Homeગુર્જર નગરીસુરતના ખેડૂતે મલ્ટીલેયર ફાર્મિંગ દ્વારા પાંચથી વધુ પાકનું કર્યુ વાવેતર, જીવાત અને...

સુરતના ખેડૂતે મલ્ટીલેયર ફાર્મિંગ દ્વારા પાંચથી વધુ પાકનું કર્યુ વાવેતર, જીવાત અને નીંદામણની સમસ્યા સાવ પૂરી

Team Chabuk-Gujarat Desk: ડિજિટલ ક્ષેત્રે આવેલી ક્રાંતિના કારણે દરેક ક્ષેત્રમાં વિકાસની નવી તકો ખુલી છે. વિદેશમાં નવી નવી ખેત પદ્ધતિનો દેશમાં ઉપયોગ થઈ રહ્યો છે. દેશી રીતે ખેતી કરતા લોકો પણ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પોતાની ખેતીમાં નવા નવા પ્રયોગ કરતા થયા છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતીમાં વધુ આવક મેળવી શકાય તે માટે આવો જ એક પ્રયોગ સુરતના માંડવી તાલુકાના ગોદાવાડી ગામના ખેડુત રમેશભાઈ પટેલ અને એમના પુત્ર ઉર્વિનભાઈ પટેલ તથા તેમના મિત્રોએ સાથે મળી કર્યો છે. તેઓ એ બે એકરમાં મલ્ટીલેયર ફાર્મિંગની અનોખી પદ્ધતિ અપનાવીને અન્ય ખેડુતોને પ્રેરણા પુરી પાડી છે.

Farmer

કઈ રીતે બન્યું મોડલ ફાર્મ ?

રમેશભાઈ પટેલ કહે છે કે, મારા પુત્ર સાથે મળીને ખેતીમાં કંઈક નવતર પ્રયોગ કરીને વધુ આવક મેળવી શકાય તે માટે મલ્ટીલેયર ફાર્મિંગની ખેતી કરવાની શરૂઆત કરી છે. તેમનો પુત્ર ઉર્વિન તથા તેમના મિત્ર નિરવ પારેખના અથાગ પ્રયાસોથી આ મોડેલ ફાર્મ બન્યું છે. જેમાં ૦.૫ એકરમાં મલ્ટિલેયર ફાર્મ અને ૧.૫ એકરમાં ઈન્ટરક્રોપીંગનો પ્રયોગ કર્યો છે. ફાર્મમાં કૃષિના અવનવા પ્રયોગો સાથે વધુ સારી અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિ પર ભાર મૂકીને ખેડૂતોને આવક વધે એવા પ્રેરક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. 

Farmer

કયા કયા પાકનું વાવેતર કર્યુ?

પ્રથમ વર્ષે હળદરના વાવેતર સાથે ગલકા અને દુધીના મંડપ તૈયાર કર્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે, સામાન્ય રીતે ત્રણથી ચાર ફુટના હળદરના છોડ આ મોડેલ ફાર્મમાં યોગ્ય માવજતથી સાત ફુટની ઊંચાઈએ પહોંચ્યા છે. જેથી આવનારા સમયમાં બમ્પર ઉત્પાદન મળવાની સંભાવનાઓ રહેલી છે.

Farmer

કઈ રીતે ખાસ છે આ ફાર્મ?

ટીમના સભ્ય શ્રી નિરવભાઈ પારેખ જણાવે છે કે, આ ફાર્મમાં કોઈ પણ પ્રકારના કેમિકલ કે પેસ્ટીસાઈડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ખાતર તરીકે ગાયનું ગોબર, ગૌમૂત્ર તથા વર્મી કમ્પોસ્ટ ખાતર જેવી પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  નવયુવાનો ખેતીથી વિમુખ થતા જાય છે, ત્યારે યુવાનો ખેતી અપનાવીને કંઈક નવી પહેલ કરે તેવા આશયથી ફાર્મનું નિર્માણ કર્યું છે.

Farmer

મલ્ટિલેયર ફાર્મિંગ ક્યા ક્યા ફાયદા?

નિરવભાઈ જણાવે છે કે, મલ્ટિલેયર ફાર્મિંગ ટેકનિકમાં એકથી વધુ પાકની ખેતી કરી શકાય છે. જેથી પાકમાં ન તો જીવાત આવે છે અને ન તો નીંદણનો ડર રહે છે. આ ટેક્નિકમાં પાંચ લેયરમાં ખેતી કરવામાં આવી છે. જેના માટે બામ્બુથી બનેલા સ્ટ્રકચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પહેલા લેયરમાં જમીનની અંદરના પાક જેમ કે, હળદર અને આદુ, બીજા લેયરમાં ધાણા, મેથી, પાલક, ત્રીજા અને ચોથા લેયરમાં બામ્બુના સપોર્ટ સાથે દૂધી, ગલકા, કારેલાં જેવા વેલાવાળા શાકભાજી અને પાંચમા લેયરમાં પપૈયા ઉછેરવામાં આવ્યાં છે. આમ, આ ફાર્મમાં એક જ જગ્યાએ સાતથી આઠ પ્રકારના પાક લેવાનો સફળ પ્રયોગ કર્યો છે.

Farmer

નાના ખેડૂતો માટે ફાયદાકાર મલ્ટિલેયર ફાર્મિંગ

આંતરપાકમાં હળદર સાથે સરગવો ઉગાવવામાં આવ્યો છે. આ અનોખા પ્રયોગથી ખેતી પાકો એકબીજાના સહજીવનથી પોતાનો વિકાસ કરે છે. ઓછી જમીન ધરાવતા ખેડુતો જો મલ્ટીલેયર ફાર્મિંગ અપનાવે તો ચોક્કસ સારી આવક મેળવી શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments