Team Chabuk-Health Desk : અમો સફારીના તંત્રી અને ગુરૂ નગેન્દ્ર વિજયની માફી સાથે આ શીર્ષક મારીએ છીએ. હવે શું કરીએ ? તમને આટલા વાંચ્યા છે તો પ્રભાવમાં તો આવી જ જઈએ ને! પતાયા તરીકે અમેરિકામાં પ્રચલિત ડ્રેગન ફ્રૂટને રેકડીમાં તો ખૂબ જોયું. ઘણા એને જોઈ નાકનું ટીચકુ ચડાવી લે, કારણ કે એ ફ્રૂટની બાહ્યરચના જ ભયંકર છે. અમેરિકામાં હોલોવિન તહેવારના ટાણે કોઈ અવળચંડો તેમાંથી વિચિત્ર પ્રકારનું ભૂત બનાવે તોય ડરી જઈએ. એને પહેલી વખત ખરીદનારા તો વિક્રેતાને પૂછી બેસે કે આને ક્યાંથી કાપવું અને કેટલા ભાગમાં વિભાજીત કરવું.
ટીવીમાં આવતા શો સિવાય અને કેટલીક વેબસાઈટો ડ્રેગન ફ્રૂટના ત્રિવિધ ગુણો વર્ણવે. મેંદરડાના આ ભાઈએ, ભાવનગરના ઓલા ભાઈએ, મહેસાણાના પેલા ભાઈએ ડ્રેગન ફ્રૂટની ખેતી કરી મેળવી મબલખ આવક. જેવા સ્ટીરીયોટાઈપ પ્રકારના ખેતીના મોટિવેશન શોમાં લટકાતા ડ્રેગન ફ્રૂટ દેખાય જાય. આ જમાનામાં કોણ તેને જોવાનું ? પણ ગઈકાલથી ડ્રેગન ફ્રૂટ ટ્રેન્ડિંગમાં છે. સોશિયલ મીડિયા પર તેનું નામ બદલાઈ જતા ખૂબ વાઈરલ થઈ રહ્યું છે. નામ બદલવાથી લાગે કે યોગી આદિત્યનાથ હોવા જોઈએ, પણ ના આ તો આપણા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે. બીજે ક્યાંય હોય કે ન હોય ડ્રેગન ફ્રુટનું નવું નામ કમલમ છે. એક ફળનું નામ રાજકીય થઈ ચૂક્યું છે!! એ લપમાં પડ્યા વિના ડ્રેગનફ્રૂટ બાજુ ઉપડીએ.
કેરીથી લઈ કેળા અને સંતરાથી લઈ નારંગી સુધી તમામ ફળોની ગરજ સારે છે ડ્રેગન ફ્રૂટ. ગુજરાતમાં તેની માગ છે પણ એ જોઈએ એવું દાઢે વળગ્યું નથી. એને બધા સફરજન અને જામફળની શ્રેણીમાં મુકતા નથી. એ રેકડીમાં આવતા વેત ચપોચપ ઉપડી જતા નથી. કેરી જેવી તેની ડિમાન્ડ પણ નથી. એક ખાસ પ્રકારની પબ્લિક તેનું સેવન કરે છે. એટલે જોવું કે ડ્રેગન ફ્રૂટ તમને દરેક રેકડી પર કેરીની બજાર કે જામફળની બજારની જેમ લાગતા નહીં દેખાય. ફળોની લાંબી કતારોની વચ્ચે એકાદ બે રેકડીમાં તેની જટાધારી સુંદરતા દૈદિપ્યમાન થતી હશે.
હિલોકેરસ કેક્ટેસિયા જેવા પરિવારથી સંબંધિત છે. મૂળ અમેરિકાનું આ ફળ દેખાવમાં અનાનસની જેવું લાગે છે. તેને છરી મારી અંદરથી ખોલવામાં આવે તો કિવી ફ્રૂટના આકારના નાના નાના દાણા દેખાય છે. એ ગંભીર રોગને ઠીક કરી શકે છે તેવી ખબર આજે ઘણાને પડી હશે. એનો રંગ ગુલાબી હોય પણ ત્વચામાં લીલા રંગનો સમાવેશ થતો હોવાથી તે ડ્રેગન જેવું લાગે. નામ પડી ગયું ડ્રેગન ફ્રૂટ. ફિલ્મો અને વેબ સિરીઝોમાં અગણિત વખત ચીનના દેવાધિદેવ ડ્રેગનના દર્શન કરનારાઓને એ વાત તો સમજાતી જ નથી કે આ ડ્રેગન જેવું લાગે છે કઈ જગ્યાએથી ? જો કે તેની બાહ્યરચના એક રીતે કમળની ખુલતી પાંખડીઓની યાદ અપાવે છે અને આ કારણે જ તેને ગુજરાતમાં નામ મળ્યું છે કમલમ.
આનું કોઈ ઝાડ નથી હોતું. એ એક કેક્ટસ નામની લતા પર ઉગે છે. ઉષ્ણ જળવાયુ પ્રકારનું આ ફળ રાતના તેની સુગંધ માટે ઓળખાય છે. એટલે જ તેને ક્વીન ઓફ ધ નાઈટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં નામ ફક્ત અંગ્રેજીમાં જ રાખવું કારણ કે રાતરાણી જેવું આપણે ત્યાં એક ઝાડ પણ આવે છે જે રાતમાં એવી સુગંધ ફેંકે કે કોઈવાર સાપ પણ આકર્ષિત થયા વિના નથી રહેતો.
ભગવાન હનુમાન લક્ષ્મણજીને ઠીક કરવા માટે સંજીવની બુટી લઈ આવ્યા હતા. આજે તો એ સંજીવની બુટી નહીં મળે પણ આ ડ્રેગન ફ્રૂટ સંજીવની બુટીથી ઓછું નથી. બ્લડ પ્રેશર અથવા તો ડાયાબિટીસની બીમારી હોય તો અચૂકથી આ ફળનું સેવન કરવું. ફળનું નિયમિત સેવન કરતા તમારા શરીરને કેલ્શિયમ મળે જેનાથી હાડકા મજબૂત થાય. ફોસ્ફરસ મળે, પ્રોટીન મળે. કાર્બોહાઈડ્રેડ મળે. વિટામીન C જેની કોરોનામાં ઈમ્યુનિટી વધારવા ખૂબ જરૂર હોય છે એ પણ મળે. ફાઈબર ભરપૂર માત્રામાં હોવાથી શરીરને સ્થૂળકાય બનાવતા અટકાવી દે છે.
બીજા ફળોની તુલનાએ આ ફળ એટલે ઉત્તમ છે કારણ કે અન્યોના તો એક આપના તો અઢાર છે. એમાં એન્ટીઓક્સીડેન્ટ તત્વ ભારે માત્રામાં હોય જે શરીરમાંથી ટોક્સિન એટલે કે ગંદા પદાર્થોને બહાર કાઢી નાખે. સવારે અને સાંજે ડ્રેગન ફ્રૂટ ખાવ છો તો કેન્સરની બીમારી તમારાથી બાર ગામ છેટી રહે છે. હવે મહત્વનો મુદ્દો. આ ફળમાં 90 ટકા પાણી હોય છે. તમારા શરીરને જ્યારે ભરપૂર પાણી નથી મળતું તો મગજ ટેન્શનમાં ચાલ્યું જાય છે. કેવો તણાવ ? માથું ભારે લાગવા માંડે, કામમાં મન ન લાગે, શરીર દુખવા માંડે. આવું ન થાય એટલે પણ ડ્રેગન ફ્રૂટ ખાવું. કૃપા કરીને માફ કરજો રૂકાવટ માટે ખેદ છે. કમલમ ખાજો.
આ ફળ આપને વૃદ્ધ થતા અટકાવશે. શરીરમાં પડતી કરચલીઓ નો છેદ ઉડાવી દેશે. પાચનતંત્ર મજબૂત થશે. આ ફળમાં આયર્ન અને પ્રોટીનની માત્રા વધારે હોય. આજુબાજુ નજર કરી લો કે કોઈ મહિલા ગર્ભવતી છે તો તેને સલાહ આપો કે તે ડ્રેગન ફ્રૂટ ગ્રહણ કરે. તેનાથી બાળકનો પેટમાં વિકાસ અધિક થશે. હ્રદય સ્વસ્થ થઈ જાય. હુમલો ન આવે. અને અગાઉ કહી એમાંની એક સૌથી મહત્વની વાત. આ ફળ ઈમ્યુનિટી વધારે છે. કોરોના પછી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ઈમ્યુનિટી એ કઈ બલાનું નામ છે.
પણ મિત્રો વધારે ગ્રહણ ન કરતા. જરૂરી માત્રામાં જ ખાજો. કોઈ એક ચીર આપે તો સ્વીકારીને પૂર્ણ કરી લેજો. અમારા ગોવાબાપાની જેમ રાકા ન બની જતા, કારણ કે વધારે સેવન કરશો તો ઝાડા થઈ જાશે. આ તેનો સૌથી મોટો ગેરલાભ છે. બીજો મોટો ગેરલાભ કે જેમનું શરીર પાતળું જ હોય તો પાતળું જ રહેવા દેજો. આવા લોકોએ ડ્રેગન ફ્રૂટ ખાવું પણ અતિશય ન ખાવું. આ ફળ ભૂખમાં વધારો કરે છે. શરીર વધી જશે. અરે તૈમૂરની જેમ ગોલુમોલુ થઈ જશો.
આપણે ત્યાં હવે તેનું નૂતન નામકરણ થયું જ્યારે અમેરિકા બાજુ તો એના કેટલા બધા નામ છે. હોનોલુલુ રાણીના નામથી ઓળખવામાં આવે છે. મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાએ આ ફળને સુપર ફૂડ નામથી સંબોધિત કર્યું છે. અન્ય દેશોમાં તેના વિવિધ નામ છે. પિથયા, પિતાયા, સ્ટ્રોબેરી પીયર, નાશપતી અને ગુજરાતમાં કમલમ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત