Homeદે ઘુમા કેખુશીના આંસુઃ રોહિત રડ્યો, કોહલી રડ્યો, હાર્દિક પણ રડ્યો, હાર્દિકે કહ્યું, "પિતા...

ખુશીના આંસુઃ રોહિત રડ્યો, કોહલી રડ્યો, હાર્દિક પણ રડ્યો, હાર્દિકે કહ્યું, “પિતા જીવિત હોત તો ખૂબ ખુશ થયા હોત”

Team Chabuk-Sports Desk: આ દિવાળી ભારત માટે ખૂબ યાદગાર છે. દિવાળીના એક દિવસ પહેલાં ભારતીય ટીમે ક્રિકેટના મેદાન પર પાકિસ્તાનને ઘૂંટણીયે પાડ્યું અને હારેલી મેચને જીતમાં પરિવર્તિત કરી. આ મેચની કેટલીક એવી ક્ષણો છે જે ઈતિહાસમાં યાદ રખાશે. પેઢીઓ સુધી આ મેચની ચર્ચાઓ થશે. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાના વખાણ થશે.

મેચ શરૂ થવાની હતી ત્યારે રોહિત ભાવુક થયો. રાષ્ટ્રગીત ગાતા સમયે તેના ચહેરા પરના હાવભાવ કંઈક અલગ જ હતા. તેણે 93 હજાર લોકોની સામે રાષ્ટ્રગીત ગાતા-ગાત માંડ માંડ પોતાની લાગણીઓ પર કાબૂ રાખ્યો. જે જોઈને જ લાગી રહ્યું હતું કે કેપ્ટન તરીકે તેના માટે આ મેચ કેટલી મોટી છે. કારણ કે મેદાનમાં ઉમટેલી જનમેદનીમાં 90 ટકા જેટલા લોકો ભારતને સપોર્ટ કરવા આવ્યા હતા.

મેચ પહેલાં ટીમનો એક ખેલાડી ભાવુક થઈ ચુક્યો હતો. મીડલ ઓવરમાં મેદાન પર ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓના પગ લથડિયા ખાઈ રહ્યા હતા એટલે કે, પાકિસ્તાની બોલર્સ ભારતીય ખેલાડી પર હાવી થઈ રહ્યા હતા. એવા સમયે હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીએ જવાબદારી સંભાળી અને ભારતીય ટીમની ડૂબતી નાવને કિનારા તરફ દોરી. એટલું જ નહીં એક સમયે લક્ષ્ય સુધી પહોંચવું અશક્ય લાગતું હતું તેને શક્ય કરી બતાવ્યું. વિરાટ ન માત્ર ક્રિઝ પર ઉભો રહ્યો પરંતું જ્યારે ટીમને જરૂર હતી ત્યારે છગ્ગા અને ચોગ્ગા ફટકારી પાકિસ્તાની બોલર્સની કમર તોડી નાખી.

મેચની છેલ્લી ઓવર સુધી તમામ ભારતીયના શ્વાસ અધ્ધર રહ્યા અને આખરે વિરાટની ‘વિરાટ’ ઈનિંગથી ભારતે પાકિસ્તાન સામે 4 વિકેટે જીત મેળવી. બસ આ જ ક્ષણ યાદગાર હતી. લોકો ખુશીથી ઝુમી રહ્યા હતા. તો ભારતીય ક્રિકેટ ટીમનો હીરો કિંગ કોહલી જીત બાદ ભાવુક થઈ ગયો હતો. જ્યારે રોહિત શર્માએ તેને ખભા પર ઉઠાવી લીધો હતો. તો મેચ જીત્યા બાદ પણ રોહિત ભાવુક થયો હતો અને જીતની ખુશીમાં તેની આંખ ભરાઈ ગઈ હતી.

મેચ બાદ વિરાટ કોહલીએ કહ્યું હતું કે, અત્યાર સુધી હું માનતો હતો કે, ઓસ્ટ્રેલિયા સામેની મારી ઈનિંગ સર્વશ્રેષ્ઠ છે જો કે, આજથી હું માનું છું કે, પાકિસ્તાન સામેની આ ઈનિંગ મારા માટે શ્રેષ્ઠ છે.

ભાવુક થયેલા વિરાટને જોઈને પ્રખ્યાત કોમેન્ટેટર હર્ષા ભોગલેએ તેના માટે ટ્વીટ કર્યું અને લખ્યું, ‘હું ઘણાં વર્ષોથી વિરાટ કોહલીને જોઈ રહ્યો છું. મેં તેને ક્યારેય આંસુમાં જોયો નથી, પરંતુ આજે મેં જોયો છે. આ એક ક્ષણ છે જે ક્યારેય ન ભુલાય.

તો હાર્દિક પંડ્યા પણ પોતાના પિતાને યાદ કરીને રડી પડ્યો હતો. તેણે કહ્યું હતું કે, ‘મેં મેચ પહેલાં રાહુલ સરને કહ્યું કે, હું દસ મહિના પહેલાં જ્યાં હતો અને અત્યારે જ્યાં છું તે મોટી વાત છે. હું તેની માટે મહેનત કરી રહ્યો છું. આ ઈનિંગ મારા પિતા માટે છે. તેઓ અહિંયા હોત તો ખૂબ જ ખુશ હોત. જો મને રમવાની તક ન મળતી તો હું અહિંયા કેવી રીતે હોત. મારા પિતાએ ઘણા ત્યાગ કર્યા છે. તેમણે અમારી માટે બીજા શહેર જવાનું નક્કી કર્યું. જ્યારે હું અને મારો ભાઈ છ વર્ષના હતા, ત્યારે તેમણે શહેર બદલ્યું હતું. હું હંમેશાં પિતાનો આભારી રહીશ’.

હાર્દિક પંડ્યાએ કહ્યું- ‘આજે પહેલી મેચ હતી એટલે ખૂબ મહત્વની હતી અને તે પણ પાકિસ્તાન વિરુદ્ધ. મેં અને વિરાટે ભલે સારું પ્રદર્શન કર્યું પણ જીતમાં બધાનું યોગદાન હતું. અર્શદીપ, શમી, ભુવનેશ્વરની બોલિંગ શાનદાર હતી. સૂર્યાના ચોગ્ગા મહત્વપૂર્ણ હતા’.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments