Homeસાહિત્યકોઈ પ્રેમ કરે, કોઈ પૂજા : જાણી જોઈને ફાડી નાખેલા જીન્સના પેન્ટ...

કોઈ પ્રેમ કરે, કોઈ પૂજા : જાણી જોઈને ફાડી નાખેલા જીન્સના પેન્ટ અને બ્લાઊઝની સાઈઝના ટી-શર્ટ

કોઈ પ્રેમ કરે કોઈ પૂજા. ડો.શરદ ઠાકરનું પુસ્તક છે. 44 વાર્તાઓથી ભરેલા પુસ્તકમાંની દરેક વાર્તા ઓ.હેનરીની માફક આંચકો આપવા સર્જાયેલી છે. વાર્તાના અંતમાં ભૂકંપના હળવા આંચકા ખાવાના છે તેની અનુભૂતિ પ્રારંભમાં જ મહેસૂસ થવા માંડે છે. પ્રારંભમાં એટલા માટે કે લેખકની લેખનશૈલીથી આપણે પરિચિત છીએ કે કોના પુસ્તક સાથે પનારો પડ્યો છે.

જો આ પુસ્તકની ઉપરથી તેનું પૂંઠું અને લેખકનું નામ હટાવી દેવામાં આવે અને પછી એકાદ ફકરો વાંચકની સમક્ષ રાખી દેવામાં આવે તો સ્પષ્ટ છે કે તે લેખકનું નામ જોયા વિના જ કહી દે કે આ ડોક્ટર શરદ ઠાકરનું લખાણ છે. ડોક્ટર સાહેબ વિશે સ્પષ્ટ શબ્દોમાં ચાબુક કહે છે. ડોક્ટરની ડોક્ટરની ડાયરી કરતા કે તેમની નવલકથાઓ કરતા પણ વધારે મજા તેમની રણમાં ખીલ્યું ગુલાબ સિરીઝમાં આવે છે. વર્ષોથી તેઓ પ્રેમનું અવિતર ઓસડ તેમના વાચકોને પીવડાવી રહ્યા છે અને વાચકો હજુ પણ ધરાતા નથી.

ચાબુકને ખ્યાલ છે કે ડોક્ટર શરદ ઠાકરની પહેલા પણ તેઓ લખે છે એવી જ વાર્તાઓની કોલમ ચાલતી હતી. ઘણી આજે પણ ચાલી પણ રહી છે. અખબારો માટે એ કોલમ ચલાવવી જરૂરી હતી. નસીર ઈસ્માઈલ, પરાજીત પટેલ, ડો.ચંદ્રકાંત મહેતા, પ્રિયકાન્ત પરીખ જેવા લેખકોની માફક જ ડો.શરદ ઠાકર વર્ષોથી બુધવાર અને રવિવારની સવારે લોકોને પ્રેમનું ઈજન આપતા રહે છે. ડોક્ટર સાહેબ માટે તો કહી શકાય કે પ્રેમનું ઈન્જેક્શન ફટકારતા રહે છે. ઉપર જે વાર્તાની કોલમની વાત કરી તેમાં ડો.શરદ ઠાકર હાલ તો નંબર વન જ છે.

1000થી 1200 શબ્દોમાં તેમની રણમાં ખીલ્યું ગુલાબ વાર્તાના શબ્દો સડસડાટ કોઈ બુલેટ ટ્રેનની જેમ વાંચતા જઈએ છીએ. અખબારી કોલમની સફળતા તે કેટલી ઝડપથી વંચાય છે અને તેના શબ્દો કેટલી ઝડપથી તમારા મગજ પર કાબુ કરી લે છે તેના પર છે. આવું જૂજ લેખકો કરી જાણે છે અને તેમાં પણ વાર્તામાં કરવું એ મુશ્કેલ છે.

કોઈ પ્રેમ કરે, કોઈ પૂજા પુસ્તક એ રીતે પણ અલગ પડે છે કે પાર્શ્વ પબ્લિકેશન કે નવભારત સાહિત્ય મંદિરની જગ્યાએ તેને ગૂર્જર ગ્રથરત્ન કાર્યાલયે છાપ્યું છે. ગુજરાતના ખૂબ ઓછા લેખકોમાંથી એક શરદ ઠાકર છે કે જેમના પુસ્તકો ત્રણ મોટી પ્રકાશન સંસ્થાઓ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે.

સમગ્ર પુસ્તકમાં જો કોઈ વસ્તુ ગમે છે તો તે છે લેખકની શબ્દો સાથે રમવાની કળા. હું અહીં પ્રથમ વાર્તાનો પહેલો ફકરો મૂકુ છું.

‘અટેન્શન! કોલેજના ઝાંપામાંથી કોલેજનું રૂપ પ્રવેશી રહ્યું છે. આંખોને માટે સુખનો સમય આવી રહ્યો છે. હવે મોં બંધ અને નેત્રો ખુલ્લાં. પાંપણો ઝપકાવવાનું પણ થોડી વાર માટે બંધ…’

હંમેશાંથી વાચકો શરદ ઠાકરની વાર્તાઓમાં બે વસ્તુ અલગ તારવે છે. પાત્રનું નામ અને લેખકે ઉપયોગમાં લીધેલી પ્રેમની ફિલોસોફી. આ સિવાય ત્રીજી વસ્તુ જે આંખોને સંતોષ આપે છે તે છે સ્ત્રી કે પુરુષનો વાર્તામાં પ્રવેશ. સ્ત્રી કે પુરુષના દેહનું કરવામાં આવેલું ચોટદાર વર્ણન. ચાબુકે મુકેલી તસવીરમાં જે લખેલું છે. તેની જ વાત કરીએ.

એ વાર્તા છે બે યુવાનોની. એક આત્મહત્યા કરવા આવ્યો છે તેને રોકવા બીજો આવી ચડે છે. ક્રમશ: પાત્રોનું નામ છે નીલ મહેતા અને અવિનાશ દલાલ. અવિનાશ નીલને તેનું પ્રેમનું સરનામું પૂછે છે. એ પછી નીલ તેના વખાણ કરે છે. કેવી રીતે? વાંચો.

‘ઝંખના. કંગના જ્વેલર્સવાળા જગજીવનદાસ સોનીની સૌથી નાની દીકરી. એ કોઈ સીધી સાદી છોકરી નથી. એના બાપે ઘડેલો સાડા પાંચ ફીટ ઊંચો, ચોવીસ કેરેટનો સોનાનો નકશીદાર દાગીનો છે. એના ગુલાબી ઝાયવાળા બદન ઉપર હળવેકથી આંગળી ફેરવો તોયે દરિયાની ભીની રેતીમાં જેમ પવનનો લિસોટો પડે એવો લિસોટો પડી જાય છે.’ (પેજ નંબર-55)

લેખકની શૈલી વિશે વાત કરીએ તો તેઓ આસપાસની નાની મોટી વસ્તુને કે પાત્રના નામને અથવા તો પાત્રના પરિવારજનોમાંથી કોઈના સંબંધ કે ધંધાને છોકરી કે છોકરા સાથે જોડી દે છે. ઉપરની વાર્તામાં નામ ઝંખના અને તેના પિતાનું નામ જગજીવનદાસ. ધંધો શું કરે છે ? જ્વેલર્સનો. તો ઝંખના કેવી દેખાય છે ? એના બાપે ઘડેલો સાડા પાંચ ફીટ ઊંચો, ચોવીસ કેરેટનો સોનાનો નકશીદાર દાગીનો છે.

નવમી વાર્તામાં પાત્રોનું દર્શન કેવી રીતે કરાવે છે ? ‘ઊઘડતું વેકેશન અને ખીલતી જુવાની. કોલેજ સાયન્સની, પણ વાતાવરણ આર્ટ્સનું. કોરિડોરમાં પાંચ-સાત સિનિયર કોલેજિયનો નવા બકરાની તલાશમાં આંખની સ્વિચ ઓન કરીને ઊભાં છે. દુર્યોધન અને દુ:શાસનની ઝેરોક્ષ કાઢી હોય એવા મેલાં મન. સાથે ત્રણ ચાર કેસુડાંનાં ફૂલ જેવી છોકરીઓ ઊભી છે. જાણી જોઈને ફાડી નાખેલા જીન્સના પેન્ટ અને બ્લાઊઝની સાઈઝના ટી-શર્ટ. કપડાં જોઈને તો ઠીક છે, પણ મોઢાં જોઈનેય ખબર ન પડે આમાંથી છોકરો કોણ અને છોકરી કોણ છે!’ (પેજ નંબર-34)

અહીં લેખક વિલન સમુદાયથી વાચક સમુદાયને પરિચિત કરાવે છે.. ભારતીય માઈથોલોજીના દૃષ્ટ પાત્રો સાથે તુલના કરે છે. માઈથોલોજીની સાથે ઈતિહાસનો પણ સંદર્ભ લે છે. આઠ નંબરની વાર્તામાં આવતા ફકરાને અજાયબીઓ સાથે કેવી રીતે જોડ્યો એ જુઓ.

‘શેઠ કાલિદાસ ઈચ્છાશંકર મહેતા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના કોઈ પણ વિદ્યાર્થીને જો આ પ્રશ્ન પૂછવામાં આવે કે વિશ્વની સાત અજાયબીનાં નામ કયાં કયાં છે તો બધાનો જવાબ એક જ હોય : સાવન, પૂજન, નકુલ, નિહાલ અને તક્ષક – આ પાંચ છોકરાઓ અને નજાકત તેમ જ ટીના, આ બે છોકરીઓ. અમારી કોલેજના આ મેગ્નિફિસન્ટ સેવન છે.’ (પેજ નંબર-30)

એમની વાર્તામાં ઈતિહાસના સંદર્ભો પણ વપરાય, અગાઉ કહ્યું તેમ માઈથોલોજી પણ આવે અને ફિલ્મો – મેગ્નિફિસન્ટ સેવન પણ આવી જાય. પુસ્તકની તમામ વાર્તાઓને, જેમાં રણમાં ખીલ્યું ગુલાબના પુસ્તકો પણ આવી જાય, એ સઘળી વાર્તાઓની અંદર શબ્દોનો લેખકે કોઈ માહિતીપ્રદ લેખની જેમ ઉપયોગ કર્યો છે.

‘આજે રવિવારે પણ એ ખુરશીમાં ફેવિકોલ લગાડીને બેસી ગયો હતો. હાથમાં ચોપડી હતી અને કલ્પનામાં કારકિર્દી હતી.’ (પેજ નંબર-172)

આ પુસ્તકની તમામ વાર્તાઓ વાંચ્યા પછી લેખકની નિરીક્ષણવૃતિને સલામ મારવાનું મન થાય. એ જે તે પાત્રને આખે આખુ તમારી સામે ઊભું કરી દે. તમારે એ વ્યક્તિ વિશે લખેલું વાંચવાનું અને પછી આંખો બંધ કરવાની એટલે તમારા મનમાં જે તે પાત્ર ઉપસી જ જાય. 44 વાર્તાઓમાંથી એક પણ વખત એવું બનતું નથી કે લેખક પાત્રને ઉપસાવવામાં નિષ્ફળ નિવડ્યા હોય. ઉપરથી ચાર જ પાનાંની વાર્તામાં તેનું જે તે પાત્ર વાચકના મગજ પર અમીટ છાપ છોડી જાય છે. ભલે તે ક્ષણવાર પૂરતો જ આવતો હોય પણ તે કાયમ મગજના એક ખૂણે ઘર કરી જાય છે.

આ તમામ વાર્તાઓનો વાંધો એક જ છે. એ તમને સતત વાંચવા પ્રેરશે, પણ એ વાર્તાઓ એક પછી એક યાદ નથી રહેતી. પાત્રો યાદ નથી રહેતા, ઘટના ધૂંધળી થવા લાગે છે, વર્ણન વિસરાવા માંડે છે. બારમી વાર્તા ગમી જાય તો તેનાથી ચડિયાતી પંદરમી હોય એટલે બારમી વાર્તાનો મગજમાંથી છેદ ઉડી જાય. પંદરમી ગમે ત્યાં ઓગણીસમી તેનાથી સારી હોય. આમાંથી કઈ એક વાર્તા સારી છે એ તો નહીં કહી શકીએ, પણ જો ચાબુકને અંગત રીતે પૂછવામાં આવે તો છ નંબરની વાર્તા. ખૂબ જ ગમી.

હવે ડોક્ટર સાહેબનો ઓબ્ઝર્વેશનનો એક નમૂનો જોઈ આપણે ઉપડીએ બીજી ચોપડીએ, ‘ટ્રાફિક પોઈન્ટ ઉપરની લીલી બત્તી બંધ થઈ લાલ લાઈટ ઝબૂકી ઉઠી. પરખે બ્રેક મારીને એનું મોપેડ ઊભું રાખ્યું. એની સાથેનાં અન્ય વાહનો પણ અટકી ગયાં. એક મોટરબાઈક એની બાજુમાં આવીને ઊભી રહી. સાવ અડોઅડ. બાવીસ વર્ષની, પૂર્ણવિકસિત પુષ્પ જેવી પરખે જોયું તો એ જ હતો. સાવ મવાલી જેવો દેખાવ. પાતળું, ઊંચું શરીર. આછી દાઢી, વિખરાયેલા વાળ ઉપર માટી અને કચરાનો અભિષેક, કાળા ધબ્બાવાળું ચોળાયેલું શર્ટ અને જીન્સનું પેન્ટ. એ પણ ડાઘાડૂઘીવાળું. પહેલી નજરે જ ખબર પડી જાય કે ગેરેજમાં મિકેનિક હોવો જોઈએ. ગાડીની નીચે ઘૂસીને જમીન ઉપર ચત્તાપાટ પડીને ગાડીનું સમારકામ કરતો હોય તો જ શરીર અને કપડાં ઉપર આવો ‘મેક-અપ’ ચડે.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments