Homeદે ઘુમા કેબોલફાડ બેટીંગ : સોફી ડિવાઈને 36 બોલમાં સેન્ચુરી ફટકારી ઈતિહાસ રચી દીધો

બોલફાડ બેટીંગ : સોફી ડિવાઈને 36 બોલમાં સેન્ચુરી ફટકારી ઈતિહાસ રચી દીધો

Team Chabuk-Sports Desk : ક્રિકેટમાં પુરુષોનું વર્ચસ્વ છે. એટલે મહિલા ક્રિકેટરો દ્વારા બોલના છોતરા ઉડાવી નાખતો રેકોર્ડ બનાવવામાં આવે તો પણ કોઈ ધ્યાન નથી દેતું. સમાચાર નથી બનતા. હેડલાઈન નથી બનતી. બ્રેકિંગ પ્લેટો વાઈરલ નથી થતી.

મહિલા ક્રિકેટરોના ગ્લેમરની જેટલી ચર્ચા થાય છે એટલી તેના બેટ અને બોલ દ્વારા મેદાન પર રચાયેલા રેકોર્ડની નથી થતી. પણ હવે ચર્ચા કરવી પડે એમ છે. ચર્ચા એટલા માટે કરવી પડે એમ છે, કારણ કે ન્યૂઝીલેન્ડની સ્ટાર ક્રિકેટર સોફી ડિવાઈને માત્ર 36 બોલમાં સેન્ચુરી ફટકારી દીધી છે. મહિલા ટી ટ્વેન્ટી ઈતિહાસની આ સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરી છે.

હવે સેન્ચુરી ક્યારે ફટકારી અને કોની સામે ફટકારી તેની વાત કરીએ. સોફિ ડિવાઈને વેલિંગ્ટનની ટીમ તરફથી રમતા ઓટેગો સ્પાર્ક્સ સામે 108 રનની નોટ આઉટ ઈનિંગ રમી હતી. ઈનિંગ દરમિયાન તેણે 9 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી વિરોધી ટીમ દ્વારા આપવામાં આવેલું 129 રનનું લક્ષ્ય માત્ર 8.4 ઓવરની અંદર પ્રાપ્ત કરી લીધું હતું. વિરોધી ટીમની સ્થિતિ ગલી ક્રિકેટ જેવી થઈ ગઈ હતી. ટીમમાં કોઈ પેસ બોલર જ ન હોય અને ડેબ્યુ ટીમ સામે રમી રહી હોય તેવી મેદાનમાં સ્થિતિ હતી. આ કારણે જ ઓટેગો સ્પાર્ક્સનો દસ વિકેટથી શરમજનક પરાજય થયો છે.

આક્રામક ઈનિંગ ફટકાર્યા બાદ મીડિયા સાથે વાત કરતા સોફી ડિવાઈને કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાંથી પરત ફરીને 14 દિવસ સુધી આઈસોલેશનમાં રહેવાના કારણે તે ખૂબ જ નર્વસ અનુભવી રહી હતી. 14 દિવસના ગેપ વિશે તેણે કહ્યું હતું કે, તમે 14 દિવસના અંતરાલ સુધી તમારી રમતથી દૂર રહો છો તો તમે નર્વસ થઈ જાઓ છો કે મેદાનમાં તમે કમબેક કરી શકશો કે નહીં.

ડિવાઈનની એક સિક્સનો પ્રહાર એવો થયો કે દર્શકગણમાં બેઠેલી એક છોકરીના ગાલમાં વાગ્યો હતો અને તે ઘાયલ થઈ હતી. બાદમાં સોફીએ પણ તેની નજીક જઈ તેની સ્થિતિ વિશે જાણ્યું હતું, જેની સોશિયલ મીડિયા પર લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.

સોફી ડિવાઈન પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝની ડિએન્ડ્રા ડોટિનના નામે હતો. વર્ષ 2010માં સાઉથ આફ્રિકા વિરૂદ્ધ રમતા તેણે 38 બોલમાં સેન્ચુરી ફટકારી હતી. સોફી ડિવાઈન હાલ 31 વર્ષની છે અને સુપર સ્મૈશ ટૂર્નામેન્ટની સિઝનનો પહેલો મેચ રમી રહી છે. ડિવાઈને ઓસ્ટ્રેલિયામાં મહિલા બિગ બેશમાં પણ ભાગ લીધો હતો. સુપર સ્મૈશની સિઝનના પહેલા મેચમાં જ તેણે તાબડતોડ બેટીંગ કરી વિરોધીઓને પોતાના ફોર્મનો પરચો આપી દીધો છે. જેથી આવનારા મેચમાં પણ સોફીના બેટ પર સૌની નજર રહેશે.

ઓવરઓલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરીની જો વાત આવે તો એ કિર્તીમાન વેસ્ટ ઈન્ડિઝના બોલફાડ અને તોફાની બેટ્સમેન ક્રિસ ગેલના નામે છે. 2013ની આઈપીએલમાં તેણે માત્ર 30 બોલમાં સેન્ચુરી ફટકારી દીધી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments