સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ગોદાવરી અને શેખપર ગામે હાલ જેટકો કંપની દ્વારા વીજલાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે. જેને ખેડૂતોના વિરોધના કારણે બંધ કરવાની ફરજ પડી છે. મળતી વિગતો પ્રમાણે મુળી તાલુકાના ગોદાવરી અને શેખપર ગામે સરલાથી આવતી વીજલાઈન ખેડૂતોને જાણ કર્યા વગર ઉભા પાકમાં નખાતી હોવાને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. અને ખેડૂતોએ વીજલાઈન નાખવાની કામગીરી બંધ કરવાની માગ કરીને હલ્લાબોલ મચાવ્યો હતો. ખેડૂતોના આક્રોશને પગલે જેટકો કંપનીએ વીજલાઈન નાખવાનું કામ બંધ કરવું પડ્યું હતું.
વીજકંપની જેટકો દ્વારા સરલાથી નીકળતી વીજલાઈનનું હાલ કામ ચાલી રહ્યું છે. જે માટે કંપની દ્વારા ગોદાવરી અને શેખપર ગામે વીજપોલ નાખવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. આ વીજલાઈન ગામના કેટલાક ખેડૂતોના ખેતરમાંથી પસાર થઈ રહી હતી. જેની જાણ થતાં ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડા સહિતના ખેડૂતો સ્થળ પર પહોંચ્યા હતા અને ખેડૂતોએ આ કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે આ કામગીરી માટે કંપનીએ ખેતર માલિકની મંજૂરી લીધી નથી અને વિના મંજૂરીએ ખેતરમાં પોલ નાખવાનું કામ શરૂ કરી દેવાયું છે. કોઈપણ નોટિસ કે મૌખિક જાણ પણ અગાઉથી કરાઈ નથી. જેથી ખેડૂતોએ આ આરોપ સાથે કામ અટકાવ્યું હતું.
ઉભા પાકમાં જાણ કર્યા વગર આ પ્રકારે વીજલાઈનનું કામ શરૂ કરી દેવાતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ખેડૂતોએ કહ્યું હતું કે, જેટકોની આ કામગીરીથી અમારા ઉભા પાકને નુકસાન થઈ શકે છે. ખેડૂતોનો આક્રોશ જોઈને જેટકો કંપનીએ કામ બંધ કરી દીધું છે પરંતુ કંપનીના અધિકારીઓ દ્વારા સોમવારે મુખ્ય અધિકારી સાથે બેઠક કરીને કાર્યવાહી કરવાનું જણાવાયું છે.
વળતર ચુકવ્યા વગર કંપનીએ કામ ચાલુ કરી દીધેલું
સામાન્ય રીતે ખેડૂતોના ખેતરમાંથી જ્યારે કોઈ વીજલાઈન નીકળતી હોય, કેનાલ નીકળતી હોય કે ગેસની લાઈન નીકળતી હોય ત્યારે ખેડૂતોને નુકસાની પેટે વળતર આપવું પડતું હોય છે. પરંતુ મુળી તાલુકાના ગોદાવરી અને શેખપર ગામે ચાલી રહેલા જેટકો કંપનીના વીજલાઈનના કામમાં ખેડૂતોને વળતર ચુકવવામાં ન આવ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. વળતર તો ઠીક ખેડૂતોને અગાઉથી જાણ પણ નથી કરાઈ કે તેઓના ખેતરમાંથી વીજલાઈન નીકળવાની છે. આમ જેટકોએ ખેડૂતોને વળતર ચુકવ્યા વિના જ કામગીરી શરૂ કરી દીધી હતી.
શું કહે છે કાયદો ?
વીજળીની માગને ધ્યાને લઈને ભારત સરકારે 2003માં ઇલેક્ટ્રીસીટી એક્ટ અને 2006માં ઉત્પાદન, વહન અને વહેંચણી માટે લાયસન્સના નિયમો બનાવ્યા છે. જે મુજબ જોઈએ તો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે કોઈ ખાનગી વીજ કંપનીઓ કે વીજ વહન કરતી કંપનીઓને જમીન માલિકની સહમતી મેળવવી જરૂરી છે. જમીન માલિકની સહમતી મેળવવા માટે 2006ના લાયસન્સના નિયમો પૈકી નિયમ નં-3બી અનુસાર જમીન માલિક સાથે તેઓને ચુકવવાના વળતર સંબંધે સીધી વળતરની રકમ નક્કી કરવાની જોગવાઈનું પાલન કરવાનું હોય છે. જો એમાં સહમતિ ન થાય તો કંપનીએ જિલ્લા ન્યાયધીશ/પોલીસ કમિશનરને રકમ નક્કી કરવા વિનંતી કરવાની હોય છે. જમીન માલિક તરફથી રજૂઆત થયા પછી અને જરૂરી તપાસ કર્યા બાદ જિલ્લા ન્યાયધીશ કે પોલીસ કમિશનર વળતરની રકમ નક્કી કરે અને કંપનીને નિર્દેશ આપશે કે જમીન માલિકને વળતર ચુકવી આપે. મેજિસ્ટ્રેટનો ઓર્ડર મળ્યા બાદ જમીન માલિક વળતરની રકમ લઈ શકશે અને કંપનીને વીજપોલ કે તાર નાખવાની મંજૂરી આપી શકે છે. અને મેજિસ્ટ્રેટના હુકમથી જો જમીન માલિકને સંતોષ ન હોય તો એ યોગ્ય સત્તા મંડળ સમક્ષ યોગ્ય વળતરની માગ કરી શકે છે.
અગાઉ આ પ્રકારના અનેક મુદ્દે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે નિયમ મુજબ ખેતર માલિકને નોટિસ આપવા, આગોતરી સહમતિ મેળવવા, જમીનનું વળતર નક્કી કરવામાં જમીનના ભવિષ્યમાં થનારા વિકાસ અને જમીનના મૂલ્યમાં થનારા ઘટાડાને ધ્યાનમાં લેવા અને ચુકવણી બાબતે થતા વિલંબ માટે વળતરની રકમમાં વાર્ષિક 10 ટકાનો વધારો કરવા બાબતે ચુકાદા આપ્યા છે.
ખેડૂતોએ જાગૃત બનવું પડશે
જો કે અનેક જગ્યાએ ખેડૂતોની પરવાનગી લીધા વિના વીજ કંપનીઓ દ્વારા આ પ્રકારે ખેતરમાં વીજલાઈનો નાખી દીધી. કાયદાથી અજાણ ખેડૂતોને સરકારી કામના નામે ભોળવીને કંપનીઓએ વીજલાઈનો નાખી દીધી છે. ખેડૂતોએ પણ કાયદાની પૂરતી જાણકારી ન હોવાથી આવી કંપનીઓ સામે અવાજ ઉઠાવ્યો નથી. પરંતુ હાલ સુરેન્દ્રનગરના મુળી તાલુકાના ગોદાવરી અને શેખપર ગામે, જાણ કર્યા વગર કે મંજૂરી વિના વીજલાઈન નાખવાનું કામ થતાં જાગૃત ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો અને કંપનીએ કામ બંધ કરવું પડ્યું છે. તેથી જો ખેડૂતો કાયદાને જાણતાં થાય અને જાગૃત બને તો કંપનીઓની આ પ્રકારની મનમાની બંધ થઈ શકે છે.
આવું થયું હોય તો જમીન માલિક કંપની સામે કાર્યવાહી કરી શકે
વીજ કંપનીઓ દ્વારા પરવાનગી વિના ઘણી જગ્યાએ ખેતર કે મકાન પરથી વીજલાઈન નાખી દીધી હોય છે. અથવા કામ શરૂ કરતાં પહેલા યોગ્ય વળતરની રકમ નક્કી ન કરી હોય. ઘણી વખત કંપનીએ ચુકવેલા વળતરથી માલિકને સંતોષ નથી હોતો. અથવા તો સાંથણીમાં જમીન મેળવનાર ખેડૂતોને વળતર મળ્યું નથી હોતું. તો આવા કિસ્સામાં જમીન માલિક કંપની સામે કાર્યવાહીની માગ કરી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત