Homeતાપણુંઝારખંડના મુખ્યમંત્રીએ કહ્યું, વડાપ્રધાન માત્ર મનની વાત કરે છે, સાંભળતા નથી

ઝારખંડના મુખ્યમંત્રીએ કહ્યું, વડાપ્રધાન માત્ર મનની વાત કરે છે, સાંભળતા નથી

Team Chabuk-Political Desk: કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણને અટકાવવામાં નક્કર પગલાં ન લઈ શકનાર કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા રાજ્ય સરકારો પણ કરવા લાગી છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત શોરેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને એક મોટી વાત કરી દીધી છે. હેમંત સોરેનનો આરોપ છે કે વડાપ્રધાન માત્ર પોતાના મનની વાત કરે છે, અમારી કોઈ વાત સાંભળતા નથી. હેમંત સોરેને ટ્વિટ કરીને ગત મોડી રાત્રે વડાપ્રધાન પર આ આરોપ લગાવ્યો છે.

મહત્વનું છે કે કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે વિવિધ મુદ્દે મતભેદ સર્જાઈ રહ્યા છે. ગઈકાલે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીને લઈને ઘણા રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ફોન પર વાતચીત કરી હતી. જેમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનનો પણ સમાવેશ થતો હતો. પરંતુ વડાપ્રધાન સાથેની ટેલિફોનિક વાતચીત બાદ હેમંત સોરેને ટ્વિટ કરતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

ગત મોડી રાત્રે 11-19 મિનિટે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વિટ કરીને લખ્યું કે, ‘આજે આદરણીય વડાપ્રધાનજીને ફોન કર્યો. તેમણે માત્ર પોતાના મનની વાત કરી. પરંતુ તેઓએ કામની વાત કરી હોત અને કામની વાત સાંભળી હોત તો વધુ સારું થાત.’

હેમંત સોરેનના ટ્વિટ બાદ તેમની પાર્ટી ઝારખંડ મુક્તિ મોર્ચા દ્વારા પણ વડાપ્રધાન પર આરોપ લગાવવામાં આવ્યો હતો. ઝારખંડ મુક્તિ મોર્ચાએ વડાપ્રધાન મોદી પર ગંભીર આરોપ લગાવતા ટ્વિટ કર્યું કે, પ્રથમ વખત દેશમાં રૂપિયા લઈને રસી આપવામાં આવી રહી છે. જ્યારે અત્યાર સુધી તમામ રસીકરણ અભિયાન નિઃશુલ્ક ચલાવવામાં આવ્યા છે.

હેમંત સોરેનના આ ટ્વિટની ચારેકોર ચર્ચા થવા લાગી છે. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની હાલની પરિસ્થિતિ અંગે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને ફોન કર્યો હતો. વડાપ્રધાને આંધ્ર પ્રદેશ, તેલંગાણા સહિત અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે પણ ફોન પર વાત કરી હતી.

ઝારખંડ સરકારે કેન્દ્ર સરકાર પર મદદ ન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. ઝારખંડ સરકારે આરોપ લગાવ્યો હતો કે તેઓને કેન્દ્ર સરકાર તરફથી કોરોનાકાળમાં મદદ નથી મળી રહી. આરોગ્ય સેક્રેટરી અરુણ સિંહના જણાવ્યા અનુસાર ઝારખંડને માત્ર 2181 રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. રાજ્ય સરકાર પોતાની રીતે બાંગ્લાદેશથી 50 હજાર ઇન્જેક્શન મગાવવા માગે છે પરંતુ કેન્દ્ર સરકારે હજુ સુધી તેની મંજૂરી આપી નથી.

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને વડાપ્રધાન પર આરોપ લગાવ્યો એ પહેલાં છત્તીસગઢના મુખ્યમંત્રી પણ વડાપ્રધાન પર આરોપ લગાવીચુક્યા છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકને લઈને કટાક્ષ કર્યો હતો. ભૂપેશ બઘેલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જે બેઠક થાય છે તે વન-વે હોય છે, અમારા સવાલનો સામેથી કોઈ જવાબ નથી મળતો.

add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments