Homeગુર્જર નગરીમૂળ સુરતના જામનગર SRPમાં ફરજ બજાવતા એજાઝે અનિલ બનીને વડોદરાની મહિલાને પ્રેમજાળમાં...

મૂળ સુરતના જામનગર SRPમાં ફરજ બજાવતા એજાઝે અનિલ બનીને વડોદરાની મહિલાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજાર્યું હોવાનો આરોપ

Team Chabuk-Gujarat Desk: વિધર્મી યુવક દ્વારા પોતાની સાચી ઓળખ છુપાવીને હિન્દુ મહિલાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ ગુજાર્યું હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતમાં રહેતા અને જામનગરમાં એસઆરપી જવાન તરીકે ફરજ બજાવતા એજાઝ શેખ નામના શખ્સે સોશિયલ મીડિયામાં અનિલ પરમાર નામે મહિલાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને મિત્રતા કેળવી હતી અને બાદમાં તેને પ્રેમજાળમાં ફસાવીને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી મહિલાનું કહેવું છે કે, એજાઝ શેખ તેને વડોદરાના સયાજીગંજમાં આવેલી હોટલ અને સુરતમાં તેના ઘરે લઈ જઈને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.

મહિલાનો આરોપ છે કે એજાઝ શેખે તેની સાથે મારપીટ કરી વીડિયો વાઇરલ કરવાની ધમકીઓ આપતો હતો. આ કામમાં એજાઝને તેની માતા અને બહેન પણ સાથ આપતા હોવાનો મહિલાએ આરોપ લગાવ્યો છે. વડોદરા શહેરમાં પૂર્વ વિસ્તારમાં રહેતી મહિલાએ સુરત સલાબતપુરાના અલકબીર કોમ્પલેક્ષમાં રહેતા અને જામનગરમાં એસઆરપી જવાન તરીકે ફરજ બજાવતા મોહમંદ એજાઝ ઈકબાલ શેખ, તેની માતા અને બહેન સુમૈયા સામે ફરિયાદ નોંધાવી છે.આથી પોલીસે મહિલાની ફરિયાદના આધારે એજાઝ શેખ, તેની માતા અને બહેન સામે દુષ્કર્મ અને ધમકીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેનો પતિ દુબઈ રહે છે. જૂન 2020માં એજાઝે સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. મહિલાએ રિક્વેસ્ટ સ્વીકારી લેતાં બન્ને વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો હતો. વાતચીત દરમિયાન એજાઝે પોતે હિન્દુ હોવાની ઓળખ આપી હતી અને તેનું નામ અનિલ પરમાર હોવાનું કહ્યું હતું. એજાઝે મહિલાને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાનો વાયદો આપ્યો હતો. બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા એજાઝ વારંવાર વડોદરા આવવા લાગ્યો હતો. આ દરમિયાન એજાઝે મહિલા સમક્ષ લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ મહિલાએ કહ્યું હતું કે, તે પરિણીત છે અને બાળકો પણ છે તેથી હું લગ્ન નહીં કરું. તેમ છતાં એજાઝે કહ્યું હતું કે, હું તારા પતિથી છૂટાછેડા કરાવી દઈશ અને તારા બાળકોને પણ સ્વીકારી લઈશ. આમ લગ્નની લાલચ આપીને એજાઝે મહિલાના ઘરે આવીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી ચંદન હોટેલમાં લઈ જઈને પણ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો મહિલાનો આરોપ છે. આ ઉપરાંત એજાઝ તેના સુરત સ્થિત ઘરે લઈ ગયો હતો અને ત્યાં પણ શારીરિક સંબંધો બાંધ્યા હતા. ધીમે ધીમે એજાઝે પોતાનો અસલી રંગ દેખાડવાનું શરૂ કર્યું હતું. મહિલાનો આરોપ છે કે, એજાઝે તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવા દબાણ કરી હિન્દુ ધર્મ વિરુદ્ધ ટીપ્પણી કરીને માર માર્યો હતો. બ્લેક મેઈલ કરીને ફોટા અને વીડિયો વાઇરલ કરી દેવાની ધમકીઓ પણ આપી હતી. સમગ્ર મામલે વડોદરા સિટી પોલીસે ગુનો નોંધી તપાસ આગળ વધારી છે.

પોલીસ સૂત્રોનું કહેવું છે કે, એજાઝ શેખ જામનગર એસઆરપીમાં ફરજ બજાવે છે. તપાસ કરતાં જાણવા મળ્યું કે તે રજા પર ઉતરી ગયો છે. પોલીસ એજાઝને પકડવા સુરત પણ પહોંચી હતી પરંતુ ત્યાં પણ એજાઝ મળી આવ્યો ન હતો. મહિલાના આરોપ પ્રમાણે એજાઝે 11 મહિના સુધી મહિલાને સયાજીગંજની ચંદન હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. તેણે હોટેલમાં ઓળખપત્ર દેખાડ્યું ત્યારે મહિલાને જાણ થઈ હતી કે, એજાઝ મુસ્લિમ છે. આમ છતાં એજાઝે મહિલાને કહ્યું હતું કે, હું ભલે મુસ્લિમ છું પણ હિન્દુ ધર્મ અપનાવી લઈશ. હું અનિલ પરમાર તરીકે જ બધે ઓળખાવ છું. પરંતુ એજાઝે આમ કર્યું ન હતું. મહિલાએ કહ્યું કે, એજાઝ તેને સુરત સ્થિત ઘરે લઈ ગયો ત્યારે તેના પરિવારજનોએ પણ કહ્યું હતું કે, તારે હિન્દુમાંથી મુસ્લિમ ધર્મ અપનાવવો પડશે. બુરખો પહેરીને કુરાનના કલમા પઢવા પડશે. ઘરમાં રહેવું હોય તો માતાજી કે ભગવાનનું નામ નહીં લેવાનું, ફક્ત અલ્લાહનું નામ જ લેવાનું.

મહિલાના કહેવા પ્રમાણે, એજાઝે મહિલાને કહ્યું હતું કે, તારા જેવી 6 હિન્દુ છોકરીઓને ફસાવી સંબંધ બાંધ્યા છે અને તમામ છોકરીઓ લગ્ન કરવા તૈયાર છે. તે હિન્દુ છોકરીઓને બ્લેકમેઈલ કરીને ફોટા વાઇરલ કરવાની ધમકી આપીને પૈસા પડાવતો હતો. મારી પાસેથી 20 હજારના 2 ફોન પણ ગિફ્ટ તરીકે લીધા છે અને આર્થિક મદદ પણ મેળવી છે.

મહિલાએ વધુ આરોપ લગાવતા પોલીસને કહ્યું હતું કે, એજાઝે તેમના સંબંધની જાણ તેના પતિને પણ કરી દીધી હતી જેથી તેમના લગ્ન જીવનમાં તિરાડ પડી છે. મહિલાએ તેના પતિને જાણ કરવાની ના પાડી હોવા છતાં એજાઝે કહ્યું હતું કે, આપણે લગ્ન કરવાના છીએ તેથી તારો સંસાર તોડવો જરૂરી છે. મહિલાનો સંસાર તૂટી જતાં તેણે એજાઝને તેના ઘરે લઈ જવાનું કહ્યું હતું. પરંતુ એજાઝે જવાબ આપ્યો હતો કે હું એસઆરપીમાં હોવાથી મારી નોકરી ફરતી રહે છે. સુરત સ્થિત એજાઝના ઘરે મહિલાને લઈ જતાં તેના પરિવાર કહ્યું હતું કે, તમારે જે રીતે લગ્ન કરવા હોય એ રીતે કરો.

પ્રથમ દ્રષ્ટિએ આ બનાવ લવ-જેહાદનો લાગી રહ્યો છે પરંતુ ડીસીપી લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ફરિયાદ પ્રમાણે મહિલાને ધર્મ માટે દબાણ કરાયું નથી તેથી લવ જેહાદ મુજબ ગુનો દાખલ નથી કરાયો પરંતુ તપાસ દરમિયાન જો કોઈ હકીકત જાણવા મળશે તે ચોક્કસ તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments