Team Chabuk-Special Desk: મુઘલ ઈતિહાસના બાદશાહોમાં હુમાયુને ભાગેડુ શાસક તરીકે ઓળખવામાં જરાં પણ અતિશ્યોક્તિ નથી. 26 ડિસેમ્બર 1530માં બાબરનું નિધન થાય છે. જ્યારે મજબૂત શાસકનું નિધન થાય ત્યારે તેની જગ્યાએ તાત્કાલિક કોઈ શાસકને બેસાડી દેવાની અને બળવાનું શમન કરવાની હિન્દુસ્તાની મુઘલિયા સલ્તનતની પરંપરા અહીં તૂટે છે. 30 ડિસેમ્બર 1530માં હુમાયુ ગાદી પર બેસે છે. ચાર દિવસ બાદ! આવું શા માટે ?
હુમાયુ પર લખાયેલા હરિશંકર શ્રીવાસ્તવના હિન્દી પુસ્તક ‘મુઘલ સમ્રાટ હુમાયુ’માં તેના બે કારણ આપેલા છે. એક કે બળવો ફાટી ન નીકળે માટે હુમાયુના પહોંચતા સુધીમાં બાબરની મોતને છુપાવવામાં આવી હોય અને બીજું કે હુમાયુના સ્થાન પર કોઈ અન્ય વ્યક્તિને ગાદી પર બેસાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોય. જોકે શ્રીવાસ્તવ સાહેબ લખે છે કે આ બંને પરિસ્થિતિ માત્ર અનુમાન પર આધારિત છે.
હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું છે. જેમાં બાબરની આ પુત્રી લખે છે કે બાબરની આરોગ્ય સ્થિતિ ખરાબ હોવાના કારણે હુમાયુને કાલિંજરથી બોલાવવામાં આવ્યો હતો. બાબરના ભારત આક્રમણ સમયે ગુલબદનની વય બે વર્ષની હતી. જ્યારે બાબરનું નિધન થાય છે ત્યારે ગુલબદન બેગમની વય આઠ વર્ષની હોય છે. જેથી તે પિતા વિશે વિસ્તારથી લખીને નથી કહી શકતી. તેને જે કાંઈ પણ સ્મરણ હોય છે તે ભાઈ હુમાયુનું જ હોય છે. એટલે તે હુમાયુ વિશે બાદમાં વિસ્તારથી લખે છે કે હુમાયુ જ્યારે બાબરના નિધન પર કાલિંજરથી આવ્યો હતો ત્યારે તેના મુખ પર એક જ વાક્ય ચોંટેલું હતું. તેમની આ અવસ્થા કેવી રીતે થઈ ગઈ? હું તેમને સારી અવસ્થામાં છોડીને ગયો હતો. બીજી બાજુ નિજામુદ્દીન અહમદ કહે છે કે, હુમાયુ બાબરની મૃત્યુ પશ્ચાત સંભલથી આવ્યો હતો.
ખેર. હુમાયુ ક્યાંથી આવ્યો એ કરતા હુમાયુએ એક શાસક તરીકે ઓછા તો ઓછા સમય માટે દિલ્હીની સલ્તનત પર શાસન કર્યું હતું. તેનું જીવન ભાગદોડમાં વ્યતીત થઈ ગયું. શેરશાહ સૂરી તેની આંખમાં કણો બનીને પેસી રહ્યો. ઈતિહાસકારો હુમાયુ નબળો હોવા છતાં તેની હિંમતની દાદ આપે છે, કારણ કે શેરશાહ સામે તેણે બાથ ભીડી હતી. ડો. કાનુનગો લખે છે, શેરશાહ ચતુર, ધૂર્ત અને બુદ્ધિમાન સેનાનાયક હતો. તેનામાં સિંહ અને શિયાળ બંનેના સંમેલિત ગુણો હતા. તેની સામે ટક્કર લેનારા હુમાયુને સાહસિક તો કહેવો જ રહ્યો.
1529માં જ્યારે બાબર જીવિત હતો ત્યારે જ હુમાયુને હટાવી દિલ્હીની ગાદી હડપવાની રાજનીતિક ચાલો ચલવામાં આવતી હતી. આ કંઈ અસમાન્ય વાત નથી. આપણો મુખ્ય મુદ્દો હુમાયુના ચરિત્ર ચિત્રણનો છે. એક શાસક તરીકે હુમાયુ કેવો હતો? હુમાયુ વિશેના પુસ્તકો કયા કયા? અને હુમાયુનું મૃત્યુ કેવી રીતે થયું?
બાબરની આત્મકથા બાબરનામામાંથી હુમાયુ પ્રત્યે તેનો અપરંપાર અનુરાગ, હુમાયુની શિક્ષા, ભાઈઓ પ્રત્યે હુમાયુનું વર્તન, બાબરના અભિયાનોમાં હુમાયુનું યોગદાન જેવી સપાટી પરની માહિતી જાણકારોને મળી રહે છે. બાબરનામા હુમાયુના ચરિત્રના દુર્ગણ વિશે પણ બોલે છે. બાબરનામામાં 47 વર્ષ અને 10 મહિનાનું આયુષ્ય ભોગવનારા બાબરની જાણકારી મળે છે, પણ આપણે ભૂલવું ન જોઈએ કે એ આત્મકથા બાબરની છે ન કે હુમાયુની. જેથી હુમાયુનું સ્પષ્ટ વ્યક્તિત્વ આપણી સામે ખડું નથી થતું.
એક અન્ય ગ્રંથ છે. કાનૂને હુમાયુની. જેના લેખક છે ગ્યાસુદ્દીન મુહમ્મદ ખન્દમીર. ઈરાનમાં તેમનો જન્મ થયો હતો. અને પ્રસિદ્ધ નવલકથાકાર તરીકે ખ્યાતિ પામેલા હતા. ખન્દમીર એટલે બીજું કોઈ નહીં પણ હુમાયુના નાના થાય. તેની આરંભિક શિક્ષા તેના નાનાના નેજા હેઠળ થઈ હતી. ગુજરાત અભિયાનમાં પણ ખન્દમીર હુમાયુની સાથે જ હતો. 1530માં હુમાયુએ તેમને કાનુને હુમાયુની લખવાની આજ્ઞા આપી હતી. 1533માં લખવાની શરૂઆત થઈ અને 1534માં હુમાયુના શાસન અંગેનો આ ગ્રંથ પૂર્ણ થયો.
થોડી હુમાયુના ભવિષ્યમાં લટાર મારી લઈએ. અકબરે અકબરનામાની સામગ્રી એકત્ર કરવા માટે એવા લોકોની પસંદગી કરી હતી કે જેઓ તેના પિતાના સમકાલીન હોય. આજ્ઞા આપવામાં આવી કે તેમના વિશે જે કોઈ પણ, કંઈ પણ જાણતા હોય, તેમની પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવે અને વિસ્તારથી લિપિબદ્ધ કરવામાં આવે. અકબરના આદેશ પર બાદમાં ત્રણ ગ્રંથની રચના થાય છે. ગુલબદન બેગમની હુમાયુનામા, જૌહરની તજકિરતુલ વાકેયાત અને બાયજીદની તજકિર એ હુમાયુ વ અકબર.
ફરિશ્તા બ્રિગસમાં લખવામાં આવ્યું છે કે હુમાયુ ઘઉંવર્ણો હતો અને તેનો શારીરિક બાંધો સારો હતો. મુન્તખબુતવારિખમાં લખવામાં આવ્યું છે કે, તેનું સ્વાસ્થ્ય સારું હતું. તેનું બચપણ તેના પિતાના સુયોગ્ય સંરક્ષણમાં વ્યતીત થયું હતું. આરંભથી જ તેને શાસક તરીકે સંપૂર્ણ ગુણોથી સભર બનાવવાના પ્રયાસો થયા હતા. બાબરનો પુત્ર હોવાના કારણે જે સમસ્યા તેને થવી જોઈએ અને તેમાંથી જે બોધપાઠ માણસને સાંપડતો હોવો જોઈએ એ હુમાયુને કોઈ દિવસ ન મળ્યો. સ્વભાવથી આનંદી અને વિનોદપ્રિય હતો. ગાળો બોલવાનું તેને પસંદ નહોતું. કોઈ પણ વ્યક્તિ પર જ્યારે તે ગુસ્સે ભરાય ત્યારે તેને ફક્ત ‘મુર્ખ’ શબ્દથી સંબોધિત કરતો હતો. તેને યુદ્ધ પસંદ નહોતું પણ તેની જિંદગી યુદ્ધ અને દોડભાગમાં જ પસાર થઈ.
અકબરનામામાં હુમાયુના અંતિમ દિવસનો કંઈક એવો ઉલ્લેખ છે કે ગાદી પર ફરી અધિકાર કર્યાં પશ્ચાત એવું પ્રતીત થતું હતું કે હુમાયુના મનમાં જીવન પ્રત્યે ઘોર નિરાશા છે. અકબરના પંજાબ ગયા બાદ તે પરલોકની વાતો વધારે કરતો હતો.
મહત્વની વાત હુમાયુના નિધનની છે. હુમાયુનું નિધન થયું એ દિવસ કેવો હતો? કંઈક આવો હતો. સંધ્યાટાણે જે લોકો હજમાં ગયા હતા તેમને હુમાયુની સમક્ષ રજૂ કરવામાં આવ્યા. તુર્કી એડમિરલ સીદી અલી રેઈસ, જે ગુજરાતથી આવ્યો હતો, હુમાયુના નિધનના દિવસે એ તેને મળ્યો. કાબુલથી તેને ત્યાંની પરિસ્થિતિઓ વિશે સૂચના પ્રાપ્ત થઈ. હુમાયુ પુસ્તકાલયની છત પર ગયો અને ત્યાંથી મસ્જિદમાં એકત્ર થયેલા લોકોનું ઉમળકાભેર અભિવાદન ઝીલ્યું. મોડે સુધી તે મક્કા, ગુજરાત અને કાબુલની વાતમાં મગ્ન રહ્યો. એ પછી કેટલાક ગણિતશાસ્ત્રીઓને તેણે શુક્ર ગ્રહના ઉદયનો સમય જોવા માટે બોલાવ્યા. એ સમયે એક દરવાન પોતાના કેટલાક ઓફિસરોની પદોન્નતી ઈચ્છતો હતો.
હુમાયુ નીચે ઉતર્યો. બીજી સીડી સુધી પહોંચ્યો હતો. એવામાં મિસ્કીન નામના મુકરીએ (જે મસ્જિદમાં પ્રાર્થના પાઠ કરે છે) અજાનનો અવાજ આપ્યો. હુમાયુએ એવો નિયમ પાડ્યો હતો કે જ્યારે પણ અજાનનો અવાજ તેના કાને પડે એ શ્રદ્ધા ખાતર ઘૂંટણ પર નમી જાય. અજાનનો અવાજ સંભળાતા તે નીચે નમ્યો. શિયાળાનો દિવસ હોવાના કારણે તેણે લાંબો પોશાક પહેર્યો હતો. જેને લબાદા કે પોસ્તીન તરીકે ઓળખવામાં આવે છે. બેસતા સમયે તેના પગની નીચે તેનો પોશાક અટવાય ગયો. તેના હાથમાં જે લાકડી હતી એ પડી ગઈ. એ સીડીઓ પરથી નીચે પડ્યો. માથું જમીન સાથે જોરથી અથડાયું. તેના જમણા કાનની બાજુમાં ગંભીર ઈજા પહોંચી. લોહીના ટશીયા ફૂટ્યા. બેભાન અવસ્થામાં તેને રાજમહેલમાં લઈ જવામાં આવ્યો.
થોડા સમય પછી તે મૂર્છિત અવસ્થામાંથી ઊભો થયો. બીજા દિવસે તેના શરીરમાં અશક્તિ આવી ગઈ. તેનું બચવું સંભવ નહોતું લાગી રહ્યું. અકબરને ફરમાન મોકલવામાં આવ્યું. જેમાં લખ્યું હતું કે પિતા હુમાયુ સીડી પરથી નીચે ગબડી પડ્યા છે. જોકે તેમાં કૂટનીતિક દૃષ્ટીથી એવું લખવામાં આવ્યું હતું કે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. તેઓ સ્વસ્થ છે. 26મી જાન્યુઆરી 1526ના રોજ રવિવારના દિવસે હુમાયુનું નિધન થઈ ગયું. કેટલીક જગ્યાએ તારીખ 27 પણ કહેવામાં આવે છે. આજે હુમાયુનો જન્મદિવસ છે. એક એવો શાસક જેના જન્મ અને શાસન કરતા તેના મૃત્યુની સૌથી વધારે ચર્ચા થાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત