Team Chabuk-Gujarat-Desk : સુરત શહેરના પુણા કુંભારીયા રોડ પર મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલાનું મોત પોલીસ માટે મર્ડર મિસ્ટ્રી બની ગયું છે. મોર્નિંગ વોક પર નીકળેલી મહિલાને એક અજાણી કાર ટક્કર મારીને જતી રહી જેમાં તેનું મોત થયું હતું. બીજી તરફ મહિલાના પિતાએ આક્ષેપ કર્યો છે કે, આ અકસ્માત નહીં પરંતુ આયોજન પૂર્વક કરાયેલી હત્યા છે. કારણ કે શાલિનીના નામે 15 લાખ રૂપિયાનો વીમો હતો.
ઘટના શું છે ?
8 જાન્યુઆરીએ પુણા કુંભારિયા રોડ પર આવેલી રઘુવીર સિલિયમ નજીકના સર્વીસ રોડ પર શાલિનીને અજાણી કાર ટક્કર મારે છે. શાલિનીને ટક્કર માર્યા બાદ કારચાલક ફરાર થઈ જાય છે. શાલિનીને તેનો પતિ સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડે છે જ્યાં તબીબ શાલિનીને મૃત જાહેર કરે છે.
શાલિનીના પતિએ પોલીસને નિવેદન આપ્યું છે કે, શાલિનીનું કાર અકસ્માતમાં મોત થયું છે. અજાણ્યા વાહને તેને ટક્કર મારી છે. બીજી તરફ શાલિનીનો પરિવાર માનવા તૈયાર નથી કે તેમની પુત્રીનું અકસ્માતે મોત થયું છે. શાલિનીનો પરિવાર આરોપ લગાવી રહ્યો છે કે, રૂપિયા માટે શાલિનીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે.
આરોપ છે કે, શાલિનીના નામે લાખો રૂપિયાનો વીમો હતો. શાલિનીની નણંદ અને શાલિનીનો એક 15 લાખ રૂપિયાનો ઓનર વીમો હતો. શાલિનીના પરિવારનું કહેવું છે કે, પોલિસી ક્લેમ કરાવવા માટે શાલિનીની હત્યા કરી દેવામાં આવી છે. હત્યાનું ષડયંત્ર રચવામાં શાલિનીના સસરા સોહનસિંઘ પણ સામેલ હોવાનો આક્ષેપ છે.
એટલા માટે હત્યાની શંકા
શાલિનીના પિતાએ જણાવ્યું કે, હત્યાની શંકા એટલા માટે છે કે સવારે 10 વાગ્યે જાગવાવાળો પરિવાર અચાનક મોર્નિંગ વોક માટે કેમ ઉઠ્યો. શાલિનીને અચાનક વોક પર લઈ જવાનું કારણ શું હોઈ શકે ?
શાલિનીને ત્રાસ અપાતો હતો ?
શાલિનીના પિતાએ કહ્યું કે, ફેબ્રુઆરી 2017માં શાલિનીના લગ્ન થયા હતા. લગ્નના ત્રણ-ચાર મહિના પછી જ શાલિનીને ત્રાસ આપવાનું શરૂ કરી દેવાયું હતું. તેમણે કહ્યું કે, શાલિનીની નણંદ પૂજા ઉર્ફે નિરૂ પણ શાલિનીને હેરાન કરતી હતી. આ જ કારણે તેઓ થોડા સમય પહેલાં શાલિનીને તેમના ઘરે લઈ આવ્યા હતા. એક મહિનામાં પછી શાલિનીને પરત મોકલી હતી. શાલિનીના પિતાનો આરોપ છે કે, 2018માં તેમની પાસેથી 5 લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા. 5 લાખની જગ્યાએ તેમણે 2 લાખ રૂપિયા આપ્યા હતા. સાથે જ વચન આપ્યું હતું કે, બટાકાનો પાક તૈયાર થઈ જાય એટલે બાકીના ત્રણ લાખ રૂપિયા પણ આપી દઈશ.
શાલિનીના સસરા પર આરોપ
શાલિનીના પિતાએ આરોપ લગાવ્યો કે, શાલિનીના સસરાએ વીમો પકવવા માટે નામ બદલ્યું છે. એટલું જ નહીં ગામના સરપંચ પાસેથી નકલી ડેથ સર્ટીફિકેટ પણ લેવાનો પ્રયાસ કર્યો છે. શાલિનીના સસરાના નામે 70 લાખ રૂપિયાનો વીમો છે. સામાન્ય મૃત્યુમાં 70 લાખ અને અકસ્માતે મોત પર દોઢ કરોડ રૂપિયાનો વીમો હોવાનો આરોપ છે.
શાલિનીના પતિના નિવેદનના આધારે પોલીસે ફરિયાદ નોંધી છે અને અજાણ્યા કારચાલકની શોધખોળ શરૂ કરી છે. જો કે, આટલા દિવસ પસાર થયા છતાં પોલીસને કારચાલકની કોઈ ભાળ મળી નથી. બીજી તરફ પોલીસને અન્ય કોઈ કડી પણ મળી નથી જેથી શાલિનીની હત્યા થઈ હોવાનું સાબિત થઈ શકે. આમ, હાલ શાલિનીનું મૃત્યુ મિસ્ટ્રી બની ગયું છે. આ કેસમાં આગામી સમયમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત