અશોક સરિયા: ખેતી નથી ખરાબ એ તો વટનો વ્યવસાય છે. આજે ભલે સ્થિતિ એવી જણાઇ રહી હોય કે લોકો ખેતી છોડી અન્ય વ્યવસાયમાં જોડાઇ રહ્યા છે. પરંતુ જેને ખેતીનું ખરું ખમીર ખબર છે એવા લોકો અન્ય વ્યવસાયને ત્યજીને ખેતીમાં ઝંપલાવી રહ્યા છે. સામાન્ય લોકોનો મત છે કે ખેતી ખોટનો ધંધો છે. પરંતુ કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ આ ખોટના વ્યવસાયને પણ નફાકારક બનાવીને ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાસાયણિક ખેતીની બોલબાલાના સમયમાં પ્રાકૃતિક ખેતીમાં પગલાં ભરીને ખેતીને એક આગવા મુકામે પહોંચાડી છે. ખેતીના પાકોનું ઉત્પાદન કરીને માર્કેટીંગ યાર્ડોમાં વચેટીયાઓને વેચી દેવાના સ્થાને જાતે જ ખેતપેદાશોનું મુલ્યવર્ધન કરીને જાતે જ ગ્રાહકો સુધી પહોંચાડી સારામાં સારી આવક મેળવવામાં સફળ થનારા ખેડૂતોનું લીસ્ટ પણ હવે ઘણું લાંબુ થતું જાય છે.

અહીં આવા જ એક ઉમદા કિસાન યુવાન અને શિક્ષકની સન્માનનિય નોકરીમાંથી રાજીનામું આપીને પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપી સંપૂર્ણ પણે સજીવ ખેતીના ખેડૂત બનેલા જુવાનજોધ શક્તિસિંહ જાડેજાની વાત વિગતે કરીએ. લક્ષ્ય ગૌ-ફાર્મ, રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ઘનશ્યામગઢ (ખોખરી) ગામના પાદરમાં, ડેમના કાંઠે યુવાન ખેડૂત શક્તિસિંહ જાડેજાની વાડી આવેલી છે. શિક્ષણનો જીવ એવા શક્તિસિંહે આ વિસ્તારમાં મોટા ભાગે રાસાયણિક ખાતર થકી ખેતી થતી હોય, તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અભિયાન ઉપાડ્યું છે. સુભાષ પાલેકર માર્ગદર્શિત પ્રાકૃતિક ખેતીના ખૂબ સારા પરિણામો તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રશિક્ષિત કરીને બતાવે છે. તો લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય સણોસરામાં ચાલતા કૃષિ સંલગ્ન અભ્યાસ ક્રમ બેચલર ઓફ વોકેશન(બી.વોક)ના વિદ્યાર્થિઓને પ્રત્યક્ષ તાલીમ માટે પણ અહીં મોકલવામાં આવે છે અને શક્તિસિંહ સંપૂર્ણ નિષ્ઠા સાથે તેમને પ્રશિક્ષિત કરે છે.
ગયા વર્ષે આ વિસ્તારમાં મગફળીનો ખૂબ ઓછો ઉતારો આવ્યો હતો, પણ પ્રાકૃતિક ખેતીથી તેમને ફાયદો થયો છે. તેઓ ફૂલની પણ ખેતી કરે છે. મૂલ્યવર્ધિત પ્રાકૃતિક ખેતી થકી સીધા જ ગ્રાહકો સાથે જોડાણ કરીને ગ્રુપમાં નાના નાના ખેડૂતોને એકત્ર કરીને જરૂરિયાતવાળી તમામ ચીજવસ્તુઓના ઉત્પાદનની બાબતમાં લોકોને રસાયણમુક્ત ખેત ઉપાદન મળે અને ખેડૂતોને પ્લેટફોર્મ મળે એ દિશામાં તેઓના વિચાર નોંધપાત્ર છે.
શક્તિસિંહ સંયુક્ત કુટુંબમાં રહે છે. તેમના પિતા વનરાજસિંહ જાડેજા તેમના ભાઇ અને બંને ભાઇઓના બે-બે દીકરાઓ અને તેમના પરિવાર સાથે 15 સભ્યોનો પરિવાર સાથે રહે છે. આ પરિવાર પાસે કુલ 50 વિઘા જમીન છે. જોકે ભાઇઓ વચ્ચે જમીનોના ભાગ કરી દેવામાં આવ્યા છે. એટલે બધા જ પોત પોતાની રીતે ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેમાંથી શક્તિસિંહના ભાગે 10 વિઘા જમીન આવી છે. તેમાં તેઓ સંપૂર્ણ સજીવ ખેતી કરી રહ્યા છે.
શક્તિસિંહે પ્રાથમિક શિક્ષણ પોતાના ગામ ખોખરીમાં ત્યાર બાદ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ ગ્રેજ્યુએટ અને બીએડ સુધીનો અભ્યાસ રાજકોટમાં કર્યો છે. બી.એડ. કર્યા બાદ સ્કૂલમાં શિક્ષકની નોકરીમાં જોડાયા હતા. તેમનો પરિવાર ખેતી સાથે સંકળાયેલો હતો એટલે ખેતી પ્રત્યે તેમને પહેલાથી જ લગાવ હતો. શિક્ષક થયા તો પણ ખેતી પ્રત્યેનો તેમનો રસ અને રુચી યથાવત રહ્યા હતાં. શિક્ષક થયા એટલે નવું નવું જાણવા અને નવા અનુભવો કરવાનો મહાવરો તો હતો જ, તો સાથે સાથે તેઓ ખેતીક્ષેત્રમાં નાવિન્ય અને તેને નફાકારક બનાવવાની વિવિધ પ્રકારની માહિતી તેઓ વિવિધ પ્રકારના કૃષિ સંલગ્ન મેગેઝીનો, યુટ્યુબ, સોશિયલ મિડિયા અને અવારનવાર યોજાતા કૃષિમેળાઓની મુલાકાત લઇને મેળવતા રહેતા હતા. કોઇ જગ્યાએ તેમને કોઇ સારા અને પ્રગતિશીલ ખેડૂતોની માહિતી મળે તો તેમનો કોન્ટેક્ટ નંબર મેળવીને તેઓ રૂબરૂ તેની મુલાકાત લેવા પહોંચી જતા હતાં. આ પ્રમાણે કૃષિનું સારું એવું જ્ઞાન તેમણે એકત્ર કરી લીધું હતું.

તેઓ પ્રાકૃતિક રીતે અને સાવ નજીવા ખર્ચે ઉત્તમ પ્રકારની ખેતી થઇ શકે એ બાબત સમજી ચુક્યા હતા. પરિવાર અને સમાજમાં થતી ખેતી વિષયક વાતો તેમને વિચલીત કરતી હતી કે હવે પહેલા જેવો સ્વાદ અત્યારના ઉત્પાદનોમાં નથી મળતો અને પ્રાકૃતિક રીતે ખેતી કરતા એ સ્વાદ અને ગુણવત્તા પાછી મેળવી શકાય છે. સ્વાદ અને સોડમ ચાલ્યા જવાનું કારણ રાસાયણિક ખેતીના લીધે બનવા પામ્યું છે એવું તેઓની સમજમાં આવી ગયું હતું. એટલે તેઓ તેમના પિતાજીને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વગર ખેતી કરવાનું સુચન કરતા ત્યારે તેમનો જવાબ રહેતો કે એવું તો હવે શક્ય નથી. પરંતુ શક્તિસિંહને વિશાળ અભ્યાસ અને ખેડૂતોની મુલાકાતોને લીધે તેમાં સંપૂર્ણ શ્રદ્ધા હતી અને એવું શક્યા છે એ બાબતે સ્પષ્ટતા થઇ ગઇ હતી.
આથી તેમણે તેમના પિતાને રજુઆત કરી અને તેમને એક વીઘા જમીનમાં સજીવ ખેતીનો અખતરો કરવાનો મોકો આપ્યો. આ તકને તેમણે ઝડપી લીધી અને એક વીઘા જમીનમાં સંપૂર્ણ રીતે સજીવ ખેતી દ્વારા 35 જેટલા શાકભાજીઓનું સફળતા પૂર્વક વાવેતર અને ઉત્પાદન કરીને બતાવ્યું. આ રીતે ઉગેલા પાકોમાં તેની મીઠાશ અને તેની ગુણવત્તા પણ ખૂબ જ સારી જોવા મળી. આ ગુણવત્તાનો તેમણે તેમના પીતા અને પરિવારના સભ્યોને પણ અનુભવ કરાવ્યો. આર્થિક રીતે પણ તેમણે બધો જ હિસાબ રાખી એક વિઘા જમીનમાંથી મળેલી આવક રાસાયણિક ખેતી કરતા ઘણી જ સારી થઇ એ બાબત સિદ્ધ કરીને તેમના પરિવારને સમજાવી. ત્યાર બાદ તેમને પોતાના ભાગમાં આવેલી 10 વિઘા જમીનમાં સજીવ ખેતી કરવાની પરવાનગી મળી ગઇ.
તેમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઇંટ કોરોના કાળમાં આવ્યો. જ્યારે તેઓ પ્રાકૃતિક ખેતીની વાત તેમના પરિવારને કરતા ત્યારે તેઓને તેમાં વિશ્વાસ નહોતો બેસતો અને જવાબ મળતો કે તમે ત્યાં શિક્ષકની નોકરી કરો અને અહીં ખેતીની વાતમાં તમને વધું સમજ ન પડે. એટલે તેઓ અવઢવમાં રહેતા પરંતુ કોરોના કાળમાં જ્યારે શાળાઓ સંપૂર્ણપણે બંધ થઇ ત્યારે તેઓ પોતાનો સંપૂર્ણ સમય ખેતીમાં આપી શકતા અને આ બે વર્ષના સમયગાળામાં તેમણે સજીવ ખેતીને સાર્થક કરી બતાવી. રૂઢિગત ચાલતી ખેતીના સ્થાને પ્રાકૃતિક ખેતી દ્વારા સારામાં સારી આવક મેળવીને બતાવી. તેમના વિચારને મળેલી સફળતા જોઇને પરિવારમાં પણ હવે આશાનું કિરણ જોવા મળ્યું. બધા શક્તિસિંહની વાતને સમજી ચુક્યા હતાં અને એમનામાં વિશ્વાસ બેસી ગયો હતો. ત્યાર બાદ શક્તિસિંહે તેમના પિતાશ્રીને જણાવ્યું કે હવે હું આમાં જ આગળ વધવા માગું છું અને શિક્ષકનો વ્યવસાય છોડી સંપૂર્ણપણે ખેતીમાં જોડાવા માગું છું. ત્યારે પરિવારે પણ તેમને પરવાનગી આપી અને તેઓ હવે નખશીખ ખંતીલા ખેડૂત બની ગયા છે. જોકે શિક્ષકની પ્રતિષ્ઠિત નોકરી છોડી ખેતીમાં જોડાયા ત્યારે પરિવારની સાથે સમાજના લોકોનો અભિપ્રાય પણ એવો હતો કે ખેતીમાં કંઇ નથી અને સારી નોકરી છોડીને ખેતી થોડી કરાય? પરંતુ તેમણે ખેતીમાં સફળતા મેળવીને બધાને સમજાવવામાં પણ સફળ રહ્યાં.

સજીવ ખેતીમાં તેઓ મગફળી, મરચી, ડુંગળી, હળદર, ઘઉં, કઠોળ, બાજરી અને સીઝનલ શાકભાજીનું વાવેતર કરે છે. તેમના ખેતરના શેઠે પાળે તેમણે વિવિધ પ્રકારના ઔષધીય વૃક્ષોનું વાવેતર કરી એગ્રોફોરેસ્ટીના કન્સેપ્ટને પણ અનુસરી રહ્યાં છે. જેમાંથી વધારાની આવકની સાથે સાથે કૃષિને અનુકૂળ એક પ્રકારના વાતાવરણનું પણ નિર્માણ થાય છે. જે પણ ખેતી માટે ખૂબ જ જરૂરી છે. સજીવ ખેતીમાં પાકના પોષણ અને સંવર્ધન માટે રસાયણોની અવેજીમાં તેઓ ઘન જીવામૃત, જીવામૃત, તાજુ છાણ, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, ગૌમૂત્ર, છાશ, દશપર્ણિ અર્ક જેવા પ્રાકૃતિક રસાયણોનો ઉપયોગ કરે છે.
પોતાની વાડીનું પૂરતું અને સુક્ષ્મ નિરિક્ષણ રોજ અને સતત કરતા રહેવું.
પોતાની વાડીમાં સતત આંટો મારતા રહી પાકનું પૂરતું અને સુક્ષ્મ નિરિક્ષણ કરતા રહેવું જોઇએ. જેનાથી પાકને શેની જરૂર છે કે કોઇ રોગજીવાત હોય તો તેનું પ્રાથમિક તબક્કે જ તેનું નિવારણ કરી શકાય. કોઇ પણ રોગ પાક ઉપર હાવી થઇ જાય ત્યારબાદ તેનું નિયંત્રણ કરવું અઘરું થઇ પડે છે અને પાકને નુકશાન પણ વધુ કરે છે. એટલે જો રોજ વાડીમાં જઇ નિરિક્ષણ કરી પ્રાથમિક તબક્કે જ પગલાં લેવામાં આવે તો ખુબ સારું પરિણામ મેળવી શકાય છે.
વાડીના કામ માટે ૨ પરિવારને ૨૮ ટકાના ભાગથી રાખ્યા છે. રોજિંદા કામો તેમના દ્વારા સારી રીતે થઇ જાય છે. પરંતુ જ્યારે કોઇ પાકની સીઝન હોય અને વધારે મજૂરોની જરૂર પડે ત્યારે આજુબાજુની વાડીએ રહેતા મજુરો એક બીજાને ત્યાં કામ માટે મળી રહે છે. ખેતીકામ માટે તેમણે બળદ રાખ્યા છે. એક મીની ટ્રેક્ટર છે અને ખેડ માટે ભાડેથી મોટા ટ્રેક્ટર દ્વારા કરાવી લે છે. સિંચાઇ માટે બાજુમાં ડેમ છે અને પોતાની વાડીએ કુવો છે અને ધોરીયે પીયત આપવામાં આવે છે.
આગોતરું આયોજન
તેઓ જે તે પાકનું વાવેતર કરતા પહેલા, એનું મુલ્યવર્ધન કરવા સાથે વેચાણનું નેટવર્ક ઉભું કરી લે છે. સૌથી મોટો ડખ્ખો અહીં જ ઉભો થવાની વાત કરતાં તેઓ કહે છે કે ખેડૂત કોઇપણ જણસી વાવી દે છે. એનું સારામાં સારું ઉત્પાદન પણ કરી જાણે છે, પણ માર ખાય છે વેચવામાં. માર્કેટ યાર્ડમાં જાય એટલે ખેડૂતને અદબ વાળી ઉભા રહેવાનું, એની જણસીનો ભાવ દલાલ અને વેપારી વચ્ચે એક, બે અને ત્રણ વાર થાય છે. ખેત જણસી પેદા કર્યા પછી, એ ભાવ નક્કી કરી શકતા નથી. આ ચક્કીમાં પીસાવું ન હોય તો દરેક ખેડૂતે મુલ્યવર્ધન અને વેપારની કડી ઉભી કરવી પડશે.

પાક વાવેતરમાં વિવિધતાં
ચાલું વર્ષમાં મગફળી, મરચી, શાકભાજી, શેરડી, ડુંગળી અને ફૂલની ખેતીમાં પ્રયાણ કર્યું છે. કપાસ તો બસ કપાસ અને મગફળી તો મગફળી આમ એક તરફથી ખેતી કરવાં કરતાં ખેડૂતોએ એની જમીન મુજબ વિવિધ પાક વાવેતર કરવું જોઇએ. તેમણે કુલ 10 વિઘા જમીનમાં પ્રાકૃતિક પદ્ધતિએ ખેતી કરેલી હતી જેમાં 7 વીઘાની મગફળી, 1 વિઘામાં ફૂલમાં ગલગોટાની ખેતી અને 2 વીઘાની મરચી વાવી છે.
પોતાની ખેતપેદાશોનું મુલ્યવર્ધન અને સીધુ જ ગ્રાહકોને વેચાણ
આ યુવા ખેડૂતે પ્રાકૃતિક ખેતીને અપનાવીને એટલેથી ના અટકતા પોતાની ખેત પેદાશોનું મુલ્યવર્ધન કરી જાતે વેચાણ પણ કરે છે. એમની પાસે સીઝન પ્રમાણેની પ્રોડક્ટ જેમ કે ઘઉં, મરચા પાવડર, હળદર પાવડર, હાથ વણાટનાં ખાખરા, મધ વગેરે અવેલેબલ હોય છે. મગફળી પકવીને એનું નાના ઘાણામાં તેલ કઢાવવું, ખારીશીંગ બનાવવી, લીલા અને લાલ મરચાનું અથાણું (રાયતુ), સુકા મરચાં અને હળદરનું ઉત્પાદન કરી એનો પાવડર બનાવવો અને ઘઉંનુ વાવેતર કરી પોંક અને ખાખરા બનાવવા જેવા મુલ્યવર્ધનના આયામો તેમણે આદર્યા છે.
પોતાના ફાર્મમાં ઉત્પાદિત માલના વેચાણ માટે તેઓ સોશિયલ મિડિયાનો ખૂબ જ સકારાત્મક ઉપયોગ કરે છે. તેમનું ‘લક્ષ્ય ગૌ ફાર્મ’ના નામથી ફેસબુક પેઇઝ, ઇન્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલ ‘પ્રાકૃતિક ખેતી-natural farming’ બનાવીને પોતાની પ્રોડક્ટ અને ઉત્પાદિત માલની વિગત શેર કરે છે. જેથી રસ ધરાવતા લોકો તેમનો સંપર્ક કરી શકે છે. તો તેમની પાસેથી ખરીદ કરનાર ગ્રાહકોનું એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે જેમાં પણ આ બધી વિગત શેર કરે એટલે એના દ્વારા એમને ગ્રાહકો મળી રહે છે અને સીધું જ વેચાણ થઇ જાય છે. હોમ ડીલીવરીની સગવડતા પણ આપે છે. ભવિષ્યમાં દૂરના સ્થળે પણ હોમડીલીવરી થઇ શકે એ માટે કુરીયરની સુવીધા અંગે પણ તેઓ વિચારી રહ્યાં છે.

સારી ગુણવત્તાવાળી વસ્તુ આપીએ એટલે ગ્રાહકો સંતુષ્ટ રહે અને તેઓ પણ અન્ય લોકોને જાણ કરે આમ સારી ગુણવત્તાયુક્ત વસ્તુઓનું માર્કેટ એની જાતે જ વિસ્તરતું રહે છે. આપણે બસ એટલું ધ્યાન રાખીએ કે આપણા ઉત્પાદનની ગુણવત્તા સદાયને માટે જળવાઇ રહે તો આપણી બ્રાન્ડના નામે આપણી વસ્તુનું વેચાણ થતું રહે છે.
પ્રાકૃતિક ખેતી જ કેમ ?
ખેતી જે ખોટનો ધંધો સાબીત થઇ રહ્યો છે એને જો સમૃદ્ધિ તરફ લઇ જવી હશે તો તેનો એકમાત્ર વિકલ્પ છે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ. ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી કરવાથી ઘણા ફાયદા થાય છે. ખેડૂતને સારી આવક મળે છે. જમીન પણ સુધરશે અને પ્રકૃતિની સેવા કરવાનું પૂણ્ય પણ મળશે. લોકોને તમે ઝેરમૂક્ત અનાજ આપશો, ઝેરમુક્ત શાકભાજી આપશો જેથી લોકોનું આરોગ્ય પણ સુધરશે. જો લોકોની રોગપ્રતિકારક શક્તિ મજબુત હશે તો આવનારા સમયમાં ઘણા રોગોથી આપણે બચી શકીશુ. આ ખેતીથી લોકોનું આરોગ્ય સુધરશે એટલે દેશ સમૃદ્ધ થશે અને સાથે સાથે દેશનો ખેડૂત પણ સમૃદ્ધ થશે.
રાસાયણિક ખેતી ખર્ચાળ છે અને જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. જ્યારે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઘટતો જાય છે અને જમીનની ફળદ્રુપતા વધતી જાય છે. જમીનની ફળદ્રુપતા વધતા પાક તંદુરસ્ત થાય છે અને તેનું ઉત્પાદન વધુ આવે છે અને ભાવ પણ સારા મળે છે કારણકે દિવસે ને દિવસે લોકોમાં સારું અને ઓર્ગેનિક ખાવાની અવેરનેસ વધી રહી છે એટલે કેમિકલમુક્ત ખોરાકની ડિમાન્ડ વધી છે.

એગ્રો ટુરીઝમનો કન્સેપ્ટ
શક્તિસિંહે પોતાના ફાર્મને એગ્રો ટૂરીઝમ માટે પણ પ્રમોટ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. એટલે કે ખેતીને પણ એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવું. જેમાં લોકો પ્રાકૃતિક વાતાવરણમાં પિકનિક માટે આવે. જેમાં લોકો ખેતીના કાર્યો અને અને વિવિધ પાકોના ઉત્પાદન વિશે માહિતે મેળવે તેમજ તેની ગુણવત્તાની ખારતી રુબરૂમાં કરી શકે અને જરૂર મુજબની ઉપલબ્ધ વસ્તુઓની ખરીદી પણ કરી શકે. આ માટે તેમણે પ્રયાસો હાથ ધર્યા છે. અહીં તેમને ત્યાં દર રવિવારે લગભગ ૨૫-૩૦ જેટલા આવા ટુરીસ્ટો આવે છે તો મહિનામાં પ્રાકૃતિક ખેતીની માહિતી માટે ઉત્સુક હોય એવા સરેરાશ ૫૦ થી ૬૦ જેટલા લોકો તેમના ફાર્મની મુલાકાત લેતા રહે છે.
અહીં એગ્રો ટુરીસ્ટ તરીકે આવતા લોકો માટે તેઓ આખા દિવસની બધી જરૂરતો જેવી કે નાસ્તો જમવાનું ફાર્મ વિઝિટમાં ખેતીની બધી બાબતોની જાણકારી પૂરી પાડવાની વિવિધ પ્રકારની ગામડાની દેશી રમતો જેવી કે, નારગોલ, દોરડા ખેંચ, ગીલ્લી દંડા, ટાયર ફેરવવા વગેરે રમતો રમાડવી, બાજુમાં આવેલા ડેમની મુલાકાત અને ગાડામાં બેસાડી એક ચક્કર લગાવવી વગેરે જેવી પ્રવૃત્તિઓ દ્વારા આખા દિવસનું એન્જોયમેન્ટ કરાવે. અહીં આપવામાં આવતું ભોજન પણ સંપૂર્ણ રીતે દેશી ફૂડ હોય અને એમાં ઉપયોગ થતી મોટાભાગની વસ્તુઓ અને તેને બનાવવાની પદ્ધતિ પણ દેશી હોય જે લોકો પ્રત્યક્ષ જોઇને તેનો પ્રાકૃતિક સ્વાદ મેળવી આનંદ માણી શકે. આ માટે તેમણે વ્યક્તિદિઠ ૫૦૦ રૂપિયા અને બાળકો માટે ૨૫૦ રૂપિયાનું શુલ્ક નક્કી કર્યું છે. જેમાં આખા દિવસ દરમિયાનની બધી પ્રવૃત્તિઓ અને તમામ ખાવાપીવાના ખર્ચનો સમાવેશ થઇ જાય છે. આ રીતે ખેતીની સાથે સાથે એક વધારાની આવક પણ ઊભી કરી શકાય છે.
ફેમિલિ ફાર્મરનો કન્સેપ્ટ
જેમ લોકોના ફેમિલી ડોક્ટર હોય એ રીતે ફેમિલી ફાર્મર પણ હોય કે જે લોકોને જરૂરી વસ્તુઓનું પ્રાકૃતિક રીતે અને શુદ્ધ કુદરતી વસ્તુઓ તેમને પૂરા પાડે અને ખેડૂત પણ તેના ગ્રાહની માંગ અનુસાર પોતાનું ઉત્પાદન કરી એ લોકોને સારી વસ્તુઓ પૂરી પાડે. જેથી એવા લોકોનું સ્વાસ્થ્ય સારું જળવાશે. અને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક તેઓ મેળવી શકે.
વિવિધ સન્માન અને એવોર્ડ્સ
ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરત દ્વારા પ્રાકૃતિક ખેતી સાથે ઉત્પાદિત ઓર્ગેનિક પાકોના મુલ્યવર્ધન કરવા ઉપરાંત એનું માર્કેટ ઉભું કરવાની નોંધનીય કામગીરી કરવા બદલ તેમનું ધરતીપુત્ર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. કૃષિક્ષેત્રે પોતાની આગવી કોઠાસુઝથી વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ખેતીના વિકાસમાં નવીનતા લાવી ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરી અન્ય ખેડૂતોને પ્રેરણા આપનાર કૃષિક્ષેત્રે વિકાસ તથા રાજ્યની સમૃદ્ધિ માટે સરાહના કરવા માટે જીલ્લા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ 2018-19 થી સન્માનિત કરાયા છે. આ ઉપરાંત રાજ્યપાલના હસ્તે એવોર્ડ. આકાશવાણી રાજકોટના ખૂબ જ લોકપ્રિય કાર્યક્રમ ગામના ચોરામાં તેમની મુલાકાત પ્રસારિત થઇ છે તો અલગ અલગ છાપાઓ અને સમાચાર ચેનલોમાં પણ તેમના વિશેના અહેવાલો પ્રસિદ્ધ અને પ્રસારિત થયા છે.
ખેડૂતોને સંદેશ
ખેતીમાં ઘણી સમસ્યાઓ છે. એના માટે સરકાર અને ખેડૂત પણ જવાબદાર હોય છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ હોવા છતાં ખેતીની સમસ્યાનો આઝાદીના આટલા વર્ષો છતાં ઉકેલ આવ્યો નથી. સરકારની વાત કરીએ તો ખેડૂતોને એણે પેદા કરેલ જણસીના યોગ્ય ભાવ મળી રહે એવા પ્રયત્નો કરવા જોઇએ. આપણી સૌથી મોટી કમનસિબી એ છે કે ખેડૂત પોતાની પેદાશના ભાવ નક્કી કરી શકતો નથી. એક તો ખેડૂતોએ ખેતીની નાની નાની બાબતોનો જીણવટ પૂર્વકનો અભ્યાસ કરવો જોઇએ. પોતાના કૂવા-બોરના પાણી અને જમીનની સમયાંતરે લેબોરેટરી કરાવવી જોઇએ. જમીન પાણીના રીપોર્ટ મુજબ જ ખૂટતા તત્ત્વો આપી ખર્ચ ઘટાડવો જોઇએ. પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે ગાયના ગૌમૂત્ર અને ગોબરનો જમીનની સુધારણા માટે ખૂબ ઉપયોગ કરવો જોઇએ. છેલ્લું પાસું વેચાણનું છે. પોતે પેદા કરેલ વસ્તુનું ગ્રેડીંગ કરી પોતે સીધા જ ગ્રાહક સુધી પહોંચાડી નફો વધારવો જોઇએ. ખેતી ખર્ચનો કાયમ હિસાબ રાખવો પણ જરૂરી છે કે જેનાથી જાવક-આવકનું બેલેન્સ જાળવી શકાય. લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને જમીનને સુધારવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઇએ. જેનાથી લોકોનું આરોગ્ય સુધરે છે. પર્યાવરણ સુધરે છે અને ખેડૂતની આવક પણ સુધરે છે. ખેડૂત પ્રગતિ કરશે તો દેશની પ્રગતિ થશે.
રૂ. ૬૦૦૦ના ભાવે ૧ મણ ઘઉં વેચી શકાય ?
જવાબ છે હાં, કેવી રીતે ? તો મુલ્યવર્ધન થકી. શક્તિસિંહે એહીં સ્પષ્ટ હિસાબ સમજાવ્યો છે. જરા અભ્યાસ કરી જુઓ.
૨૦ કીલો ઘઉંના ખાખરા બનાવીને ૨૦૦ ગ્રામનું એક પેકેટ બનાવે એટલે ૧ કિલો ઘઉંમાંથી ૫ પેકેટ બને અને ૨૦ કિલોના ૧૦૦ પેકેટ બને. એક પેકેટ રૂ. ૬૦માં વેચે છે. આ રીતે ૧ મણ ઘઉં રૂ.૬૦૦૦માં વેચી શકાય. જોકે ખાખરા બનાવવા માટે તેમાં નંખાતા મસાલા, મોણ અને પેકિંગની સાથે સાથે તેને બનાવવાની મજુરી અને માર્કેટીંગ અને વેચાણને લગતા અન્ય તમામ ખર્ચાઓનો હિસાબ લગાવીએ તો ૩૦૦૦ રૂપિયા અંદાજે ગણીએ તો પણ રૂ.૩૦૦૦ના ૧ મણ ઘઉં થયા. આ રીતે ખેતીની દરેક પેદાશોનું મુલ્ય વર્ધન કરી ઉચ્ચતમ આવક મેળવી શકાય એમ છે. ખેડૂતે એ દિશામાં વિચારીને તેનો અમલ કરવાની જરૂર છે. જો આ રીતે દરેક ખેડૂત મૂલ્યવર્ધન કરી જાતે જ એન્ડયુજર્સ પ્રોડક્ટ બનાવી જાતે જ તેનું વેચાણ કરતા થાય તો ખેતી એક ઉચ્ચતમ વ્યવસાય સાબીત થઇ શકે તેમ છે.
મધમાખી ઉછેર દ્વરા મધ ઉત્પાદન અને સારું ખેત ઉત્પાદન
મધમાખીઓ દ્વારા પરાગનયનની ખૂબ જ મહત્વની પ્રક્રિયા ખેતીમાં સુચારું રીતે થાય છે. જેના થકી પાક ઉત્પાદન સારું મળે છે સાથે સાતે મધ ઉત્પાદન પણ કરી શકાય છે. જુદા જુદા પાકોના આધારે જુદા જુદા ફ્લેવરનું મધ મેળવી શકાય છે. આ માટે શક્તિસિંહે પોતાના ફાર્મમાં મધઉછેરની પેટીઓ પણ રાખી છે. જો કે મધમાખીઓને અલગ અલગ જગ્યાએ માઇગ્રેશન કરાવવી પડે છે. મધ એન્ટી ઓકસીડન્ટ છે અને ખાસ કરીને બાળકો માટે બોનવિટા કરતાં સારો વિકલ્પ છે. એમાં 64 પ્રકારની કેલેરી, 17 ટાઇપની સુગર અને વિટામીન તથા મિનરલ્સ હોય છે જે નાનાં બાળકોને માનસિક અને શારીરિક વિકાસમાં મદદ કરે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
