ઝાલાવાડી જલજીરા : દૂરદર્શન પર ઈસી બહાને નામની સિરીયલ આવતી હતી. એ સિરીયલમાં મોહનિશ બહલ, શહીદ જાફરી, કિરણ ખેર જેવા મંજાયેલા કલાકારો હતા. શહીદ જાફરીને છોડતા બીજા તમામ કલાકારો એકલદોકલ હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા હતા. ફિલ્મની વાર્તા કંઈક એવી હતી કે રાય બહાદુર પોતાનાથી 30 વર્ષ નાની છોકરી સાથે સગપણ કરી ઘરે લાવ્યા છે. રાય બહાદુર પાસે સંપત્તિની ઉણપ નથી. એ રસ્તા વચ્ચે ખિસ્સામાં હાથ નાખી પૈસા કાઢી ઉડાવી શકે એટલા સમૃદ્ધ અને માલેતુજાર છે. હકીકતે પોતાના સંતાનોની સંભાળ રાખવા માટે બહાદુરજી નવી પત્ની લાવ્યા હોય છે. એમણે પત્નીને એક ડાયમન્ડ નેકલેસ આપ્યો હોય છે.
એવામાં એક મુશાયરાનું આયોજન થાય છે. બહાદુર સાહેબે પોતે જ મુશાયરો યોજ્યો છે. તેમાં બે ચોરની એન્ટ્રી થાય છે. જેને એ હાર લૂંટવો છે. ખબર પડે છે કે હજુ એક વ્યક્તિને હાર લૂંટવો છે. ખબર પડે છે કે એમના પોતાના દીકરાને પણ ચોરી કરી ઘરમાં જ ધાડ પાડવી છે. એ સિવાય એક ઈન્ટરનેશનલ ઓડિટર છે તેને પણ હાર ચોરી કરવો છે. કોણ છે એ ઈન્ટરનેશનલ ઓડિટર ? એ ઓડિટરનો રોલ અનુ અગ્રવાલે પ્લે કર્યો હતો.
સમાજશાસ્ત્ર વિષયમાં બી.એની ડિગ્રી લઈ મોડલિંગની શરૂઆત કરનારી અનુ અગ્રવાલે આ સિરીયલથી એક્ટિંગની શરૂઆત કરી હતી. હીટ તેના ખાતમાં એક જ રહી અને કદાચ તેના સિવાય તે કોઈ ફિલ્મ કરેત તો પણ યાદ ન રહેત. આજે કોઈને કહેવાની જરૂર નથી કે એ એક હીટનું નામ આશિકી છે.
વચ્ચે આત્મકથાના કારણે અનુ અગ્રવાલ ચર્ચામાં આવી હતી. પત્રકારોએ તેના પર કલમ ઢસડી હતી. તેને પુન:જીવંત કરી હતી, પણ અનુ અને તેનો હીરો પણ ઈન્ડસ્ટ્રીમાં બ્લોકબસ્ટર હીટ આપ્યા છતાં એટલા ટક્યા નહીં. એ વન મુવી મટીરીયલ હતા. કાયમ માટે આંખોમાં વસી જાય. એ ચિત્રનું વિલોપન ન થાય. એવી એ બંનેની આભા હતી.
આશિકી રિલીઝ થયા પછી રાહુલ રોય પણ થોડા વર્ષોનો અતિથી રહ્યો. તેણે બિગબોસની પહેલી સિઝન જીતી લીધી. હમણાં ફરી સમાચારોની હેડલાઇન બનેલો. ફિલ્મ રસીયાઓને તો ખ્યાલ જ હશે? આપણે વાત કરવાની છે અનુ અગ્રવાલની. રાહુલ રોયને તો ફિલ્મો મળી પણ અનુ સાથે શું થયું ? એ શું કામે ઈન્ડસ્ટ્રીમાં સર્વાઈવ ન કરી શકી.
આશિકી ફિલ્મ રિલીઝ થઈ અને અનુ એક જ રાતમાં સુપરસ્ટાર બની ગઈ. તેની પાછળ પ્રોડ્યુસર્સ પડી ગયા. ડિરેક્ટર તારીખો માગવા લાગ્યા. હીરોઈનોમાં જ્વલ્લેજ જ જોવા મળતી આ ઘટના હતી. અનુએ એ પણ માણ્યું. ફક્ત 1995ની સાલ સુધી. એ પછી તે કહેવાતા સ્વર્ગથી દૂર ચાલી ગઈ.
1999ની સાલમાં અનુનું એક્સિડન્ટ થયું. અકસ્માતના કારણે તે 29 દિવસ સુધી કોમામાં રહી હતી. 29 હાડકા ભાંગી ગયા હતા. બસ અનુની આટલી જ વાર્તા છે. અનુએ તેની આત્મકથામાં વેદનાને કલમથી મઢી છે. આત્મકથાનું નામ છે ‘અનુ’યુઝયલ. એ છોકરીની યાદો જે મોતના મુખમાંથી પરત ફરી. અલબત્ત મેં તો આ ગુજરાતીમાં કર્યું છે. અંગ્રેજીમાં છે Anusual: Memoir of a Girl Who Came Back from the Dead.
અનુને કોઈ દિવસ બોલિવુડમાં આવવું જ નહોતું. મહેશ ભટ્ટના હઠાગ્રહના કારણે તેણે બોલિવુડની સીડી ચડી અને સમય જતા ઉતરી પણ ગઈ. એ ઈચ્છેત તો 2005 સુધી આરામથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકચક્રિય શાસન ભોગવી શકેત. ત્યાં સુધી કે કોઈ પણ અભિનેત્રીને તે પગપેસારો ન કરવા દેત. પણ તેણે એવું કર્યું નહીં. જગ્યા કેટલી સુરક્ષિત છે તેની ખબર એ જગ્યામાં રહેનારને હોય છે. અનુને આ બધી મોહમાયાથી દૂર ચાલ્યા જવું હતું. મહેશભટ્ટનો એ હઠાગ્રહ નહોત તો અનુ પણ નહોત.
હું અનુને જોઉં છું. આશિકી ફિલ્મની એ છોકરી જે પ્રેમમાં પડી છે પણ કંઈ કહી નથી શકતી. તેને આ દુવિધામાંથી છૂટકારો મેળવવો છે પણ તેની જીભ કાયમ માટે સિવાઈ ગઈ છે. તેમાં મને એક થા દિવાનાની ફર્સ્ટ હાફવાળી જેસ્સીના દર્શન થાય છે. એ પણ બોલતી નથી આશિકીની અનુ પણ બોલતી નથી. એ હીરોને દોડાવવા માગે છે. મારા પ્રેમમાં તે કેટલો પાગલ છે તેનું ક્ષણે ક્ષણે પ્રમાણ માગે છે. એ તૂટે છે. હીરો તેને વારંવાર પોતાના પ્રેમની અનુભૂતિ કરાવ્યા કરે છે પણ હીરોઈન નથી માનતી. છોકરાના ચહેરા સામે છોકરીઓના હાવભાવ કંઈક અલગ હોય છે અને છોકરાથી વિખૂટા પડ્યા પછી ગાદલા ઉપર દોડીને ધડાંગ પડી રડવા લાગે ત્યારે પણ કંઈક અલગ. 90માં તો આવું જ થતું!!
મહેશ અનુને જ લેવા માગતા હતા. એક વર્ષ સુધી સતત તેમણે આ ફિલ્મની પટકથામાં કાટછાટ કર્યા કરી હતી. આટલી કાપાકાપીમાં બધા બદલાયા પણ અનુ ન બદલી. ફિલ્મ રિલીઝ થઈ તો કોલેજમાં બે ઘટના બની. દરેક છોકરો પોતાની પ્રેમિકામાં અનુના દર્શન કરવા લાગ્યો અને દરેક છોકરી રાહુલ રોયને પતિ તરીકે જોવા માંડી. એ વખતે રીક્ષામાં ટેપ રાખવાનું માહાત્મ્ય હતું. કોઈ રીક્ષામાં તો જ બેસતા જો ટેપ હોય અને ટેપની સાથે આશિકીની કેસેટ હોય. લોકપ્રિયતા શબ્દનું અપભ્રંશ થઈ અનુપ્રિયતા થઈ ગયું હતું. 2021ની સાલમાં પણ એક રીક્ષા આશિકી અને અનુપ્રિયતાના જમાનાની તમને જડી જશે. શોધો તો ભગવાન પણ મળી જાય ત્યાં આ તો ‘અનુપ્રિયતા’ છે!!
અનુ માનતી હતી કે તે ફિલ્મ જગતના ત્રિકોણમાં એ ફિટ નથી બેસતી. તેણે The Door Cloud નામની ફિલ્મ કરી હતી. એ ફિલ્મમાં અનુએ શરીર પરના તમામ વસ્ત્રો ઉતારી દીધા હતા. 8 ફિલ્મો જૂની અનુએ બોલિવુડ છોડી દીધું. તેણે યોગા કેમ્પસ જોઈન કરી લીધું. ચાર જ વર્ષમાં 2 ઓક્ટોબર 1999ના રોજ સાઉથ મુંબઈમાં તેની કારને અકસ્માત નડ્યો. 29 દિવસ પછી તે કોમામાંથી બહાર આવી. ફરી યોગા. બિહારમાં યોગા અને મેડિટેશનના ક્લાસિસ ખોલ્યા. 2015માં ફરી સામે આવી. આત્મકથા લખી. આત્મકથાનું નામ ઉપર જણાવી ચૂક્યા છીએ. આજે એ અનુ અગ્રવાલનો જન્મદિવસ છે.
તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર