Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરમાં પાંચ દિવસ લોકોની અવર જવર બંધ રહે તો કોરોના સંક્રમણ અટકે...

સુરેન્દ્રનગરમાં પાંચ દિવસ લોકોની અવર જવર બંધ રહે તો કોરોના સંક્રમણ અટકે તેવું કોણે કહ્યું ?

Team Chabuk-Gujarat-Desk: સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના વકર્યો છે. ગઈકાલે આવેલા 6000 કેસ પરથી કોરોનાસૂર કાબુ બહાર હોવાની વાતને ફગાવી ન શકાય. આ વચ્ચે હવે રાજ્ય સરકારે તો હાઈકોર્ટની ટકોર બાદ તેમને યોગ્ય લાગ્યા તેવા નિર્ણયો લાદી જ દીધા છે, પણ ગુજરાતના કેટલાક વિસ્તારો એવા છે જ્યાં સંક્રમણને નાથવા માટે પોત પોતાની રીતે ઉપાયો ખોજવામાં આવી રહ્યા છે.

કેટલાક ગામડાઓ સ્વૈચ્છિક લોકડાઉન થયા. ઘણા આંશિક લોકડાઉન થયા. કેટલાક ગામડાઓમાં કેસની સંખ્યામાં અચાનક વધારો થઈ જતાં ગામ સજ્જડ બંધ કરી દેવાની સરપંચને ફરજ પડી અને હવે સુરેન્દ્રનગરમાં બજારો બંધ કરવાની માગણી કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરમાં પણ કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. જિલ્લાની નજીક આવેલ ચોટીલા અને લીંબડીમાં જે રીતે પાંચ દિવસનું મીની લોકડાઉન કરવામાં આવ્યું એ રીતે જ સુરેન્દ્રનગરમાં પણ પાંચ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવે તેવી મહિલા કારોબારી ચેરમેન દ્વારા માંગણી કરવામાં આવી છે.

એક બાજુ કોરોનાના કેસ વધી રહ્યા છે બીજી બાજુ બજારો ખુલ્લી હોવાના કારણે લોકોની અવરજવરના પગલે સંક્રમણનું પ્રમાણ પણ વધી ગયું છે. સંક્રમણને અટકાવવું અને કોરોના દૈત્યને હરાવવો અત્યંત જરૂરી છે. કોરોનાના દર્દીઓની સંખ્યામાં અત્યાધિક વધારો થઈ જતાં હવે સામાન્ય લોકોને પણ ખાનગી હોસ્પિટલોમાં ઊંચા દર સાથે સારવાર લેવી પડી રહી છે. જેથી ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને મોટો માર પડી રહ્યો છે.

કોરોનાના વધતા કેસના પગલે લીંબડી અને ચોટીલામાં બજાર બંધ રાખવાનો સંપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રમાણે જ સુરેન્દ્રનગર અને વઢવાણમાં પણ પાંચ દિવસનું મીની લોકડાઉન જાહેર કરવામાં આવે તેવું વઢવાણના તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અવની બા સોલંકી સહિતના લોકોએ સાંસદ અને ધારાસભ્યને રજૂઆત કરી હતી.

તેમના મત મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં જો લોકોની અવર જવર અટકે તો કોરોનાના સંક્રમણને અટકાવી શકાય અને સ્થિતિને પુન: કાબુમાં લઈ શકાય. આ માટે નેતાઓ, વેપારીઓ, અધિકારીઓની સાથે મળી સહિયારું સંકલન સાધતા પાંચ દિવસ બજારો બંધ રાખવાની માંગ ઉઠી છે.

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments