Homeવિશેષસૌરાષ્ટ્રની રસધાર દૂધ-ચોખા

સૌરાષ્ટ્રની રસધાર દૂધ-ચોખા

ઝવેરચંદ મેઘાણી: સામસામા બે ડુંગરાને રોકીને સગા ભાઈઓ સરખા બે ગઢ ઊભા છે: એક મેવાસું ને બીજો ભીમોરા. વચ્ચે બે ગાઉના ગાળામાં લીલા રંગના સરોવર-શી લાંપડિયાળ ઊંડી ધરતી પથરાયેલ છે. આઘે આઘે એક ખૂણામાં વાદળરંગી હીંગોળગઢ ઊભો છે અને બીજી દિશાએ ચોટીલા ડુંગર પર બેઠેલી દેવી ચાવંડી છાંયો કરી રહી છે. ઓતરાદી બાજુએ ગૌધનનાં મણ મણ જેવડાં આઉ પોતાને માથે ઝળુંબતા જોઈ જોઈને ધરતી માતાની છાતી કેમ જાણે કુલાયેલી હોય એવી ઠાંગા ડુંગરની લાંબી લાંબી ધારો દેખાય છે.

ઝાલર પર ડંકા પડ્યા તે ટાણે મેવાસાના ગઢમાંથી નીકળીને એક કાઠી ગઢના પાછલા ઢોરા ઉપર ઊભો રહ્યો. ​બગલમાં તલવાર દાબી છે, ખંભે ધાબળો પડ્યો છે. એનાથી બોલાઈ ગયુંઃ “હાય ભોજ ! હાય મારો ભોજ!”

ગઢના એક ગોખમાંથી એક બારી ઊઘડી, એમાંથી કોઈ કાઠિયાણીનો અવાજ આવ્યો : “આપા શાદૂળ ! ગોકીરા કરીને ડુંગર શીદ ગજવો છો ? જેને બોલાવો છો, એનો મારતલ તો આજ હેમખેમ દીવા બાળે છે, નથી ભાળતા ?”

સાંભળીને કાઠીએ સાદ પારખ્યો, “આહા ! એ તો મારા ભોજની રંડવાળ્ય. એ તો બોલે જ ને?”

એટલું બડબડીને એણે ભીમોરાના ગઢ ઉપર નજર માંડી. આપોઆપ તલવારની મૂઠ ઉપર આંગળીઓનો દાબ દેવાઈ ગયો. ભીમોરાના ગઢમાં બળી રહેલી દીવાની ઝાળો જાણે કે બે ગાઉ દૂરથી પણ કાળજું દઝાડતી હતી.

“હા ! હા ! ભોજ જેવા પિત્રાઈને મારીને આજ અગિયાર જમણમાં તો નાજભાઈ ભીમોરાને રંગમો’લે દીવા બાળે છે. સગા કાકાનો દીકરો નાજભાઈ ! આપા લાખાનો વસ્તાર ! એની આબરૂ દેખીને, એની શૂરવીરાઈ ભાળીને અમારાં અંતર હસતાં. એણે ભોજને માર્યો.”

કાઠી મનમાં ને મનમાં બબડવા મંડ્યો:

“અને, નાજભાઈ! તું ગોરૈયું ભાંગવા હાલ્યો? એલા, અમારી ખુટામણ ઉપર તેં ભરોસો રાખ્યો? તને એટલુંય ન સાંભર્યું કે ધાધલોએ રામભરોસે ગૌરૈયું અમારા હાથમાં સોંપેલું !”

“નાજભાઈ! તું નાહોરો સાવજ કે’વા ! પણ મારો ભોજ ભાળ્યો ! ગોરૈયા ભાંગ્યું એમ સાંભળતાંવેત જ ભોજ કસુંબાની અંજલિ ઢોળીને કોઈ દળ-કટકની વાટ જોયા વગર, એકલો ઘોડે ચડીને સગા ભાઈને માથે ચાલી નીકળ્યો ! વાહ, ભોજલ ! નાજે — સાવજે — ખોટ ખાધી. તેં ભાઈ-ભાઈ વચ્ચે ​વહેવાર વહાલા ન કર્યા. શાબાશ, ભાઈ !

“અને તારા મારતલની હારે હિસાબ ચોખો કરવા હુંય આ હાલ્યો.”

એટલું બોલીને આપો શાદૂળ મેવાસાને ઢોરેથી ઊતર્યો.

ભીમોરાનું ખાડું સીમમાંથી ચરીને ચાલ્યું આવે છે. એની સાથે સાથે કાળો કામળો ઓઢીને શત્રુ ઝાંપામાં પેસી ગયો. ગઢમાં દાખલ થઈ ગયો. નાજા ખાચરનો ઓરડો હતો તેની સામે સંતાઈને એકાંતની વાટ જોતો બેઠો છે.

વાળુ ટાણું થયું. નાજો ખાચર બેઠા છે. હમણાં હમણાં તો એ એકલા બેસીને ખાઈ લે છે. વાળુ લઈને કાઠિયાણી જમાડવા આવ્યાં.

તાંસળીમાં કાઠિયાણીએ ચોખા કાઢીને માંહીં દૂધ-સાકર નાખ્યાં, ચોળીને તૈયાર કર્યું, કહ્યું :

“હવે આજ તો સોગ ભાગો !”

“કાઠિયાણી! તું મને આજ ગળામણ ખવારવા આવી છે? ભોજ જેવા ભાઈને ગૂડીને હું વયો આવું છું. હજી એના બારમાની બોરિયું ફટફટે છે, અને હું મોંમાં દૂધ-ચોખા મેલું ?”

કપાળેથી પરસેવો લૂછી નાખીને આપો નાજો બારી સામે ટાંપી રહ્યા. વળી બોલ્યા :

“બધુંય નજરે તરે છે. ગોરૈયાનો માલ વાળીને બેફિકર હાલ્યા આવીએ છીએ ત્યાં તો પાણીમાંથી અગન ઊપડે એમ ભોજને આવતો ભાળ્યો – એકલ ઘોડે, મારતે ઘોડે ! ‘ઊભા રો’!’ ચોર, ઊભા રો’ !’ એવા સાદ પાડતો આવે. મેં હાથ ઊંચો કરીને ઈશારે સમજાવ્યું કે “પાછો વળી જા !” પણ ભોજ પાછો ​વળ્યો નહિ. અમે ઘોડાં ચોંપથી ચલવ્યાં. સહુને કહ્યું કે ભોજને આંબવા દેવો નથી. પણ અમે તે કેટલાંક તગડીએ?”

“કાઠિયાણી ! ભોજ આંબ્યો. બરછી ઉપાડી. મારી ટીલડી વીંધાવાની વાર નહોતી, ત્યાં તો આપણા બરકંદાજોએ ભડાકો કરી નાખ્યો.”

“આજ એને વિસારીને તારા દૂધ-ચોખા ખાવા એ સહેલું નથી.”

ભાણું ઠેલીને નાજો ખાચર ઊભો થઈ ગયો. કાઠિયાણીએ ઠામ ભેળાં કરી લીધાં. તે વખતે ધરતીમાંથી પ્રેત ઊઠે એમ દુશ્મન એારડામાં આવી ઊભો રહ્યો.

“કોણ, શાદૂળભાઈ? આવ, બાપ, ભલે આવ્યો !”

“કાળકર્મા ! આજ તને આ દૂધ-ચોખાએ બચાવ્યો. તારે માથે હવે હું તલવાર શી રીતે ચલાવું? ગોત્રહત્યાના કરનારા ! હવે કાલ્ય મેવાસે આવીને અંજળિ કસુંબો પાઈ જાજે.”

વેર નિતારીને કાઠી ભીમોરાને ડુંગરેથી ઊતરી ગયોયે. નાજો ખાચર પોતાના ભાઈની ખાનદાનીના વિચારમાં ગરક બન્યો. ખબર ન રહી અને પ્રભાતના કાગડા બોલ્યા. ઘડીએ ચડીને મેવાસાને ચોરે જઈ એણે કસૂંબો કાઢ્યો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments