Homeગુર્જર નગરી15મી વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની સર્વાનુમતે મતે વરણી

15મી વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની સર્વાનુમતે મતે વરણી

Team Chabuk-Gujarat Desk: 15 મી વિધાનસભાના પ્રથમ સત્રમાં આજે વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની વરણી કરવામાં આવી હતી. પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીના નામનો પ્રસ્તાવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રજૂ કર્યો હતો. વિધાનસભાના અધ્યક્ષ માટેના પ્રસ્તાવને સંસદીય અને વૈધાનિક મંત્રી ઋષિકેશ પટેલે સમર્થન આપતા ગુજરાત વિધાનસભાના પક્ષ-વિપક્ષના તમામ ધારાસભ્યોએ સર્વાનુમતે વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીને સમર્થન કરતા વિધાનસભાના અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો હતો.

ગુજરાતમાં સંગઠન, સહકાર, સરકાર બાદ હવે બંધારણીય જવાબદારી સ્વીકારીને ગૃહમાં સૌનો આભાર માનતા અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું હતું કે, સભાગૃહના તમામ સભ્યોઓએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેને હું સંપૂર્ણ ન્યાય આપવા હંમેશાં પ્રયત્નશીલ રહીશ. ભારતમાં સંસદીય લોકશાહીમાં સભાગૃહની સર્વોપરીતા તેનું હાર્દ- હૃદય છે. સભાગૃહની ગરિમા અને ગૌરવ જાળવવાની જવાબદારી આપણને સોંપી છે, તેથી વિધાનસભાગૃહનું ગૌરવ અને ગરિમા ઓછી થાય તેવા કોઈપણ કાર્યથી અળગા રહેવાનું અને પ્રજાના હિતને લક્ષમાં રાખીને જવાબદારી નિભાવવાનું ધ્યેય કેન્દ્ર સ્થાને રહે તે આપણા સૌ માટે આવશ્યક છે. આદર્શ આચારસંહિતાનું પાલન સંસદીય કારકિર્દી માટે આધારસ્તંભ છે તેમ આજે વિધાનસભા ગૃહમાં નવા નિમાયેલા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું.

વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીએ પદભાર સંભાળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિયુકત અભિનદન પાઠવ્યા હતાં. લોકશાહીના મંદીરની ઉજ્જવળ પરંપરાઓ જાળવી રાખવામાં નવનિયુકત અધ્યક્ષનું માર્ગદર્શન નિરંતર મળતું રહેશે. ૧૫મી ગુજરાત વિધાનસભાનો પાંચ વર્ષનો કાર્યકાળ સંસદીય કાર્યપ્રણાલિકાઓના સંર્વધન માટેનો સુર્વણકાળ બની રહેશે તેવો તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો.

અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું હતું કે, આ વિધાનગૃહ મહાપુરૂષો તથા નવરત્નોનું સાક્ષી રહ્યું છે. અનેક સપૂતોએ આ સભાગૃહને શોભાવીને દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. આવા રત્નોમાં આપણા સૌના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.૦૭ ઓકટોબર, ૨૦૦૧ થી ૨૨મી મે ૨૦૧૪ સુધી એટલે કે ૪૬૦૪ દિવસ સુધી આ સભાગૃહને અજવાળીને આજે દેશના વડાપ્રધાનપદે બિરાજે છે. જે ગુજરાત વિધાનસભા ગૃહ તેમજ ગુજરાત માટે ગૌરવ સમાન છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહ કે જેઓ ૯મી ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ચૂંટાઇને સૌ પ્રથમ આ સભાગૃહમાં આવ્યા અને સતત ૨૨ વર્ષ સુધી આ સભાગૃહના સન્માનીય સભ્ય તરીકે રહી ચૂક્યા છે તે પણ આપણાં સૌ માટે ગૌરવની ક્ષણ છે.

અધ્યક્ષ શંકર ચૌધરીએ ગૃહના સભ્યોનો આભાર સ્વીકાર કરતા કહ્યું હતું કે, લોકશાહી અને સંસદીય પ્રણાલીને વધુ બળવત્તર બનાવવા માટે શાસક-વિપક્ષ તરીકે નહી, પરંતુ શાસક-સાથી પક્ષની ભાવનાથી કાર્ય કરશું. સંવાદ વિવાદમાં ન પરિણમે તે રીતે સંવાદ સાધી પ્રજાના પ્રાણ પ્રશ્નોના વાચા આપવાની જવાબદારી માત્ર અધ્યક્ષની જ નહી પરંતુ ગૃહના તમામ સભ્યોની છે એમ ઉમેર્યુ હતું.

આ પ્રસંગે ગૃહમાં સંસદીય અને વૈદ્યાનિક બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ તેમજ ધારાસભ્ય સર્વે જીતુ વાઘાણી, રમણલાલ વોરા, અર્જુન મોઢવાડીયા અને શૈલેષ પરમારે નવનિયુકત અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીને અભિનંદાન આપીને તેમણે કરેલા પ્રજાકીય સેવાકાર્યોને બિરદાવીને વિધાનસભાના અધ્યક્ષ તરીકેની વરણી બદલ શુભેચ્છાઓ આપી હતી.

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનો પરિચય

ખેતી અને સમાજસેવા સાથે જોડાયેલા શંકર લગધીરભાઈ ચૌધરીનો જન્મ ૦૧ જૂન ૧૯૭૦માં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડનગર ગામમાં થયો હતો. તેઓ રાધનપુર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ત્રણ વખત, વાવ બેઠક પરથી એક વખત અને ૨૦૨૨ થી થરાદ બેઠક પરથી ચૂંટાયા છે. આ ઉપરાંત ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જવાબદારીઓ, શેહરી વિકાસ,આરોગ્ય,વાહન વ્યવહાર, પર્યાવરણ જેવા મહત્વના ખાતા સંભાળી ચૂક્યાં છે.

ભારતીય જનતા પાર્ટીમાં પાટણ જિલ્લાના પ્રમુખ તરીકે, પાર્ટીના યુવા મોરચામાં પ્રદેશ અધ્યક્ષ તરીકે, પાર્ટીના કોર ગ્રુપના સભ્ય તરીકે, ૨૦૦૯-૨૦૧૪ માં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે અને પાર્ટીના રાષ્ટ્રીય કારોબારી સભ્ય તરીકેની સંગઠનાત્મક જવાબદારીઓ નિભાવી છે.અધ્યક્ષ શંકર ચૌધરી સહકારી ક્ષેત્રે અગ્રણી એવી બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના ચેરમેન તરીકે વર્ષ ૨૦૧૫ થી કાર્યરત છે. ગુજરાત રાજ્ય સહકારી બેંક લિ.ના વાઇસ ચેરમેન તરીકે વર્ષ ૨૦૦૯થી કાર્યરત છે. તેમણે વર્ષ ૨૦૦૬ થી ૨૦૧૬ સુધી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ, પાલનપુરના ચેરમેન તરીકે સેવા આપી છે તેમજ ગુજરાત રાજ્ય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકમાં ડિરેક્ટર તરીકે સેવા અને ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ,ગાંધીનગરના ડિરેક્ટર તરીકે કાર્યરત છે.

બનાસ ડેરીને એશિયાની સૌથી મોટી ડેરી તરીકે બહુમાન અપાવવાનું ઉમદા અને ઐતિહાસિક કાર્ય તેમણે કર્યું છે. બનાસ ડેરીને ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, ઝારખંડ, રાજસ્થાન, દિલ્હી અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં વિસ્તાર કર્યો છે. બનાસ ડેરીના ચેરમેન તરીકે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની માસિક ૨૫૦ કરોડની આવકને વધારી માસિક ૧૦૦૦ કરોડ રૂપિયા સુધી લઈ જવાનું ભગીરથ કાર્ય કર્યું છે. આ સિવાય સહકાર અને લોક ભાગીદારીના માધ્યમથી ગોબરમાંથી ગેસ બનાવવા, મહિલા સશક્તિકરણની દિશામાં અને દૂધ સિવાય મધમાખી પાલનમાં પણ સીમાચિન્હ રૂપ કામગીરી કરી છે.

સામાજિક સેવાના કાર્યોમાં અગ્રેસર રહી તેમણે વિચરતી જ્ઞાતિના ૧૦૦૦ નાગરિકોને જમીન આપી સ્થાયી બનાવી તેમના બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા પણ ગોઠવી. તે સાથે ભુકંપ અને પૂરની સ્થિતિમાં યુદ્ધના ધોરણે કામગીરી, મતવિસ્તારના અંતરિયાળ ગામોમાં વિનામૂલ્યે નેત્ર કેમ્પ, રાધનપુર- સાંતલપુરમાં લોકજાગૃતિ કેળવવાનું અભિયાન, વિસ્ફોટકોની હેરાફેરી, ઘૂસણખોરી, વગેરે વિરુદ્ધ જાગૃતિ કેળવી રાષ્ટ્રીય સુરક્ષાનું અભિયાન હાથ ધર્યું છે. શિક્ષણ પ્રવૃત્તિઓમાં કન્યા વિદ્યાલય, કન્યા- કુમાર છાત્રાલય, પી.ટી.સી કોલેજ, મેડિકલ કોલેજ તેમજ સૈનિક શાળાની સ્થાપના પણ કરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments