Team Chabuk-International Desk: રવિવારના રોજ નફ્તાલી બેનેટે ઈઝરાયલના નવા પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ 12 વર્ષથી પ્રધાનમંત્રીના પદ પર રહેલા બેન્જામિન નેતન્યાહુનો કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો છે. સંસદમાં બહુમત મેળવ્યા બાદ દક્ષિણપંથી યામિના પાર્ટીના 49 વર્ષીય નેતા બેનેટે રવિવારના રોજ શપથ લીધા હતા. નવી સરકારમાં 27 મંત્રી છે જેમાંથી નવ મહિલા છે. બેનેટ 120 સભ્યોના સદનમાં 61 સાંસદોની સાથે સામાન્ય બહુમતવાળી સરકારનું નેતૃત્વ કરશે.
આ પહેલા બેનેટે સંસદમાં સંબોધન કરીને પોતાની સરકારના મંત્રીઓનાં નામની ઘોષણા કરી હતી. આ દરમ્યાન 71 વર્ષીય નેતન્યાહુના સમર્થકોએ અડચણ પણ નાખી હતી. પ્રતિદ્રંદી પાર્ટીના સાંસદોનાં ગોકીરા વચ્ચે બેનેટે કહ્યું કે, ગર્વ છે કે હું અલગ અલગ વિચારધારા ધરાવતા લોકોની સાથે કામ કરીશ. બેનેટે વધુમાં કહ્યું કે, આ નિર્ણાયક સમયમાં અમે જવાબદારી ઉઠાવી રહ્યા છીએ. આ સરકાર સિવાય તો એ જ વિકલ્પ હતો કે ચૂંટણી કરવામાં આવે. જોકે એમ કરતાં દેશમાં ઘૃણાનું વાતાવરણ ફેલાવની શક્યતા હતી.
આ વર્ષે માર્ચમાં જ થયેલ ચૂંટણીમાં નેતન્યાહુની લિકુડ પાર્ટી બહુમત ન પામી શકી. બે વર્ષમાં ચાર વખત થઈ ચૂકેલ ચૂંટણીમાં બીજી સૌથી મોટી પાર્ટી હોવા છતાં રાષ્ટ્રપતિએ નેતન્યાહુને સરકાર ચલાવવા અને 2 જૂન સુધીમાં બહુમત સિદ્ધ કરવાનું કહ્યું હતું. જોકે આ પહેલા જ વિપક્ષી ગઠબંધને નેતન્યાહુનાં 12 વર્ષથી અવિરત સત્તા પર રહેવાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો અને તેમને વિરામ કરવાનું કહ્યું હતું.
સૌથી મોટી વાત એ છે કે નેતન્યાહુની સરકાર વિરૂદ્ધ બનેલા આ ગઠબંધનમાં ઈઝરાયલમાં અરબ સમુદાયનું પ્રતિનિધિત્વ કરનારી ઈસ્લામી રામ પાર્ટીનો પણ સમાવેશ થાય છે. વિપક્ષી ગઠબંધનમાં સામેલ રામ પાર્ટી ઈઝરાયલનાં અરબ મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમનું માનવું છે કે ફિલીસ્તિનીયોને એમનો હક મળવો જોઈએ અને ઈઝરાયલને નવી કોલોનિયો બનાવવાના પ્રયાસને આંતરીને યરુશલમ પરનો દાવો છોડી દેવો જોઈએ.
ઈઝરાયલમાં વિપક્ષી ગઠબંધનની તરફથી પહેલી વખત પીએમ બનનારા નફ્તાલી બેનેટ ઈઝરાયલની રક્ષાબળનાં યુનિટ સાયરેત મટકલ અને મગલનના કમાન્ડો રહી ચૂક્યા છે. 2006માં તેઓ બેન્જામીન નેતન્યાહુના નેતૃત્વમાં રાજનીતિમાં આવ્યા હતા. જે પછી તેમને નેતન્યાહુના ચીફ ઓફ સ્ટાફ બનાવવામાં આવ્યા હતા. એ પછી તેઓ ન્યૂ રાઈટ અને યામિના પાર્ટીથી પણ નેસેટના સદસ્ય બન્યા. 2012થી 2020ની વચ્ચે 5 વખત સાંસદ બન્યા. જે પછી તેઓ નેતન્યાહુના વિરોધી બની ગયા. 2019થી 2020ની વચ્ચે રક્ષામંત્રી રહી ચૂકેલા નફ્તાલી ઈરાન અને ફિલીસ્તીનના મુદ્દા પર નેતન્યાહુ કરતાં પણ વધારે કટ્ટર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત