Team Chabuk-Gujarat Desk : સુરતમાં પુણા કુંભારિયા રોડ પાસે કથિત અકસ્માતના કારણે યુવતીના મૃત્યુના રહસ્ય પરથી પડદો ઉંચકાયો છે. પોલીસ તપાસમાં શાલિની નામની યુવતીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, વીમો પકવવા માટે જ તેના પતિએ હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. પોલીસે CCTVના આધારે હત્યાનો ભેદ ઉકેલ્યો છે.
આ કેસમાં અત્યાર સુધીમાં શાલિનીના પતિ અને પતિના મિત્રની ધરપકડ કરી છે. આરોપીઓએ એવી રીતે ષડયંત્ર રચ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને પણ અકસ્માત થયો હોવાનું જ લાગી રહ્યું હતું. હવે પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે. જો કે, હાલ તો રૂપિયાની લાલચમાં બે પરિવાર બરબાદ થઈ ગયા છે. રૂપિયાની લાલચે પતિને જેલમાં જવાનો વારો આવ્યો છે. બીજી તરફ એક બાપે પોતાની લાડકવાઈ ગુમાવી દીધી છે. યુવતીના પિતાએ આરોપીને કડકમાં કડક સજા કરવાની માગણી કરી છે.
કેવી રીતે હત્યાને આપ્યો અંજામ ?
શાલિનીનો પતિ સવારે 10 વાગ્યા સુધી ઉઠતો પણ ન હતો. જો કે, હત્યાના 15 દિવસ અગાઉથી તેને સવારે ચાલવાનું શરૂ કર્યું હતું. હત્યાના દિવસે અનુજ શાલિનીથી 10 ફૂટ આગળ ચાલી રહ્યો હતો. શાલિનીને ટ્રકની અડફેટે લઈને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. આરોપી પતિ અનુજ અને તેના મિત્રએ હત્યાને અંજામ આપ્યો હતો. શાલિનીને અડફેટે લઈને ટ્રક ચાલક મિત્ર ફરાર થઈ ગયો હતો. જ્યારે કોઈને શંકા ન જાય તેના માટે શાલિનીનો પતિ તેને હોસ્પિટલ લઈ ગયો હતો.
શાલિનીના નામે લાખો રૂપિયાનો વીમો
શાલિનીની નણંદ અને શાલિનીનો એક 15 લાખ રૂપિયાનો ઓનર વીમો હતો. શાલિનીના પરિવારનું કહેવું છે કે, પોલિસી ક્લેમ કરાવવા માટે શાલિનીની હત્યા કરી દેવામાં આવી છે. હત્યાનું ષડયંત્ર રચવામાં શાલિનીના સસરા સોહનસિંઘ પણ સામેલ હોવાનો આક્ષેપ છે.
હત્યાની શંકા આ કારણે હતી
શાલિનીના પિતાએ જણાવ્યું હતું કે, હત્યાની શંકા એટલા માટે છે કે સવારે 10 વાગ્યે જાગવાવાળો પરિવાર અચાનક મોર્નિંગ વોક માટે કેમ ઉઠ્યો. શાલિનીને અચાનક વોક પર લઈ જવાનું કારણ શું હોઈ શકે ?
શાલિનીને ત્રાસ અપાતો હોવાનો પણ આરોપ
શાલિનીના પિતાએ કહ્યું હતું કે, ફેબ્રુઆરી 2017માં શાલિનીના લગ્ન થયા હતા. લગ્નના ત્રણ-ચાર મહિના પછી જ શાલિનીને ત્રાસ આપવાનું શરૂ કરી દેવાયું હતું. તેમણે કહ્યું કે, શાલિનીની નણંદ પૂજા ઉર્ફે નિરૂ પણ શાલિનીને હેરાન કરતી હતી. આ જ કારણે તેઓ થોડા સમય પહેલાં શાલિનીને તેમના ઘરે લઈ આવ્યા હતા. એક મહિનામાં પછી શાલિનીને પરત મોકલી હતી. શાલિનીના પિતાનો આરોપ છે કે, 2018માં તેમની પાસેથી 5 લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા. 5 લાખની જગ્યાએ તેમણે 2 લાખ રૂપિયા આપ્યા હતા. સાથે જ વચન આપ્યું હતું કે, બટાકાનો પાક તૈયાર થઈ જાય એટલે બાકીના ત્રણ લાખ રૂપિયા પણ આપી દઈશ.
શાલિનીના સસરા પર આરોપ
શાલિનીના પિતાએ આરોપ લગાવ્યો કે, શાલિનીના સસરાએ વીમો પકવવા માટે નામ બદલ્યું છે. એટલું જ નહીં ગામના સરપંચ પાસેથી નકલી ડેથ સર્ટીફિકેટ પણ લેવાનો પ્રયાસ કર્યો છે. શાલિનીના સસરાના નામે 70 લાખ રૂપિયાનો વીમો છે. સામાન્ય મૃત્યુમાં 70 લાખ અને અકસ્માતે મોત પર દોઢ કરોડ રૂપિયાનો વીમો હોવાનો આરોપ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત