Homeદે ઘુમા કેઈતિહાસ રચવાની તક: આવતીકાલે મહિલા અંડર-19 વર્લ્ડકપની ફાઇનલ મેચ

ઈતિહાસ રચવાની તક: આવતીકાલે મહિલા અંડર-19 વર્લ્ડકપની ફાઇનલ મેચ

Team Chabuk-Sports Desk: આવતીકાલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મહિલા અંડર-19 વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાશે. આવતીકાલે (29 જાન્યુઆરી) ભારતીય અંડર-19 મહિલા ટીમ માટે ખૂબ જ ખાસ દિવસ હશે. આ દિવસે શેફાલી વર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ પાસે ઈતિહાસ રચવાની અને પોતાના દેશ માટે વર્ષનો પહેલો વર્લ્ડકપ જીતવાની સુવર્ણ તક છે.

દક્ષિણ આફ્રિકામાં ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડકપ યોજાઇ રહ્યો છે. ભારત તેની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. આ ટાઈટલ મેચ રવિવારે (29 જાન્યુઆરી) ભારતીય સમય અનુસાર સાંજે 5:15 વાગ્યાથી પોચેફસ્ટ્રુમના સેનવેસ પાર્કમાં રમાશે. આ મેદાન પર ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે સેમીફાઇનલ રમી હતી, જેમાં તેણે 8 વિકેટે જીત મેળવી હતી. ઈંગ્લેન્ડની ટીમ આ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. તેણે ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, આયરલેન્ડ, રવાન્ડા, પાકિસ્તાન અને ઝિમ્બાબ્વેને હરાવ્યા છે.

ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં સેમીફાઈનલ સહિત 6 મેચ રમી છે, જેમાં તેણે 5માં જીત મેળવી છે. ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ (સેમીફાઈનલ), શ્રીલંકા, સ્કોટલેન્ડ, UAE અને દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે.

ICC અંડર-19 T20 વર્લ્ડકપની આ પ્રથમ સિઝનમાં 18 વર્ષની ભારતીય બેટ્સમેન શ્વેતા સેહરાવતે ધૂમ મચાવી છે. તેણે ટૂર્નામેન્ટમાં 6 મેચ રમી જેમાં તેણે સૌથી વધુ 292 રન બનાવ્યા. શ્વેતા ટૂર્નામેન્ટમાં ટોપ સ્કોરર છે. બીજા નંબર પર કેપ્ટન શેફાલી છે જેણે 6 મેચમાં 157 રન બનાવ્યા છે. શેફાલી પણ સિનિયર ટીમની મહત્વની સભ્ય છે.

બોલિંગમાં લેગ સ્પિનર ​​પાર્શ્વી ચોપડાએ ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધી 5 મેચમાં 9 વિકેટ ઝડપી છે. પાર્શ્વી સેમીફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ રહી હતી. તેણે 20 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. શ્વેતાએ ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં 45 બોલમાં અણનમ 61 રન બનાવ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments