Homeગુર્જર નગરીસુરતના સ્મશાનગૃહોમાં રોજના 100 મૃતદેહ આવે છે, હવે તો ભઠ્ઠી પણ જવાબ...

સુરતના સ્મશાનગૃહોમાં રોજના 100 મૃતદેહ આવે છે, હવે તો ભઠ્ઠી પણ જવાબ આપવા લાગી છે

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોરોનાની લહેર દિવસે ને દિવસે વધારે ઘાતક બનતી જઈ રહી છે. ખાસ ગુજરાતના બે મહાનગર અમદાવાદ અને સુરતમાં. સુરતમાં ત્રણ પ્રમુખ સ્મશાન આવેલા છે. રામનાથ ઘેલા, અશ્વિની કુમાર અને જહાંગીરપુરા, જ્યાં ચોવીસ કલાક અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આટલી મોટી સંખ્યામાં અંતિમ સંસ્કાર કરવાના કારણે સ્મશાનની ભઠ્ઠી પણ પીગળી ગઈ છે.

છેલ્લા આઠથી દસ દિવસથી અહીં સતત મૃતદેહોને સળગાવવામાં આવી રહ્યા છે. કેટલીક વખત મૃતદેહ લાવનારા વાહનોમાં જગ્યા નથી હોતી, તો લોકો પોતાના અંગત વાહનોમાં અગ્નિ સંસ્કાર કરાવવા લાશ લાવે છે. જિલ્લાભરના સ્મશાનગૃહોમાં લાશના ઢગલા થઈ ગયા છે. અગ્નિ સંસ્કાર માટે ઘણી આધુનિક પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે.

રામનાથ ઘેલા સ્મશાનમાં સૌથી વધારે મૃતદેહો આવ્યા છે. આ સ્મશાનના પ્રમુખ હરીશભાઈ ઉમરગીરીના જણાવ્યા અનુસાર અહીં રોજ સો મૃતદેહ આવે છે. મૃતદેહો આટલી મોટી સંખ્યામાં આવતા હોવાના કારણે અહીંની ભઠ્ઠી ચોવીસ કલાક ચાલે છે. અત્યાર સુધી ભઠ્ઠી કામ કરતા બંધ નથી થઈ. આ કારણે તેના પર લાગેલો લોઢાનો કાટ પીગળવા લાગ્યો છે.

આ સિવાય અશ્વિની કુમાર સ્મશાનની સ્થિતિ પણ આવી જ છે. અહીં પ્રવર્તમાન સમયે બે ભઠ્ઠીઓ કામ કરી રહી છે. છતાં અહીં મૃતદેહો સતત આવી રહ્યા છે અને અંતિમ સંસ્કારની પ્રક્રિયા પણ અવિરત ચાલી રહી છે. ચોવીસ કલાક અંતિમ સંસ્કાર થતા હોવાથી ગેસની ભઠ્ઠીઓ સતત ચાલી રહી છે. જેના કારણે ભઠ્ઠી પર લાગેલો કાટ પણ પીગળી ગયો છે.

હવે જહાંગીરપુરા સ્મશાનમાં પણ ક્ષમતા કરતા વધારે મૃતદેહો આવતા હોવાના સમાચાર છે. અહીં નજીકના મેદાનમાં અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરવામાં આવી છે. રાત દિવસ અહીં પણ લાશ સળગાવવામાં આવી રહી છે. અહીં અંતિમ સંસ્કાર માટે જમીન ઉપર લાકડાની ચિતા ખડકીને મૃતદેહોની સંખ્યા સામે લડી રહ્યા છે. જોકે પર્યાપ્ત માત્રામાં સૂકાયેલા લાકડાઓ ન હોવાના કારણે લીલા લાકડાઓનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ભીના લાકડાઓને સળગાવવા માટે માટીના તેલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મૃતદેહોના અગ્નિસંસ્કાર માટે પણ જે તે પરિવારના લોકોને આઠથી દસ કલાક રાહ જોવી પડે છે. મોટી સંખ્યામાં મૃત્યુ થતાં શહેરના પાલ અને લિંબાયત વિસ્તારમાં બે નવા સ્મશાનગૃહો શરૂ કરવામાં આવ્યા છે. જોકે આ વાત સુરત પૂરતી સિમિત નથી. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં આનાથી પણ ભયજનક સ્થિતિ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments