Team Chabuk-Gujarat Desk: પતિની પત્નીને ઢોર માર માર્યાની ખબરો સમાચારમાં આવે છે. પોલીસ કેસ થાય છે. કોઈ વખત ભીનું સંકેલાય જાય છે. એવામાં સુરતના વરાછામાં અન્ય યુવતી સાથે વીડિયો કોલ કરી રંગરેલિયા મનાવતા પતિને તેની પત્નીએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પતિ આથી ગુસ્સે ભરાયો હતો અને પત્નીને એવી ફટકાર લગાવી હતી કે પત્નીનું મોઢું જોનારને તેના પર ફિટકાર વર્ષાવ્યા ન રહે. જોકે પીટનાર ઢગા પતિની શાન મહિલા સામાજીક કાર્યકર્તાએ ઠેકાણે લાવી હતી. પત્ની ઉપર હાથ ઉપાડી ખૂદને ખેરખાં સમજનારા આ પતિને જોરથી ગાલમાં થપ્પડ મારી હતી. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
સામાજીક કાર્યકર્તા દર્શનાબહેન જાનીએ હકીકત સામે રાખતા જણાવ્યું હતું કે, પીડિત મહિલા બે સંતાનોની માતા છે. ઘરકામ કરી પરિવારમાં આર્થિક મદદરૂપ થઇ રહ્યાં છે. બાળકોને ભૂખ્યા રાખી વીડિયો-કોલિંગ પર પરસ્ત્રી સાથે મસ્તી કરતા લફરાબાજ પતિને જાહેરમાં જ સબક આપવો જરૂરી હતો, એટલે જ લાફા માર્યા છે.
મહિલા અન્ય મહિલાઓના ઘરમાં જઈ કામકાજ કરે છે. તેનો પતિ વોચમેન છે. ત્યાં જ તેમનો પરિવાર પણ રહે છે. દિવાળીના તહેવારમાં મોટા ભાગના લોકો વતન કે ઉજાણી કરવા માટે ગયા હોય, પત્ની વહેલી બપોરે ઘરે આવી ગઈ હતી. પતિ ત્યાં મોબાઈલમાં ખાખાખોળા કરતો હતો. બાળકો ભૂખ્યા હતા અને તે મોબાઈલમાં મસ્ત હતો. પત્નીએ તેને બાળકોને તો જમાડી દેવાય તેવી સામાન્ય વાત કહી હતી, પરંતુ આટલી નાની અમથી વાતમાં પતિ ગુસ્સે ભરાયો હતો. આ શૂરવીરે તેની પોતાની અર્ધાંગિનીનું માથું દિવાલમાં અફડાવ્યું હતું અને ઢોર માર માર્યો હતો.
આ સમગ્ર ઘટના અંગે જ્યારે સામાજિક કાર્યકર્તા દર્શનાબહેન સાત દિવસ બાદ પરત આવ્યા તો તેમને માહિતી મળી હતી. પીડિત મહિલાના ઘરે પહોંચ્યા બાદ તેમના પતિ ભરતનો મોબાઈલ તપાસતા તેમાંથી અજાણ્યો નંબર મળી આવ્યો હતો. ભરત 24 કલાક મહિલાઓ સાથે ઓનલાઈન પસાર કરતો હોવાનું સામે આવ્યું હતું. અંતે દર્શનાબહેને પત્નીને ઢોર માર મારનારા પતિ ભરતને જાહેરમાં તમાચો ચોડી દીધો હતો અને પાઠ ભણાવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ