Homeદે ઘુમા કેએબીના સત્યના પ્રયોગો: એબી વિશેની આ બધી વાતો ખોટી છે

એબીના સત્યના પ્રયોગો: એબી વિશેની આ બધી વાતો ખોટી છે

મયૂર ખાવડુ: પત્રકાર અને પત્રકારત્વ પર ભરોસો કરવો પણ આંધળો ભરોસો ન કરવો. એક વખત ખૂદ ખરાઈ કરી લેવી. રમત-જગતની આત્મકથાઓ આડકતરી રીતે સ્પોર્ટ્સ પત્રકારત્વ પર સંશય ઊભો કરતી આવી છે. અમે કોલેજમાં હતા ત્યારે એક એવી અફવા ફેલાયેલી કે આજે જેમનો અવતરણ દિવસ છે એ વિસ્ફોટક બેટ્સમેન એબી ડી વિલિયર્સ એક કરતા વધારે સ્પોર્ટ્સમાં નેશનલ લેવલે દેશનું નામ રોશન કરી ચૂક્યો છે. પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. મેડલ મેળવી ચૂક્યો છે. કિર્તીમાન રચી ચૂક્યો છે. એ અસત્ય મોટાભાગના લોકોએ સ્વીકાર કરી લીધું હતું. આજે પણ જે લોકોએ ‘AB: The Autobiography’ નથી વાંચી એ ભણેલા અભણો એમ જ માનતા હશે કે એબી એક એવી જણસ છે જે એક કરતા વધારે રમતમાં પાવરઘો હતો. જો એ ક્રિકેટર નહોત તો સારો ફૂટબોલર હોત અને જો એ ફૂટબોલર નહોત તો સારો હોકી પ્લેયર હોત અને એ નહોત તો રગ્બીનો ખેલાડી હોત.

એબીની આત્મકથા AB: The Autobiographyમાં ત્રીજા પ્રકરણનું નામ ‘ઓલરાઉન્ડર’ છે. આ પ્રકરણમાં એબી ઈન્ટરનેટની દુનિયાને એક સારી વસ્તુ કહે છે અને તેના ભરપૂર વખાણ કરે છે. પછી તે મૂળ મુદ્દા પર ખીજ ઉતારવા આવે છે કે કેવી રીતે ઈન્ટરનેટ ઉપર પ્રકાશિત થયેલી દરેક સામગ્રી સત્ય નથી હોતી. વિશ્વસનીય સ્કાય સ્પોર્ટ્સ વેબસાઈટે 2015ના વિશ્વકપ દરમિયાન એક આર્ટિકલ પ્રકાશિત કર્યો હતો. જેમાં એબીની પ્રતિભાની પ્રશંસા કરતા મથાળું મારવામાં આવેલું હતું, ‘cricket‘s record-breaking all-rounder’

પ્રકાશિત થયેલો આ આર્ટિકલ બાદમાં આપને ખબર જ છે કે અનુવાદિત થાય. એ આર્ટિકલનો અનુવાદ થયો હિન્દીમાં અને હિન્દીમાંથી સંઘેડાઉતાર થયું ગુજરાતીમાં. જોતજોતામાં જગત આખામાં એક એવી અફવા ફેલાઈ ગઈ કે એબી એક કરતા વધારે સ્પોર્ટ્સમાં પ્રવીણ છે.

આર્ટિકલમાં લખવામાં આવ્યું હતું કે એબી સાઉથ આફ્રિકાની નેશનલ હોકી ટીમ માટે શોર્ટલિસ્ટેડ થયો હતો. એબી હાઈસ્કૂલમાં એક વર્ષ સુધી હોકી રમ્યો હતો. એ Afrikaanse Hoer Seunskool Under-16 ટીમનો ખેલાડી હતો. જેણે તેના કટ્ટર પ્રતિસ્પર્ધી પ્રિટોરીયા બોય્સને પરાજય આપેલો. પરંતુ એબી કોઈ દિવસ રાષ્ટ્રીય હોકી ટીમ માટે પસંદગી પામ્યો જ નથી. એ તો હાઈસ્કૂલ હોકી લેવલથી પણ આગળ નહોતો વધી શક્યો.

સાઉથ આફ્રિકાની નેશનલ ફૂટબોલ ટીમમાં હતો એ વાત પણ ખોટી છે. એબીએ માત્ર સ્કૂલકાળમાં ફૂટબોલ રમ્યું હતું અને એ પણ એટલા માટે કે વોર્મ અપ થઈ જાય. સાઉથ આફ્રિકાની જૂનિયર રગ્બી ટીમના કેપ્ટન તરીકે હોવાનું સત્ય એ છે કે એબી પ્રાથમિક શાળામાં રગ્બી રમેલો હતો. એને મજા આવતી હતી પણ તેણે કોઈ દિવસ રગ્બીમાં દેશનું પ્રતિનિધિત્વ નથી કર્યું. એ કોઈ દિવસ રગ્બીની ટૂકડીનો સુકાની પણ નથી રહ્યો. એબીએ કોઈ દિવસ શાળાકાળમાં તરણસ્પર્ધામાં છ રાષ્ટ્રીય રેકોર્ડ નથી બનાવ્યા.

સૌથી મોટું અસત્ય એ છે કે એબી પાસે 100 મીટરનો જૂનિયર સ્પ્રિન્ટરનો રેકોર્ડ પણ નથી. આ વાતની સાથે એબી ઈન્ટરનેટની એક શરમજનક ગાથા પોતાની આત્મકથામાં નોંધે છે. એબી કહે છે: ‘મને ખૂબ શરમ આવે છે. ઈન્ટરનેટ પર હું વાંચતો હતો. એક વેબસાઈટ પર એવું લખેલું હતું કે જ્યારે યુસૈન બોલ્ટને પૂછવામાં આવ્યું કે તને 100 મીટરની દોડમાં કયો ક્રિકેટર હરાવી શકે છે? તો બોલ્ટે જવાબ આપેલો એબી ડી વિલિયર્સ. હું બોલ્ટને ત્યારે જ હરાવી શકું જ્યારે મારી પાસે ટુ વ્હિલ હોય.’

એબી તેના આયખામાં માત્ર એક જ વખત બેડમિન્ટન રમ્યો છે અને તે તેની ટીમના ખેલાડી માર્ક બાઉચર સાથે. એ પણ ખાલી મજા કરવા. વેબસાઈટે લખ્યું હતું કે એબી રાષ્ટ્રીયકક્ષાએ બેડમિન્ટનમાં અંડર-19 ચેમ્પિયન છે. એક સાયન્સ પ્રોજેક્ટ માટે એબીને નેલ્સન મંડેલા એવોર્ડ મળેલો છે? ના. આ રીતે જ એ ગોલ્ફ પણ રમેલો નથી. એક વાત સાચી છે. એ પણ લગભગ સાચી છે. એબી નેશનલ જૂનિયર ડેવિસ કપ ટેનિસ ટીમનો સભ્ય હતો? એબી યુવાન હતો ત્યારથી તેને ટેનિસમાં રસ હતો. એ એની વયજૂથમાં રાષ્ટ્રીય કક્ષાએ નંબર વન પણ આવેલો. પણ તે ડેવિસ કપ સુધી નથી પહોંચી શક્યો.

ઓશોએ કહ્યું છે, ‘ભીડની પાસે કોઈ સત્ય નથી. ભીડની પાસે ઉધાર વાતો છે. જે અસત્ય થઈ ગઈ છે. ભીડની પાસે હજ્જારો, લાખો વર્ષોની આદતો છે.’ એબીનું ઓલરાઉન્ડર પ્રકરણ વાંચતા જયન્ત પાઠક યાદ આવી જાય.

શ્યામસુંવાળું
સીસમ જેવું અંધારું
કિરણની કરવતથી વ્હેરાય

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments