Homeગુર્જર નગરીગમે ત્યારે આપણે આ કાર્ય તો શરૂ કરવાનું જ છે : ભુપેન્દ્રસિંહ...

ગમે ત્યારે આપણે આ કાર્ય તો શરૂ કરવાનું જ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

Team Chabuk-Gujarat Desk : 10 મહિના બાદ આખરે 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ તેમજ UG અને PGના છેલ્લા વર્ષના ક્લાસ શરૂ થઈ ગયા છે. સ્કૂલોએ પણ તમામ વ્યવસ્થા કરી લીધી છે. બાળકોને બેસાડવા સહિત અન્ય વાતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પહેલાં દિવસે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સારી સંખ્યા જોવા મળી. વિદ્યાર્થીઓએ માસ્કના નિયમોનું પણ પાલન કર્યું.

ભુપેન્દ્રસિંહનો વિદ્યાર્થીઓ અને વાલીઓને સંદેશ

બાળકો દિવસ દરમિયાન વર્ગખંડમાં બેસે તો 9 અને 11 નથી એટલે આપણી પાસે વધારાના વર્ગો છે. એટલે એસઓપીના નિયમ પ્રમાણે અંતર રાખીને બેસવાનું, રિસેસમાં ભેગા નહીં થવાનું, પોતાના ઘરેથી નાસ્તો લાવ્યા હોય તો અલગ-અલગ બેસીને ખાવાનું, સાબુથી હાથ ધોવાના આ બધી જ વ્યવસ્થા. મારે વાલીઓને કહેવું છે, મારે વિદ્યાર્થીઓને કહેવું છે કે કોઈ પણ પ્રકારની ચિંતા ન રાખે, શંકા ન રાખે. ગમે ત્યારે આપણે આ કાર્ય તો શરૂ કરવાનું જ છે.

ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણમંત્રી

વાલીઓનો મિશ્ર પ્રતિસાદ

શાળા શરૂ થઈ છે એ સારી વાત છે. પરંતુ વાલીઓ પર જવાબદારી થોપવી એ ખોટું છે. બાળકોનું આ વર્ષ મહત્વપૂર્ણ છે એટલે મોટાભાગના વાલીઓ તો બાળકોને સ્કૂલે મોકલવાના જ છે. પરંતુ સરકારે સામેથી જવાબદારી સ્વીકારવી જોઈએ કે, જો વિદ્યાર્થીઓને કંઈ પણ થાય તો તેની સારવારની જવાબદારી સરકાર લેશે. કારણ કે આપણે એવા અનેક સમાચાર સાંભળ્યા છે કે, સ્કૂલ શરૂ થયા પછી એક સાથે 25, 50 કે 100 વિદ્યાર્થીઓ એક સાથે સંક્રમિત થયા હોય.
-ગુંજનબેન કાપડિયા, વાલી (અમદાવાદ)

હું માનું છું કે હજુ આ નિર્ણય ઉતાવળિયો છે. કારણ કે, હાલ કોરોના વાઇરસનો જે નવો સ્ટ્રેન આવ્યો છે તે પહેલા વાઇરસ કરતા ઝડપથી ફેલાઈ રહ્યો છે. સાથે જ સ્કૂલમાં આટલો સ્ટાફ હોય છે, ટેસ્ટ કર્યા બાદ જો કોઈ વ્યક્તિ સંક્રમિત થયો હોય તો એ તો ખબર નથી જ પડવાની. હજુ થોડી રાહ જોવાની જરૂર હતી.
-રાકેશભાઈ મકવાણા, વાલી (અમદાવાદ)

સરકારનો નિર્ણય સારો છે. આપણે આપણા બાળકોને આજે નહીં તો કાલે સ્કૂલે મોકલવાના જ છે. બસ બાળકો અને સ્કૂલનો સ્ટાફ નિયમોનું ચુસ્ત પાલન કરશે તો કોરોના દૂર જ રહેશે. અને આમ પણ રાજ્યમાં હવે કોરનાના કેસ ઘટી રહ્યા છે. એટલે બહુ ચિંતા જેવું નથી. 10-10 મહિનાથી ઘરમાં રહીને બાળકોના મન પર પણ અસર થઈ છે. ઉપરાંત જે અભ્યાસ સ્કૂલમાં ફિઝિકલી થઈ શકે છે એ ઓનલાઈન શક્ય નથી. ઓનલાઈનમાં કેટલાય અવરોધ આવ્યા છે.
-મહેશભાઈ રાવલ, વાલી (સુરત)

વિદ્યાર્થીઓએ શું કહ્યું ?

સારુ લાગે છે. આટલા દિવસ પછી સ્કૂલ ખુલી છે. ઘરે ને ઘરે લાઈફ બોરિંગ થઈ ગઈ હતી. મિત્રો સાથે રૂબરૂ મળવાનું થયું એટલા દિવસનો થાક જાણે હવે દૂર થઈ ગયો છે. પપ્પા મમ્મીની સંમતિ લઈને સ્કૂલે આવી છું. અમે સ્કૂલમાં નિયમોનું ચુસ્ત પાલન કરીશું.
-ચાંદની ઘાડિયા, ધોરણ 12ની વિદ્યાર્થિની (રાજકોટ)

લાંબા સમય પછી સ્કૂલના દરવાજા જોયા. ઓનલાઈન ભણવાની મજા જ ન હતી આવતી. ક્યારેક નેટના પ્રોબ્લેમ તો ક્યારેક અન્ય કારણોસર અભ્યાસ થઈ ન હતો શકતો. નિયમોનું પાલન કરીને ભણીશું.
-સમીર પટેલ, વિદ્યાર્થી (રાજકોટ)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments