Homeવિશેષસિંહાસન બત્રીસી : ચંદ્રકલાની ભાગ્ય અને પુરુષાર્થની વાર્તા

સિંહાસન બત્રીસી : ચંદ્રકલાની ભાગ્ય અને પુરુષાર્થની વાર્તા

Team Chabuk : ચિત્રલેખા બાદ ત્રીજી પુતળી ચંદ્રકલા સામે આવી અને તેણે વાત કહેવાની શરૂઆત કરી. એક વખત મહેનત અને ભાગ્ય વચ્ચે ટક્કર થઈ ગઈ. પુરુષાર્થ કહે મહેનત વિના આ દુનિયામાં કોઈ પણ વસ્તુ સંભવ નથી. જ્યારે ભાગ્યનું માનવું હતું કે જેને જે પણ મળે છે એ ભાગ્યના આધાર પર જ મળે છે. પરિશ્રમની તેમાં નજીવી ભૂમિકા પણ નથી રહેતી.

એમની ચર્ચા એટલી લાંબી ચાલી કે તેમાંથી કોઈ પરિણામ નહોતું નીકળી રહ્યું. બંને દેવરાજ ઈન્દ્રની શરણમાં કોણ મોટું ? તે સમસ્યાનું નિરાકરણ કરવા માટે ગયા. ઈન્દ્રએ આવો કોઈ દિવસ વિચાર નહોતો કર્યો. એ પુરુષાર્થ અને ભાગ્યની વાત સાંભળી હેરાન થઈ ગયો.

ઈન્દ્રએ મનમાં જ વિચાર્યું,‘અજીબ વાત છે. પુરુષાર્થને તો એ લોકો નથી માનતા જેમને ભાગ્યના આધાર પર સઘળું પ્રાપ્ત થઈ ચૂક્યું છે. જો હું ભાગ્યના પક્ષમાં નિર્ણય સંભળાવીશ તો અચૂક પુરુષાર્થ એ વ્યક્તિઓના નામ મારી સમક્ષ પ્રસ્તુત કરી ગણાશે જેમણે મહેનતના બળે સિદ્ધિ મેળવી હોય.’

ઈન્દ્ર અસમંજસમાં પડી ગયા. એ કોઈ અંતિમ તારણ પર નહોતા આવી શકતા. ઘણું વિચાર્યા પછી એમને ન્યાયી, પરાક્રમી અને બુદ્ધિચાતુર્યમાં અવ્વલ એવા વિક્રમની યાદ આવી ગઈ. તેમના ચહેરા પર સ્મિત આવી ગયું અને ચપટી વગાડતા બોલ્યા, ‘હા, વિક્રમાદિત્ય જ તો છે જે આ વાતનો અંતિમ નિર્ણય કરી શકે છે. પુરુષાર્થ અને ભાગ્ય આ બંનેમાંથી કોણ મોટું તેનું પરિણામ લાવી શકે છે.’

તેમણે પુરુષાર્થ અને ભાગ્યને વીર વિક્રમની પાસે જવાનું કહ્યું. પુરુષાર્થ અને ભાગ્ય માનવવેશમાં વિક્રમની પાસે ગયા. વિક્રમની પાસે આવી તેમણે પોતાના ઝઘડાનું કારણ કહ્યું. વિક્રમાદિત્ય પણ મૂંઝાઈ ગયા. આ તો અઘરો સવાલ આવી ગયો. તાત્કાલિક તો આટલા અઘરા પ્રશ્નનું સમાધાન કેવી રીતે કરી શકાય ? એટલે તેમણે પુરુષાર્થ અને ભાગ્ય પાસેથી છ મહિનાની અવધિ માગી. રાજા વિક્રમે કહ્યું, ‘છ મહિના બાદ તમે ફરી અહીં આવજો. તમારામાંથી કોણ મોટું તે હું તમને જણાવી દઈશ.’

તેઓ ગયા તો વિક્રમાદિત્યએ ઘણું જ વિચાર્યું. કોઈ તારણ પર લાંબા સમય સુધી ન પહોંચી શક્યા તો સામાન્ય વ્યક્તિનો વેશ ધારણ કરી નગરજનોની વચ્ચે ભ્રમણ કરવાનું નક્કી કર્યું. ઘણું ઘુમ્યા પણ પ્રશ્નનો ઉત્તર ન મળ્યો. નક્કી કર્યું કે બીજા રાજ્યોમાં પણ આ રીતે જ પરિભ્રમણ કરવું.

છતાં કંઈ નિવેડો ન નીકળ્યો તો તેઓ અન્ય એક રાજ્યમાં વેપારીને ત્યાં નોકરી કરવા માટે રોકાય ગયા. વેપારીએ વિક્રમને કહ્યું, ‘મારી પાસે તો ઘણા નોકરો છે. પણ તું જો એ કામ કરી શકે જે બીજા નથી કરી શકતા તો હું તને નોકરી પર રાખું.’

વિક્રમે હા કહી અને વેપારીને ત્યાં નોકરી કરવા લાગ્યો.

થોડા દિવસ પછી વેપારી જહાજ ઉપર પોતાનો માલ નાખીને અન્ય દેશનો પ્રવાસ કરી રહ્યો હતો. તેની સાથે તેના નોકરો પણ હતા અને વિક્રમાદિત્ય પણ હતો. જહાજ થોડે દૂર ગયું કે ભયંકર તોફાન આવ્યું. જહાજમાં સવાર લોકો ડરી ગયા. ગમે એ રીતે જહાજ એક ટાપુની નજીક લાંગરવામાં આવ્યું અને ત્યાં લંગર નાખી દીધું. તોફાન રોકાય ગયું તો બધાના તાળવે ચોંટેલા જીવ હેઠા બેઠા. ટાપુ પરથી લંગર ઉઠાવવામાં આવતા હતા, પણ લંગર કોઈથી ઉપડી નહોતું રહ્યું. બધાએ ખૂબ મહેનત કરી. છેલ્લે વેપારીને તગડો નોકર વિક્રમ યાદ આવ્યો. જેને વેપારીએ કહ્યું હતું કે જે કામ કોઈ ન કરી શકે એ કામ તું કરીને બતાવે તો જ હું તને નોકરી પર રાખીશ.

વેપારીએ આદેશ આપ્યો, ‘હેય વિક્રમ તું ઉઠાવ.’

બધા જહાજ પર સવાર થઈ ગયા અને વિક્રમ લંગર ઉઠાવી રહ્યો હતો. વિક્રમ માટે તો આ ખૂબ સરળ હતું. એણે જેવું લંગર ઉઠાવ્યું જહાજ તીવ્ર ગતિથી ટાપુના કિનારાને છોડી ચાલ્યું ગયું. વિક્રમ એકલો રહી ગયો.  

ટાપુ પર એકલા રહેલા વિક્રમને સમજાતું નહોતું કે હવે કરવું શું ? એકલા વિક્રમે નક્કી કર્યું કે ટાપુ પર ઘુમીએ. એ ટાપુમાં આવેલા નગરના દ્વારા પર જ એક પટ્ટી લાગેલી હતી. જેમાં લખ્યું હતું કે અહીંની રાજકુમારીના વિવાહ વિક્રમાદિત્ય સાથે થશે. એ ચાલતો ચાલતો મહેલ સુધી પહોંચ્યો.

રાજકુમારી તેનો પરિચય મેળવીને અત્યંત ખુશ થઈ ગઈ. એ તો એમની જ પ્રતિક્ષા કરી રહી હતી. બંનેના વિવાહ થઈ ગયા. થોડા સમય પછી એ કેટલાક સૈનિકોની સાથે પોતાને રાજ્ય પરત ફર્યા. રસ્તામાં વિશ્રામ માટે જ્યાં રોકાયા ત્યાં જ એક સંન્યાસી હતો. સંન્યાસીએ તેમને એક માળા અને લાકડી આપી. માળામાં બે વિશેષતા હતી – તેને પહેરવાવાળો અદૃશ્ય થઈને તમામ વસ્તુ જોઈ શકતો હતો, પણ તેને કોઈ જોઈ નહોતું શકતું. બીજું કે ગળામાં એ માળા પહેરી હોય તો તેનું દરેક કાર્ય સિદ્ધ થઈ જાય. લાકડી જેની પાસે હોય એ ઉંઘતા પહેલા કોઈ પણ વસ્તુ માગે તે મળી જતી હતી.

સંન્યાસીનો આભાર માની વિક્રમ પોતાના રાજ્ય પરત ફર્યો. એક ઉદ્યાનમાં રોકાઈને તેની સાથે આવેલા સેવકોને તેણે પરત મોકલી દીધા. પોતાની પત્નીને સંદેશ મોકલ્યો કે તેને તુરંત જ તેઓ પોતાના રાજ્ય બોલાવી લેશે. એ ઉદ્યાનમાં જ તેમની ભેટ એક બ્રાહ્મણ અને એક ભાટ સાથે થઈ. એ છેલ્લા ઘણા વખતથી આ ઉદ્યાનની સાર સંભાળ રાખી રહ્યા હતા. તેમને આશા હતી કે કોઈ દિવસ તો મહારાજા વિક્રમાદિત્ય અહીં આવશે અને અમારા કાર્યના વખાણ કરી શીરપાવ આપશે.

રાજાએ સંન્યાસીએ આપેલી લાકડી અને માળા બ્રાહ્મણ અને ભાટને આપી દીધી. આવી અમૂલ્ય વસ્તુઓ એ પણ રાજાના હસ્તે પામી તેઓ ખુશ થઈ ગયા. વિક્રમાદિત્યના નામનું રટણ કરી તેઓએ ત્યાંથી ચાલતી પકડી.

વિક્રમ રાજ દરબારમાં જઈ પોતાના નિત્ય કાર્યમાં પરોવાઈ ગયો. છ મહિનાની અવધિ પૂર્ણ થઈ. પુરુષાર્થ ને ભાગ્ય પોતાનો જવાબ માગવા રાજા પાસે આવ્યા.

વિક્રમે એ બંનેને જવાબ આપ્યો, ‘તમે બંને એકબીજાના પુરક છો.’

બંનેએ વિક્રમાદિત્યને પૂછ્યું, ‘એ કેવી રીતે મહારાજ?’

બંનેને સમજાવવા માટે રાજાએ લાકડી અને માળાનું દૃષ્ટાંત આપતા કહ્યું, ‘સંન્યાસીએ મને લાકડી અને માળા આપી હતી. તેના માટે મેં કોઈ જાતનો પુરુષાર્થ નહોતો કર્યો. એ તો ભાગ્યના આધાર પર મને મળી ગઈ હતી. ભાગ્યના આધાર પર મેળવેલી એ બંને વસ્તુ પુરુષાર્થ થકી બ્રાહ્મણ અને ભાટ લઈ ગયા.’

ભાગ્ય અને પુરુષાર્થ મહારાજાધિરાજ વિક્રમાદિત્યના ઉત્તરથી અતિ પ્રસન્ન થયા અને ખુશ થઈ ચાલ્યા ગયા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments