Team Chabuk- Gujarat Desk: ગુજરાતમાં રાજ્ય સરકાર શા માટે બેવડી નીતિ અપનાવી રહી છે ? એક તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ આવે છે અને કહે છે કે, લૉકડાઉન થવાનું નથી પરંતુ કેસ વધે છે એ સત્ય છે જેથી આપણે સાવધાન રહેવું પડશે. સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન કરવું પડશે, માસ્ક ફરજિયાત પહેરવું પડશે. એટલું જ નહીં તેઓ ચીમકી પણ આપે છે કે જો નિયમોનું ઉલ્લંઘન કરાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ સરકાર જ બેદરકાર બની રહી હોય તેવું લાગી રહ્યું છે.
હોળી-ધૂળેટી માટે સરકારે સૂચના આપી છે કે, આપણે મર્યાદીત રીતે તહેવારોની ઉજવણી કરીશું. હોળી પ્રગટાવીશું, તેની પ્રદક્ષીણા પણ કરીશું પરંતુ એ મર્યાદિત સંખ્યામાં રહીને. ધૂળેટીમાં રંગે રમવાની સરકારે ચોખ્ખી ના કહી દીધી છે. એટલે હોળીમાં રંગોનો વેપાર કરતાં વેપારીઓને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. તેમણે ખરીદી કરી લીધી હતી પરંતુ હવે ધૂળેટીમાં એક બીજાને રંગ લગાડવાનો જ નથી તો રંગોનું વેચાણ થશે ખરું ?
આ નિયમો જનતા માટે છે. નાના વેપારી માટે છે. જેનું કડક અમલ કરવાનું છે. બીજી તરફ નર્મદા જિલ્લામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને રજા હોવા છતાં ખુલ્લું રાખવામાં આવ્યું છે. ધૂળેટીના તહેવારમાં અહીં પ્રવાસીઓ જઈ શકશે. મજ્જા કરી શકશે. ત્યારે સવાલ એ છે કે, શું નર્મદામાં કોરોના પ્રવાસીઓને ઓળખે છે ? શું નર્મદામાં જતાં જ કોરોનાગ્રસ્ત દર્દી લાલ, પીળો કે લીલો થઈ જશે ? શું કોરોના અને સરકાર વચ્ચે અહીં ન આવવાની ડીલ થઈ છે ? શું કોરોનાએ નર્મદા જીલ્લામાં ન આવવા માટે લાંચ લીધી છે ? કે પછી કોરોના એટલો સમજુ છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ તો ન જવાય ત્યાં જઈશ તો સરકારની આવકમાં કાપ મુકાઈ જશે.
છે ને નવાઈની વાત. સામાન્ય રીતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સોમવારે બંધ રાખવામાં આવે છે. સોમવારે અહીં મેઈનટેનન્સની કામગીરી કરવામાં આવે છે. પરંતુ સોમવાર હોવા છતાં તે દિવસે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલ્લું રહેશે. અત્યારથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્રએ તૈયારી પણ શરૂ કરી દીધી છે. તંત્રને આશા છે કે, ધૂળેટીના દિવસે અહીં કુલ 25 હજાર જેટલા લોકો મુલાકાતે આવશે. હાલ તો તંત્ર એવું માનીને ચાલી રહ્યું છે કે, આ 25 હજાર મુસાફરમાંથી એક પણ વ્યક્તિ કોરોનાગ્રસ્ત નહીં હોય. તંત્રએ રહીં સેનેટાઈઝર અને થર્મલગનની વ્યસવ્થા કરી રાખી છે.
તંત્રની આવી બેવડી નીતિથી લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે એક તરફ તમે કડક નિયમોની વાતો કરી રહ્યા છો. બીજી તરફ આવક માટે લોકોનો જીવને જોખમાં પણ તમે મુકી રહ્યા છો. શું કેવડિયામાં હજારો લોકોની ભીડ થશે તો સોશિયલ ડિસ્ટંસિંગ રહેશે ?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત