Homeગુર્જર નગરીઓનલાઈન ભણતરના ભારથી સુરતનો વિદ્યાર્થી એવો ત્રાસી ગયો કે ઘર છોડી ભાગી...

ઓનલાઈન ભણતરના ભારથી સુરતનો વિદ્યાર્થી એવો ત્રાસી ગયો કે ઘર છોડી ભાગી ગયો

Team Chabuk : કોરોનાકાળમાં શરૂ થયેલા ઓનલાઈન શિક્ષણના કારણે કંઈ કેટલાય વિદ્યાર્થીઓ માનસિક રીતે ભાંગી પડ્યા છે. ગૂરૂ અને શિષ્યનું જે પ્રત્યક્ષ મહત્વ હતું તે લગભગ ઓનલાઈન એજ્યુકેશને ભૂંસી નાખ્યું છે. હવે ધીમે ધીમે શાળાઓ ખુલી રહી છે જો કે વાલીઓના મગજમાં કોરોનાને લઈ પેસી ગયેલો ડર નીકળવાનું નામ નથી લઈ રહ્યો. સ્વાભાવિક છે પોતાના સંતાનની ચિંતા કયા મા-બાપને ન હોય ? કેટલીક જગ્યાએ હજુ પણ ઓનલાઈન વર્ગો ચાલી રહ્યા છે. આ ઓનલાઈન વર્ગના કારણે જ ત્રાસી ગયેલા એક વિદ્યાર્થીએ ઘર છોડવાનો નિર્ણય લેતા સમગ્ર સુરત સહિત ગુજરાતભરના શિક્ષણ ક્ષેત્રે આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

ઓનલાઈન શિક્ષણથી સુરતનો એક 14 વર્ષનો વિદ્યાર્થી એટલો કંટાળ્યો કે તેણે ઘર જ છોડી દીધું. ગરીબ પરીવારનો આ વિદ્યાર્થી અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણે છે. કોરોનાકાળથી ઓનલાઈન અભ્યાસ કરે છે. જોકે, અચાનક તેણે ઘર છોડી દેતા માતા-પિતા સહિત તંત્ર ચિંતામાં મુકાયું છે અને તમામ લોકો વિદ્યાર્થીની શોધખોળમાં લાગી ગયા છે. માતા-પિતાને આશા છે કે તેમનો પુત્ર હેમખેમ તેમને પરત મળી જાય.

ઘટના શું છે ?

સુરતના અડાજણ પાટિયા નજીક વિજય ડેરીની બાજુમાં ગંગા જમના એપાર્ટમેન્ટ આવેલું છે. આ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં યોગેન્દ્ર શાહ અને તેમના પત્ની ઝરણાંબેન શાહ પોતાના એકના એક પુત્ર સાથે રહે છે. જે મૂળ મહેસાણા તાલુકાના વીસનગરના શિપોરના છે. પોતાનું ગુજરાન ચલાવવા પતિ-પત્ની સુરતના રસ્તાઓ પર ફરી-ફરીને ગુટખાનું વેચાણ કરે છે. મંગળવારે પણ તેઓ પોતાના પુત્રને ઘરે એકલો મુકીને રોજની જેમ જ સવારે ઘરેથી ગુટખાના વેચાણ માટે નીકળ્યા. બપોર સુધી બંનેએ ધંધો કર્યો. તેઓ જ્યારે ઘરે પરત ફર્યા તો ઘરના દરવાજા પર તાળું હતું. સામાન્ય રીતે તેમનો દરવાજો ખુલ્લો જ હોય પરંતુ ઘરના દરવાજા પર તાળુ જોતા તેઓ થોડા આશ્ચર્યમાં મુકાયા. ઘરનો દરવાજો ખોલીને બંને અંદર ગયા તો તેઓ વધુ અચંબામાં મુકાઈ ગયા. ઘરમાં પ્રવેશતા જ ટેબલ પર તેમને પુત્રનો મોબાઈલ અને તેની સાથે એક ચીઠ્ઠી મળી. ચીઠ્ઠીમાં જે લખ્યું હતું તે વાંચીને પતી-પત્નીની કાંપો તો લોહી ન નીકળે તેવી સ્થિતી થઈ ગઈ.

ચીઠ્ઠીમાં શું હતું ?

“મમ્પી-પાપા મેને આપકો બહુત હેરાન કિયા હૈ, અબ નહીં, મે દૂર જા રહા હું, યે ઓનલાઈન ક્લાસીસ મેં કુછ સમજ નહીં આતા, સોરી મેરી પરેશાની કે લીએ, બાય બાય”

ઘરમાંથી એકનો એક દીકરો ગાયબ તેમજ આ પ્રકારની ચીઠ્ઠી મળતા જ પતિ-પત્ની દોડતાં થઈ ગયા હતા. આસપાસના લોકોને પૂછ્યું. પુત્રના મિત્રોને પૂછ્યું પરંતુ તેમને પણ કોઈ જાણ ન હોવાનું જ સામે આવ્યું.  તાત્કાલિક એપાર્ટમેન્ટના સીસીટીવી પણ તપાસ્યા. જેમાં 12.09 મિનિટે તેમનો પુત્ર હાથમાં એક પાણીની બોટલ અને પોતાની સાયકલ લઈને એપાર્ટમેન્ટ બહાર જતો દેખાયો.

ત્યારબાદ પુત્રને શોધવા માટે મદદની અપેક્ષાએ દંપતી નજીકના પોલીસ સ્ટેશનમાં પહોંચ્યું હતું. રાંદેર પોલીસે પતી-પત્નીના નિવેદનના આધારે ફરિયાદ નોંધી હતી અને બાળકની શોધખોળ શરૂ કરી હતી. પલીસે ઘટનાને ગંભીરતાથી લઈ અન્ય સીસીટીવી પણ ચકાસ્યા હતા. જેમાં દંપતીનો એકનો એક પુત્ર અડાજણ પાટિયા પર આવેલા ધનમોરા કોમ્પ્લેક્ષ થઈને નેહરૂ બ્રિજ, રાજમાર્ગ થઈ દિલ્હી ગેટ તરફ જતો જોવા મળ્યો હતો. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરે છે અને ઘરેથી નીકળી ગયેલા આ બાળક તાત્કાલિક પોતાના-માતા પિતાને મળી જાય તેવા પ્રયાસ શરૂ કર્યા છે.

પોતાનું બાળક પોતાની જેમ રસ્તા પર ફરીને ગુટખા ન વેચવી પડે તેના કારણે દંપતી બાળકનો સારી રીતે ઉછેર કરી રહ્યું છે. પુત્ર મોટો થઈને સારી જગ્યાએ નોકરી કરે તે આશાએ આ ગરીબ દંપતી તેને અડાજણ પાટિયા સ્થિત જે.એચ.બી સરદાર પ્રાઈમરી અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણાવી રહ્યું છે. પુત્રને ઓનલાઈન શિક્ષણમાં કોઈ ખોટ ન રહે તે માટે સારો મોબાઈલ પણ અપાવ્યો છે. જો કે, પુત્ર આટલો તણાવમાં કેમ આવી ગયો તે ખુદ માતા-પિતાને પણ ખબર નથી. હાલ દંપતીની એક જ આશા છે કે બસ તેમનો પુત્ર પરત આવી જાય.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments