Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં બનેલા બનાવે સૌને હતભ્રત કરી દીધાં છે. આ ઘટના બની છે નવ વર્ષની બહેન અને તેના અગિયાર વર્ષના ભાઈની સાથે. ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા આ ભાઈ બહેનને ક્યાંકથી સર્પ આવી ચડ્યો હતો અને કરડી ગયો હતો. ઝેરીલું જનાવર કરડ્યાની જાણ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં નવ વર્ષની છોકરીનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે અગિયાર વર્ષીય ભાઈ હાલ ગંભીર હાલતમાં છે અને તેની સારવાર ચાલી રહી છે.
વરસાદની સિઝન આવી ગઈ છે. હવે વરસાદ પડવાની સાથે સાથે પૃથ્વીના પેટાળમાં બફારો થતાં જીવજંતુઓ બહાર નીકળવાની ઘટનાઓ પણ બનશે. જેમાં સરીસૃપ વર્ગના સાપ અને પ્રાણઘાતક વીંછી નીકળવાના બનાવો વધારે બને છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પણ કબ્રસ્તાનની પાછળના ભાગમાં કમકમાટી છોડાવી જાય તેવી ઘટના બની હતી. અહીં ભાઈ અને બહેને દાદા-દાદીની સાથે રહે છે, કારણ કે તેમના માતા પિતાનું નિધન થઈ ચૂક્યું છે. ક્યાંક અવાવરી જગ્યાએથી સાપ આવી ચડતા તેણે ભાઈ અને બહેનને ડંખી લીધા હતા.
ઘટનાની જાણ થતાંની સાથે જ પાડોશીઓ એકત્રિત થઈ ગયા હતા અને ભાઈ બહેનને તાત્કાલિક હોસ્પિટલે ખસેડ્યા હતા. જોકે હોસ્પિટલે પહોંચ્યા બાદ નવ વર્ષીય બહેન કિંજલનું મોત થઈ ગયું હતું. આ ગોઝારી ઘટનામાં હાલ કિંજલનો ભાઈ ઉમંગ જીવન અને મરણની વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ડોક્ટરે જણાવ્યું કે, સાપ કરડવાના કારણે બહેનનું મોત થયું છે જ્યારે ભાઈ સારવાર હેઠળ છે.
નવ વર્ષની કિશોરીનું મોત થતાં તેના દાદા દાદી પર તો આભ તૂટી પડ્યું હતું અને તેમણે દવાખાનામાં જ આક્રંદ મચાવી દીધું હતું. આ કરુણ દૃશ્યો જોઈને આસપાસના લોકોમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી. માતા પિતા નથી ત્યારે હવે અગિયાર વર્ષનાં ભાઈએ પોતાની નાની બહેનનો પડછાયો પણ ગુમાવી દીધો છે. આ ઘટનાથી ધ્રાંગધ્રા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત