Team Chabuk-Gujarat Desk: વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. આ વખતે ગુજરાતી ભવનના વિદ્યાર્થીઓએ મહિલા પ્રોફેસર દર્શિની દાદાવાલા પર આક્ષેપ લગાવ્યો છે કે તેઓ યોગ્ય સમયે ક્લાસિસ લેતા નથી અને માનસિક રીતે ટૉર્ચર કરે છે.
ઘટનાની વિગતો કંઈક એવી છે કે, મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટીનાં ગુજરાતી ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની ફરજ નિભાવતાં દર્શિની દાદાવાલા કામચોરી કરી રહ્યા હોવાનો અને વિદ્યાર્થીઓની માનસિક સતામણી કરતાં હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓએ લગાવ્યો હતો. આ ઘટના સબબ વિદ્યાર્થીઓએ ‘દર્શિની બહેનને દૂર કરો…’ સહિતના સૂત્રોચાર કરી આર્ટ્સ ફેકલ્ટીના ડિનને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, દર્શિની દાદાવાલા આપખુદશાહી દેખાડીને વિદ્યાર્થીઓને દાબમાં રાખે છે. એક જ દિવસમાં સમગ્ર અભ્યાસક્રમ આટોપી લે છે. પરીક્ષાના પેપર તપાસતા નથી તેમજ નક્કી કરેલા ટાઇમટેબલ પ્રમાણે પ્રોજેક્ટનો વાયવા પણ લેતાં નથી. સુપરવિઝન સમયે મનફાવે તેવું વર્તન આચરે છે. પરીક્ષા સમયે યુનિવર્સિટીની પરવાનગી લીધાં વગર કેમ્પસમાં પોલીસ તથા મીડિયાને બોલાવી વિદ્યાર્થીઓમાં ડરનું વાતાવરણ ઊભું કરે છે.

વધુમાં ગુજરાતી વિભાગ તરફથી આવેદન આપતાં વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષથી વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપે છે. બરાબર અભ્યાસક્રમ પૂર્ણ નથી કરવો અથવા તો એક જ દિવસમાં પૂર્ણ કરી નાખવો છે. પેપર તપાસવા નથી. પેપર કાઢવા નથી.
વિદ્યાર્થીઓનાં જણાવ્યા અનુસાર, આ ઘટનાને લઈ થોડાં દિવસ પૂર્વે જ એક ઘટના ઘટી હતી કે જ્યારે મહિલા પ્રોફેસરે ગ્રુપમાં વાયવાનો મેસેજ કરેલો, પણ જ્યારે સમય આવ્યો ત્યારે વાયવા લેવાની ના પાડી દીધી હતી. ડિન મેડમને બોલાવવા છતાં વાયવા લેવાનો ઘસીને ઇનકાર કરી દીધો હતો. આ કારણે ગુજરાતી ભવનના 27 વિદ્યાર્થીઓ સાંજ સુધી તડકામાં બેસવું પડ્યું હતું. આટલું ઓછું હોય તેમ વિદ્યાર્થીઓએ આક્ષેપ લગાવ્યા હતા કે તેઓ વારંવાર પોલીસની ધમકીઓ આપીને, પોતાની કેબિનમાં બોલાવીને, ઇન્ટરનલ પરીક્ષામાં ઓછાં માર્ક્સ આપીને, વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપી રહ્યા છે.
ગુજરાતી ભવનના અન્ય વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, વર્ગખંડમાં પ્રોફેસર નાની નાની બાબતોને લઈ વર્ગખંડમાંથી બહાર કાઢવાની ધમકી આપે છે. કોઈ સામાન્ય રીતે પગ હલાવે છતાં તેમને ડિસ્ટર્બ થાય છે. કોઈએ નખ વધાર્યા હોય તો મહિલા પ્રોફેસરને ગમતું નથી. સુપરવિઝન દરમ્યાન પણ તેઓ એક સ્થાને એકાગ્રચિત્તે બેઠાં રહે છે જ્યારે વિદ્યાર્થીઓએ સપલીથી લઈને સહી અને સ્ટીકર લેવા સુધીની પરીક્ષાવિધિ જાતે જ પતાવવી પડે છે. એમની જવાબદારી હોવા છતાં તેઓ જવાબદારી સ્વીકારતાં નથી.
વિદ્યાર્થીઓએ સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, જો આર્ટ્સ ફેકલ્ટીના ડિન પાસેથી યોગ્ય ઉત્તર ન મળે તો આગામી સમયમાં કુલપતિ પાસે જઈ એમની સમસ્યાના સમાધાનની ગુહાર લગાવીશે. વિદ્યાર્થીઓની એટલી જ માંગણી છે કે યુનિવર્સિટી તાત્કાલિક ધોરણે પ્રોફેસર દર્શિની દાદાવાલા વિરુદ્ધ આકરા પગલાં લે અને ગુજરાતી ભવનમાં ફેલાયેલું અરાજકતાનું વાતાવરણ દૂર કરી પરિસ્થિતિનો ઉકેલ લાવે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત