષય સાથે ભણ્યા છે. ગુજરાતીમાં પણ ભારોભાર રસ ધરાવે છે. હરિવંદના કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે અને અંગ્રેજી વિષય પર Phd કરી રહ્યાં છે. આમ તો એમના બે સવાલ છે, પણ ચાબુક જવાબ એકનો જ આપશે, કારણ કે બીજો શોધવામાં તો ખૂબ મથામણ કરવી પડશે.

બે સવાલ કંઈક આ પ્રમાણે, એક હરકિસન મહેતાની લેખન શૈલી અને તેમની લોકપ્રિયતા વિશે જણાવો અને બીજું આવું જ અશ્વિની ભટ્ટ વિશે જણાવો.

અશ્વિની ભટ્ટમાં વાર લાગશે બાકી મારી પાસે એ તમામ સાહિત્ય અને સંદર્ભો હાજરાહજૂર છે, કે તમને હરકિસન મહેતા વિશે ખોબલે ને ખોબલે જણાવી શકું. અશ્વિની ભટ્ટની માગ તો રહેવાની જ અને હવે ચાબુકે પણ એકાદ બે મહિનામાં એ માગ ગમે ત્યાંથી સંતોષવી પડશે.

નિરવભાઈ હરકિસન મહેતા વિશે માહિતીના ત્રણ સ્ત્રોત પ્રાપ્ય છે. સૌરભ શાહ સંપાદિત પુસ્તક હરકિસન મહેતા સર્જન વિસર્જન. બીજું ફુલછાબના તંત્રી કૌશિકભાઈ મહેતા દ્રારા સંપાદિત કરેલ અને સૌને વાંચવું અને વસાવવું ગમે તેવું પુસ્તક ‘લખવું એટલે કે….’ ત્રીજા નંબર પર ચિત્રલેખાના ભરતભાઈ ઘેલાણીએ તેમના તંત્રીપદ હેઠળ સૌથી વધારે કામ કર્યું છે.

સૌરભભાઈનું પુસ્તક હરકિસન મહેતા પર એ લોકોએ લખ્યું છે જેમને તેમની નીચે કામ કરવાની તક મળી છે. એટલે તમને જાત જાતની અને ભાત ભાતની માહિતી અસંખ્ય લેખકો પાસેથી મળશે. રહી વાત કૌશિકભાઈના પુસ્તકની, તો તેમાં 249માં પાનાં નંબર પર સૌથી છેલ્લો લેખ હરકિસન મહેતાની સર્જનયાત્રા પરનો લેવામાં આવ્યો છે. શીર્ષક છે હરકિસનભાઈ કેવી રીતે લખતા ? તે હરકિસનભાઈએ નહીં પણ ભરતભાઈ ઘેલાણીએ લખ્યો છે.

હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટ આ બંન્ને લેખકને હું દંડવત્ પ્રણામ કરું છું. એક નવલકથા લખવામાં ફીણા આવી જાય ત્યાં આ બંન્નેએ એક જ નવલકથાના ત્રણ ત્રણ ભાગ કરી ગુજરાતની આવનારી પેઢીને પણ પોતાના પ્રેમમાં પાડી દીધી.

એવા પ્રેમમાં પાડ્યા કે આજે નવી પેઢી તેમની લેખનશૈલીમાંથી મુક્ત નથી થઈ શકી. તેમાં નવી પેઢીનો કોઈ વાંક નથી. સારું લખનારાની શૈલી નવોદિતોને આકર્ષવાની જ છે. દરેક ભાષાના લેખક સાથે એ થયું છે. થતું રહેવાનું છે.

હરકિસન મહેતાના વાંચકો પૂંઠાતોડ વાંચકોની કક્ષામાં આવે છે. લાઈબ્રેરીમાં તેમની નવલકથાના વચ્ચેથી પાના ગાયબ હોય તેવી સ્થિતિ પણ ગ્રંથપાલો સામે ઊભી થઈ છે. તેમની પાસે શબ્દોનું વૈવિધ્ય અશ્વિની ભટ્ટ જેવું નથી તે આપણે માનીએ. બાકી હરકિસન મહેતાએ ઘણી નવલકથાઓમાં અશ્વિની ભટ્ટ કરતાં પણ સરસ પ્રયોગો કર્યા છે.

નિરવભાઈ તેમની લોકપ્રિયતા વિશે જાણવાની તમને ઉત્કંઠા હશે. તો તેના વિશેનો એક કિસ્સો રાજકોટમાં ખૂબ લોકપ્રિય છે. રાજકોટમાં આવેલી લેંગ લાઈબ્રેરીથી તમે પરિચિત હશો. આ લાઈબ્રેરીમાં વર્ષો પહેલાં ગ્રંથપાલ દ્રારા એક સ્પર્ધા કરવામાં આવી હતી. સ્પર્ધાનું નામ હતું, ‘રાજકોટનાં વાંચકોને ગમતો લેખક કોણ ?’

આ સ્પર્ધાથી જે તે લેખકો પણ અવગત નહોતા. સ્પર્ધા પૂર્ણ થઈ તો ચોંકાવનારું પરિણામ આવ્યું. હરકિસનભાઈને 300માંથી 288 માર્ક્સ વાંચકોએ આપેલા હતા. એ સમયે લોકપ્રિયતામાં તેમની હારોહાર આવતા કનુભગદેવ, ગોલીબાર, અશ્વિની ભટ્ટ, ગૌતમ શર્મા, નવનીત સેવક સહિતનાં અસંખ્ય લેખકો હોવા છતાં હરકિસન મહેતા આ ઈનામ લેતા ગયેલા.

હરકિસનભાઈ મલ્ટિટાસ્કિંગનાં માણસ રહી ચૂક્યા છે. એ એક સાથે અગણિત કામ કરી શકતા હતા. કોઈનો લેખ મઠારે, નવલકથાનું ચેપ્ટર પણ પતાવે, તેમની ઓફિસમાં લોકો આવતા જતા રહે, વાતો પણ કરતાં રહે અને બીજાની ખબર અંતર પણ પૂછ્યા કરે. આટલો બધો સમય અન્ય લોકો સાથે વિતાવતા હોવા છતાં નવલકથા લેખનમાં તેમનું ભેજું કેવી રીતે દોડતું એ પણ એક રહસ્યમય નવલકથા જેવું જ છે.

ભરતભાઈ ઘેલાણીએ હરકિસન મહેતાના મતે લેખ કેવો હોવો જોઈએ, તે વિશે લખ્યું છે, તેનો શબ્દે શબ્દ અહીં ટાંકુ છું, ‘‘લેખનું શીર્ષક એવું લોભામણું હોવું જોઈએ કે તમને લેખનું સબ-હેડિંગ (પેટા શીર્ષક) વાંચવાની ઉત્કાંઠા જાગે અને એ સબહેડિંગ લેખનું રહસ્ય છતું કર્યા વિના એ રીતે લખાવું જોઈએ કે પછી એક જ બેઠકે લેખ પૂરો વાંચ્યા વગર ન ચાલે.’’

નિરવ ભાઈ ઉપર જે વાત કહી તે લેખની કહી. તેઓ વધારે પ્રમાણમાં લેખ તો લખતા નહોતા. અને પાછળથી તો નવલકથા લખવામાંથી જ ઊંચા નહોતા આવતા. આજે પણ લોકોને વારંવાર સાંભળવું અને વાંચવું ગમે છે કે હરકિસનભાઈ નવલકથા કેવી રીતે લખતા ? ઘણા લોકો જાણતા હશે પણ તમે પ્રશ્ન પૂછ્યો એટલે એ બધાને પાછું જણાવીએ! તો આ રહ્યો વર્તમાન કાળમાં જવાબ.

હરકિસનભાઈ ઓફિસમાં આવે છે. ડેડલાઈનની તેમને ચિંતા નથી. ઓફિસમાં બેસે છે. સામે જ સફેદ કલરનો કાગળનો થપ્પો પડ્યો છે. એ થપ્પો ઉઠાવે છે. થપ્પો ઉઠાવ્યા પછી હંસ જેવા સફેદ કાગળ પર શ્રી હરિ લખે છે. કોઈ કોઈવાર ગણેશાય નમ: લખી નવલકથાની આડે આવનારું વિઘ્ન પહેલાંથી જ ટાળી દે છે. એક પાનું લખાય જાય પછી તેને ડાબી બાજુ ઊંધું મુકે. આ રીતે ત્રણ પાનાં લખ્યા બાદ ઓફિસના સ્ટાફમાંથી કોઈને રાડ પાડે, ‘આ વાંચી લેજો તો. વાંચ્યા પછી કમ્પોઝમાં મોકલી દેજો.’

વચ્ચે વચ્ચે ચિત્રલેખાના અન્ય કામો પણ આટોપતા જાય અને બાકીના સમયે નવલકથા લખતા જાય. છતાં જ્વલ્લે જ તેમની મહાકાય નવલકથાઓમાં ભૂલો જોવા મળે. આટલા ધરખમ બોજની સાથે પણ તેમનું નવલકથા લેખન સફળ રહેતું. જાણે આખી વાર્તા પહેલાથી જ ગોખી મારી હોય. ઉપરથી ડેડલાઈનની ઉતાવળ તો ખરી જ.

ભરતભાઈ ઘેલાણી અવાજ કરે છે, ‘સાહેબ હવે 15-17 લાઈન જ લખવાની છે.’

પણ તેમની મુખમુદ્રા એવી હોય, કે જાણે ભરતભાઈની વાત જ ન સાંભળી હોય. એ લખવામાં રચ્યા પચ્યા રહે. જ્યારે અંત કરે ત્યારે ભરતભાઈએ કહ્યું હોય એમ જ થયું હોય. છેલ્લી લીટી કોઈ પણ વ્યક્તિની ઉતેજનામાં વધારો કરતી જ હોય, કે આવતા અઠવાડિયે ચિત્રલેખાની નવલકથા જગ્ગા ડાકુના વેરના વળામણાંના ત્રીસમાં પ્રકરણમાં જગ્ગો શું કરશે ?

કોઈ વાર આશ્ચર્યથી ભરતભાઈ હરકિસનભાઈને પૂછી લેતા, ‘આમાં તો એક પણ છેક છાક નથી. આવું કેવી રીતે કરી લો છો ?’

હરકિસનભાઈ દાઢી પર હાથ ફેરવતા કહે, ‘આટલા વર્ષથી આ કંઈ અમથું નથી છોલાવ્યું!’

તો નિરવભાઈ આ હતી હરકિસન મહેતાની લખવાની કળા. આશા રાખુ તમે અમારા જવાબથી ખૂશ થયા હશો. પણ આ આખો લેખ લખ્યાં પછી હરકિસન મહેતાની છેલ્લી લાઈન લખી ત્યારે એક વિચાર આવી ગયો. જે અહીં મુકવાની જીજીવિષા હું રોકી નથી શકતો. હરકિસન મહેતા કહે છે, ‘આટલા વર્ષથી આ કંઈ અમથું…’ આના પરથી હું એ તારણ પર આવ્યો છું કે અનુભવે આ દુનિયાની કોઈ પણ વસ્તુ શીખી શકાય. લાંબો સમય જ તમને એવરેસ્ટ બનાવે, એક ને એક કામ રોજ કરો તો તમે તેમાં માહિર થઈ જાઓ. પછી તો મંદિર જેટલું જૂનું આપણી આસ્થા એટલી વધારે. ચાલો મળીએ તો પછી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments