Homeગુર્જર નગરીસુરતઃ લગ્નના બે મહિનામાં પતિનું ઘર સાફ કરીને ભાગી ગયેલી લૂંટેરી દુલ્હન...

સુરતઃ લગ્નના બે મહિનામાં પતિનું ઘર સાફ કરીને ભાગી ગયેલી લૂંટેરી દુલ્હન ઝડપાઈ

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં યુવકોને લગ્નની જાળમાં ફસાવીને લૂંટ ચલાવીને અનેક દુલ્હન ફરાર થઈ ગઈ છે. અવાર નવાર યુવકો આ પ્રકારે છેતરાયાના બનાવો પ્રકાશમાં આવી ચૂક્યા છે. ત્યારે તાજેતરમાં જ આવો એક કિસ્સો સુરતના સરથાણા વિસ્તારમાંથી સામે આવ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં યુવક સાથે લગ્ન કરી બે મહિનામાં જ ઘરમાંથી રોકડ રકમ અને દાગીના મળીને કૂલ 4.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ લઈને દુલ્હન ફરાર થઈ ગઈ હતી. આ મામલે યુવકે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગુનામાં તપાસ કરીને લૂંટેરી દુલ્હનને ઝડપી લીધી છે.

ઘટનાની સમગ્ર વિગતો જોઈએ તો સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા શામધામ રોડ પરની સાઈંકૃપા સોસાયટીમાં નરેશ પોપટ શિયોરા નામનો યુવાન રહે છે. નરેશ શિયોરા હીરા ઘસવાનું કામ કરે છે. છ મહિના પહેલાં નરેશ શિયારાના સંબંધી હરસુખભાઈની દુકાને મમતા દૌરાણી નામની મહિલા ખરીદી કરવા માટે આવી હતી. મૂળ મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના લાડખેટ થાનાના બાનાયત ગામની વતની મમતાએ હરસુખભાઈને કહ્યું હતું કે, કોઈ સારો યુવક તમારા ધ્યાનમાં હોય તો બતાવજો, લગ્નની વાત ચલાવવી છે.

મમતા દૌરાણીના કહ્યા પ્રમાણે હરસુખભાઈએ નરેશ શિયોરાને આ અંગે વાત કરી હતી. નરેશ લગ્ન કરવા માંગતો હોવાથી તેની મુલાકાત મમતા સાથે કરાવી હતી. તે વખતે મમતાએ નરેશને કહ્યું હતું કે તેના લગ્ન થઈ ગયા છે પરંતુ તે પતિને છૂટાછેડા આપી દેવાની છે. ત્યારબાદ તે લગ્ન કરશે. નરેશ શિયોરાએ મમતા સાથે લગ્નની તૈયારી બતાવતા બન્નેએ ગત 4 ફેબ્રુઆરીના રોજ અગ્નિની સાક્ષીએ ફેરા ફરી લીધા હતા. લગ્નમાં મમતાની માતા અને નરેશના પરિવારજનોએ પણ હાજર રહીને બન્નેને આશીર્વાદ આપ્યા હતા. બાદમાં મમતા અને નરેશે સાથે લગ્ન જીવનની શરૂઆત કરી હતી.

બાદમાં મમતાનું મન લલચાયું હતું. તેવામાં 7 એપ્રિલના રોજ પતિ નરેશની ફોઈની દીકરીનું મામેરું હોવાથી નરેશના પિતાએ 30 ગ્રામનું મંગળસૂત્ર બનાવડાવ્યું હતું. તે ઉપરાંત ઘરમાં બીજા દાગીના અને રોકડા દોઢ લાખ રૂપિયા પડ્યા હતા. મમતાનું મન આ દાગીના અને રૂપિયામાં પડ્યું હતું. જેથી મમતા 25 માર્ચની રાત્રે ઘરમાંથી દાગીના અને રોકડા રૂપિયા મળીને 4.50 લાખ રૂપિયા લઈને ભાગી ગઈ હતી. પત્ની દાગીના અને રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગઈ હોવાનું નરેશને જાણ થતાં તેણે સંબંધી હરસુખભાઈને ત્યાં તપાસ કરી હતી.

હરસુખભાઈને આ મામલે કોઈ જાણકારી ન હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ ફરિયાદી નરેશ શિયોરાએ તપાસ કરતાં જાણવા મળ્યું કે, મમતાએ તેના પહેલા પતિ સાથે લગ્ન કર્યાના 15 દિવસમાં જ છૂટાછેડા લઈ લીધા હતા. છૂટાછેડા લેવા માટે મમતાએ પહેલા પતિ પાસેથી 50 હજાર રૂપિયા પણ લીધા હતા. આ મામલે નરેશ શિયોરાએ સરથાણા પોલીસ સ્ટેશનમાં મમતા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પતિની ફરિયાદ બાદ પોલીસ તપાસ શરૂ કરી હતી. જેમાં આખરે પોલીસના હાથે આ લૂંટેરી દુલ્હન મમતા દૌરાણી ઝડપાઈ ગઈ હતી. પોલીસે લૂંટેરી દુલ્હનને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં લૂંટેરી ગેંગ જાણે સક્રિય થઈ હોય તેમ અવાર નવાર આવા બનાવો બનતાં રહે છે. લગ્ન કરવા ઇચ્છતા યુવાનોને ફસાવીને દાગીના અને રૂપિયા લઈને યુવતીએ ફરાર થઈ જતી હોય છે. થોડા દિવસ પહેલાં વરાછા પોલીસ સ્ટેશનમાં પણ આવો જ એક ગુનો નોંધાયો હતો. જેની તપાસ વરાછા પોલીસ કરી રહી છે ત્યાં સરથાણા વિસ્તારમાં આ ઘટના સામે આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments