Homeગુર્જર નગરીઅંધકારમાં પ્રકાશ પાથરવા સુરતથી સૌરાષ્ટ્ર પહોંચી આ ટીમ

અંધકારમાં પ્રકાશ પાથરવા સુરતથી સૌરાષ્ટ્ર પહોંચી આ ટીમ

Team Chabuk-Gujarat Desk: તૌકતે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર પંથકમાં ઠેકઠેકાણે વીજ પોલ અને ટ્રાન્સફોર્મર ધરાશાયી થઈ જતાં અંધકાર છવાયો છે. હજુ પણ ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો કાર્યરત થયો નથી. જેથી લોકોને વીજળી વિના પારાવાર મુશ્કેલી પડી રહી છે. આવા સમયે લોકોની આ સમસ્યાનું સમાધાન લઈને માટે સુરતથી સૌરાષ્ટ્ર સામાજિક સંસ્થાની ટીમ પહોંચી છે.

ગુજરાતે અનેક આપત્તિઓનાં સામના કર્યા છે ત્યારે ખરેખર બધી જ દિશાઓમાંથી કુદરતી કે કૃત્રિમ આપત્તિઓ ઉભી થઈ રહી છે. આ સમયે લોકો કોરોનાની મહામારી સામે લડી રહ્યા છે ત્યારે તૌકતે વાવાઝોડાએ રાજ્યનાં તમામ વિસ્તારોને અનેક પ્રકારે નુકશાન કર્યું છે, સૌરાષ્ટ્રનાં દરિયા કાંઠાના વિસ્તારમાં અનેક પ્રકારનું આર્થિક નુકશાન અને માનવ જીવનને ખેદાન મેદાન કરી મકાનો, ખેતરોમાં વાવેલ પાક, પશુઓ તેમજ વિશાળકાય વૃક્ષો મોબાઈલ ટાવર વિદ્યુત માટેનાં પોલો અને પક્ષીઓ સહિતની વસ્તુઓને મોટી માત્રામાં જ્યારે નુકસાન પહોંચાડયું છે.

આવા કપરા સમયે સુરત શહેરની સેવાભાવી સંસ્થાઓ જુદા જુદા પ્રકારે સેવાનાં હેતુથી સૌરાષ્ટ્રમાં કાર્યરત છે. ત્યારે થોડા સમય પહેલા જ વતનની વ્હારે ગયેલ સેવા સંસ્થાનાં યોદ્ધાઓ ફરી 25 થી 50 કેવીના 100 થી વધારે જનરેટરો ટ્રકમાં ભરીને સૌરાષ્ટ્ર પહોંચ્યા છે.

સેવા સંસ્થાના આ કાર્યકરો સૌરાષ્ટ્રનાં વધુ નુકસાનકારક ગામડાઓમાં યુદ્ધનાં ધોરણે જનરેટર પહોંચાડી ઉત્તમ પ્રકારની સેવા કરવા માટે તત્પર છે. આ સેવાથી ગામડાઓમાં પીવાનું તેમજ જરૂરિયાત માટેનું પાણી, અનાજ દળવા માટે ઘરઘંટી, મોબાઈલ સહિતના ઉપકરણોનું ચાર્જિંગ અને યોગ્ય જગ્યાએ ઉપયોગ લઈ ખુબ મોટી સેવા પૂરી પાડવામાં આવશે.

સેવા સંસ્થાનાં માધ્યમથી અપાતી સેવા જ્યારે દેશ વિદેશમાં નોંધનીય બની છે ત્યારે સેવાનાં યોદ્ધા દ્વારા થતી તમામ પ્રકારની સેવા આ આવેલી આપત્તિમાંથી ઝડપથી બહાર નીકળીયે તેવા પ્રયત્નો કરાશે. ત્રણ ગામની વચ્ચે એક જનરેટરની સુવિધા ઉપલબ્ધ કરાવી 300થી વધારે ગામોમાં ઉત્તમ પ્રકારે મેનેજમેન્ટ કરી આ કાર્યને પૂર્ણ કરવામાં આવશે. જ્યાં સુધી સરકારી તંત્ર દ્વારા વીજ પુરવઠો ગ્રામજનો સુધી નહીં પહોંચે ત્યાં સુધી આ સેવા ચાલુ રાખવામાં આવશે.

આ અનોખી સેવાના ભાગરૂપે સુરતથી સૌરાષ્ટ્રનાં કાંઠા વિસ્તારોમાં ખાસ કરીને ઉના, ગીર ગઢડા તાલુકા માટે રવાના કરાયેલા 100 થી વધારે જનરેટરો સાથે મહેશ સવાણી, પંકજ સિદ્ધપરા, ધાર્મિક માલવીયા, ઘનશ્યામ ગજેરા અને સેવા સંસ્થાની ટીમ આજે પહોંચી છે. હવે જે ગામડાઓમાં વીજ પુરવઠો બંધ છે ત્યાં આ જનરેટરની સુવિધા ઉપલબ્ધ કરાવીને અંધકારમય ગામડાઓમાં પ્રકાશ પાથરવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવશે. અંધકારમય વિસ્તારોમાં પ્રકાશ પાથરવાનાં આ પ્રયત્નથી ગ્રામજનો પણ હાશકારો અનુભવી રહ્યા છે અને સેવા સંસ્થાની આ અનોખી સેવાને સલામ કરી રહ્યા છે.

રાજ્યમાં કોરોનાના કેસ ખૂબ મોટા પ્રમાણમાં આવી રહ્યા હતા તે દિવસથી સુરતની આ સેવા સંસ્થા દ્વારા અલગ અલગ સામાજિક સંસ્થાઓ સાથે મળીને સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. જ્યાં તમામ દર્દીઓને નિઃશુલ્ક ઉત્તમ સારવાર આપવામાં આવી છે. હજુ પણ આઈસોલેશન સેન્ટરની સેવા ચાલુ જ છે. આ ઉપરાંત સેવા સંસ્થા દ્વારા અલગ અલગ ડોક્ટરોની ટીમ બનાવીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વતનનું ઋણ ચૂકવવાના પ્રયાસ સાથે આરોગ્યની ચકાસણી પણ હાથ ધરવામા આવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments