Homeગુર્જર નગરીહું પણ X-MANનો મેગ્નિટો: હવે સુરેન્દ્રનગરનાં આ ભાઈનું શરીર બન્યું ચુંબકીય

હું પણ X-MANનો મેગ્નિટો: હવે સુરેન્દ્રનગરનાં આ ભાઈનું શરીર બન્યું ચુંબકીય

Team Chabuk-Gujarat Desk: આ વાતનો સ્વીકાર કરો કે ન કરો, પણ ભારતમાં કોઈ પણ નવી વસ્તુનો પ્રયોગ કરવામાં આવે અને એક વ્યક્તિને કાંઈ થાય તો બીજાઓને તુરંત કંઈનું કંઈ થવા માંડે. હવે શરીરમાં મેગ્નેટનો પ્રવેશ થયો હોય એવી સૂચિમાં સુરેન્દ્રનગરના વ્યક્તિનો સમાવેશ થાય છે. સૌથી પહેલા નાસિક, છત્તીસગઢ, પાલનપુર, સુરત અને હવે સુરેન્દ્રનગર. શું વેક્સિન લેવાથી આવું થાય છે? બિલકુલ નહીં, વેક્સિન લેવાથી આવું કંઈ નથી થતું.

હવે જે નવી ઘટના બની છે તે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીનાં બે લોકો અને ધ્રાંગધ્રાનાં બે લોકો સાથે બની છે. વેક્સિન લીધા બાદ ચાવી, ચમચી, મોબાઈલ સહિતની વસ્તુઓ તેમના શરીર સાથે ચોંટવા લાગી હતી. આથી તેઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. વેક્સિન લીધેલી વ્યક્તિઓની બોડી સાથે તપાસ કરતા પહેલા પ્લાસ્ટિકની વસ્તુ, ચાવી, ચમચી, કિચન ચોંટાડ્યા હતા. એ પછી શરીરને ઘસીને સાફ કરવામાં આવ્યું તોપણ આ વસ્તુઓ ચોંટી જતી હતી.

સુરેન્દ્રનગરનાં ધ્રાંગધ્રાનાં આધેડની સાથે પણ આવો જ બનાવ બન્યો છે. વિજયભાઈ સોમપુરા નામના 56 વર્ષના આધેડે સવારમાં સોશિયલ મીડિયા પર વીડિયો જોઈ પોતાના પર પ્રયત્ન કર્યો હતો. જે પછી તેમનું શરીર પણ મેગ્નેટિક બની ગયું હતું. આથી પરિવારના લોકો સહિત આસ પડોશના લોકોમાં કુતુહલ સર્જાયું હતું.

સુરતમાં દાદી અને પૌત્ર

ગુજરાતમાં આવી ઘટનાઓ શરૂ થયાનો આરંભ સુરતથી થયો છે. સુરતમાં 78 વર્ષીય દાદી અને 10 વર્ષીય પૌત્રને શરીર પર સિક્કા અને ચમચીઓ ચોંટી ગઈ હતી. હવે છે એવું કે વૃદ્ધાએ તો વેક્સિન લીધી છે પણ બાળકે વેક્સિન પણ નથી લીધી. જેથી વધારે આશ્ચર્ય થઈ રહ્યું છે. આ વિષે સુરત મહાનગર પાલિકાના ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિકભાઈ નાયકે જણાવ્યું હતું કે વેક્સિનનાં કારણે શરીરમાં આવી કોઈ અસર પેદા ન થઈ શકે.

બનાસકાંઠાના પાનલપુરમાં

બનાસકાંઠાના પાલનપુરમાં રહેતી 63 વર્ષીય વૃદ્ધાની છાતી પર શનિવાર સવારથી તમામ વસ્તુઓ ચોંટવા લાગી હતી. જેથી પરિવારના લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. તેમના શરીરમાં ચમચી, સ્ટીલ, લોખંડ જેવી વસ્તુઓ ચોંટી ગઈ હતી.

છત્તીસગઢ

વેક્સિન લીધા બાદ શરીર મેગ્નેટિક બની જાય છે એ વાતની ખબર મળતા છત્તીસગઢના રાજનાંદ ગામની મહિલા કાઉન્સિલર સુનીતાબહેન ફડણવીસનું શરીર પણ ચુંબકીય બની ગયું હતું. સિક્કા, લોખંડ અને સ્ટીલ સહિતની રાબેતા મુજબની વસ્તુઓ ચોંટવા લાગી હતી.

નાસિક

આ વ્યક્તિની ઉંમર 71 વર્ષની છે. અરવિંદ સોનાર નામેરી આ વ્યક્તિ નાસિકમાં સમોસાની દુકાન ચલાવે છે. અરવિંદ સોનારે 9 માર્ચનાં રોજ કોવિશિલ્ડ વેક્સિન લીધી હતી. 2 જૂનનાં રોજ તેણે વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. તેના પુત્ર જયંતે વેક્સિન લીધા બાદ શરીરમાં ધાતુ ચોંટવા લાગ્યા હોવાની ખબર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પુત્રએ પિતાના શરીર પર સ્ટીલની વસ્તુઓ રાખી જોવાનું નક્કી કર્યું હતું. તેમના શરીરની નજીક લોઢાની વસ્તુઓ રાખવામાં આવી એ ફટાફટ ચોંટવા લાગી હતી. પ્રથમ વખત આ ઘટના બની તો લાગ્યું કે પરસેવાના કારણે થયું હશે. એ પછી પરિવારનાં લોકોએ અરવિંદ સોનારને સ્નાન કરાવ્યું અને એ પછી લોઢાની વસ્તુઓ શરીર પર ચીપકાવી. જે પછી પણ કોઈ ફર્ક નહોતો આવ્યો. આ વિષે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના ડૉક્ટરે કહ્યું કે, ‘‘શરીરથી સિક્કાઓ અને વાસણનું ચોંટવું એ ભૌતિકશાસ્ત્રના નિયમોનાં આધારે શક્ય છે. જો ત્વચા ભીની હોય અને ચોંટવાની જગ્યા પર વેક્યુમ કેવિટી નિર્માણ પામે તો આ સંભવ છે. જોકે આ વાતને ટીકાકરણની સાથે ન જોડવી જોઈએ. અમારી સાથે કામ કરનારા લોકો કેટલીય વખત આ પ્રકારના દાવાનું સત્ય સામે લાવી ચૂક્યા છે.’’

અમેરિકામાં મહિલાનો દાવો ખોટો ઠર્યો

અમેરિકામાં પણ એક મહિલા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વેક્સિન લોકોને મેગ્નેટિક બનાવી રહી છે. અમેરિકાના ઓહાયો રાજ્યમાં સુનાવણી દરમિયાન પ્રયોગ કરી બતાવવાનું કહેવામાં આવ્યું ત્યારે મહિલાના શરીરમાં એક વખત ચાવી ચોંટી ગઈ હતી. પણ બાદમાં ગળાનાં ભાગે ચોંટાડવાનો અસંખ્ય વખત પ્રયત્ન કર્યા બાદ પણ તેમને નિષ્ફળતા હાથ લાગી હતી. આ ઘટનાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જોકે નિષ્ણાતો દ્વારા એ વાત કહેવામાં આવી છે કે, વેક્સિનનો ડોઝ લેવાથી શરીર મેગ્નેટિક બની જાય અને વસ્તુઓ ચોંટવા લાગે એ વાત જ પાયા વિહોણી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments