Team Chabuk- Tech Desk: આજે તમે Whatsapp ખોલ્યું હોય અને જો સ્ટેટસ જોવા ગયા હશો તો પહેલું સ્ટેટસ તમારા ફોનબુકમાં સેવ કરેલા નંબરમાંથી કોઈનું નહીં હોય. પરંતુ તમે જે વોટ્સએપ એપ્લિકેશન વાપરી રહ્યા છો તે કંપનીનું સ્ટેટસ જોવા મળશે. વોટ્સએપે આવું અગાઉ ક્યારેય નથી કર્યું. પોતાની નવી પ્રાઈવેસી પોલિસી જાહેર કર્યા બાદ Whatsapp દિવસે દિવસે ભીંસાતું જઈ રહ્યું છે. એમાંય પાછું એલન મસ્કે યુઝ સિગ્નલ લખીને ટ્વિટ કરી દેતાં વોટ્સએપના માલિક પરસેવે રેબઝેબ થઈ ગયા છે. લોકો વોટ્સએપને ટાટા બાય બાય કરીને સિગ્નલ અને ટેલિગ્રામ તરફ વળી રહ્યા છે. હવે પોતાના ધંધામાં ખોટ જાય એવું તો કોઈ કંપની ઇચ્છતી ન હોય. તેથી પોતાના ગ્રાહકોને કોઈને કોઈ રીતે મનાવવા Whatsapp દ્વારા પ્રયત્નો શરૂ કરાયા છે. અને હવે યુઝર્સ સામે હાથ જોડીને જ કહેવાનું બાકી રહ્યું છે કે અમે તમારો કોઈ ડેટા ક્યાંય શેર નથી કરતાં.
Whatsapp મૂકેલા સ્ટેટસમાં શું છે ?
વોટ્સએપ સ્ટેટસના ઓપ્શનમાં જશો એટલે સૌથી પહેલાં તમને હાલ વોટ્સએપ દ્વારા મૂકેલું સ્ટેટસ નજરે ચડશે. જેમાં કૂલ ચાર ઈમેજ મૂકવામાં આવી છે. સ્ટેટસમાં રહેલી પ્રથમ ઈમેજમાં કહેવામાં આવ્યું છે કે અમે તમારી પ્રાઈવેસી માટે પ્રતિબદ્ધ છીએ. બીજી ઈમેજમાં લખવામાં આવ્યું છે કે, Whatsapp cant read or listen to your personal conversation as they end-to-end encrypted. એટલે કે Whatsapp યુઝર્સને કહી રહ્યું છે કે, અમે તમારી અંગત વાતને વાંચતા કે સાંભળતા નથી કેમ કે તે એન્ડ-ટુ-એન્ડ અન્ક્રિપ્ટેડ હોય છે.
ત્રીજી ઈમેજમાં લખવામાં આવ્યું છે કે, whatsapp cant see your shared location. એટલે કે વોટ્સએપ યુઝર્સને કહે છે કે, તમે જે લોકોશન શેર કરો છો એ અમે જોતાં નથી. ચોથી અને છેલ્લી ઈમેજમાં લખવામાં આવ્યું છે કે, whatsapp doesn’t share your contacts with facebook. મતબલ કે વોટ્સએપ તમારા કોન્ટેક્ટ ફેસબુક સાથે શેર નથી કરતું.

Whatsapp દ્વારા મૂકવામાં આવેલા આ સ્ટેટસ બાદ સોશિયલ મીડિયામાં પણ આ અંગે મીમ શેર થઈ રહ્યા છે. લોકો સોશિયલ મીડિયા પર અવનવા મીમ શેર કરીને વોટ્સએપની ફીરકી લઈ રહ્યા છે. ઘણા લોકો તો આ સ્ટેટસ અંગે વોટ્સએપને સવાલ કરી રહ્યા છે કે અમને પૂછ્યા વગર કેમ સ્ટેટસ દેખાડી રહ્યા છો. તો ઘણા લોકો કહી રહ્યા છે કે નંબર સેવ પણ નથી કર્યો છતાં Whatsappનું સ્ટેટસ કેમ દેખાઈ રહ્યું છે.

Whatsapp intervening my privacy.
— Darshan Rajput ➐ (@Darsh7122) January 17, 2021
My phone to whatsapp –#WhatsappStatus pic.twitter.com/dfZ2nDWcrA
વોટ્સએપને લઈ વિવાદ અહીંથી શરૂ થયો
વોટ્સએપ છોડીને યુઝર્સ ટેલિગ્રામ અને સિગ્નલ જેવી અન્ય એપ પર ફરી રહ્યા હોવાનું મુખ્ય કારણ વોટ્સએપ દ્વારા પોતાની પ્રાઈવેસી પોલિસીમાં કરાયેલા ફેરફાર છે. થોડા દિવસ પહેલાં વોટ્સએપ એ એપ મારફતે યુઝર્સને નોટિફિકેશન મોકલ્યું હતું. જેમાં લખવામાં આવ્યું હતું કે વોટ્સએપ પ્રાઈવેસી પોલિસીમાં ફેરફાર કરી રહી છે. અને જો વોટ્સએપનો ઉપયોગ આગળ ચાલુ રાખવો હોય તો 8 ફેબ્રઆરી 2021 સુધીમાં અમારી નવી પ્રાઈવેસી પોલિસી અંગે સહમતિ દર્શાવવી પડશે નહીંતર વોટ્સએપનો ઉપયોગ નહીં કરી શકાય. જે બાદ ઘણા લોકો પ્રાઈવેસી પોલિસી અંગે સહમતિ આપવા પણ લાગ્યા. જો કે બીજી તરફ વોટ્સએપના આ નિર્ણય સામે વિરોધ પણ થવા લાગ્યો. ચર્ચાઓનું બજાર ગરમ થવા લાગ્યું. મીમ્સ બનવા લાગ્યા. એમાં વોટ્સએપ માટે બળતામાં ઘી હોમ્યું એલન મસ્કે. એલન મસ્કે યુઝ સિગ્નલ લખીને ટ્વિટ કરતાં વૈશ્વિક સ્તરે આ નવી પોલિસી અંગે ગણગણાટ થવા લાગ્યો. યુઝર્સ વોટ્સએપ યુનિવર્સિટી છોડી સિગ્નલ અને ટેલિગ્રામમાં પ્રવેશ મેળવવા લાગ્યા.
વોટ્સએપે યુઝર્સને રોકવા શું કર્યું
વિવાદ વધી જતાં વોટ્સએપ તરફથી યુઝર્સને રોકવા થોડા દિવસ પહેલાં એક ટ્વિટ પણ કરવામાં આવ્યું હતું. ટ્વિટ કરીને વોટ્સએપે જાહેર કર્યું કે, પોતાની આ નવી પ્રાઈવેસી પોલિસી હાલ પૂરતી રોકી દેવામાં આવી છે. વોટ્સએપે પોતાનું પોલિસી અપડેટ હાલ પૂરતું મે 2021 સુધી રોકી દીધું છે. એટલે કે મે 2021 સુધી કોઈપણ યુઝર્સના એકાઉન્ટ ડિલીટ કે સસ્પેન્ડ નહીં કરવામાં આવે. અને હવે સ્ટેટસ પોસ્ટ કરીને વોટ્સએપ પોતાના યુઝર્સ સમક્ષ પ્રાઈવેસી પોલિસીને લઈને ચોખવટ કરી રહ્યું છે.એવી પણ વાતો થઈ રહી હતી કે વોટ્સએપ કોન્ટેક્ટ ડેટા ફેસબુકને આપી રહી છે. તેથી વોટ્સએપે આ સ્ટેટસમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ફેસબુકને કોન્ટેક્ટ ડેટા નથી આપતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત