Team Chabuk-Gujarat Desk: રાજ્ય અને દેશભરમાં કોરોના રસીકરણ ઝડપથી પૂર્ણ થાય તે માટે સરકારી તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે. ઉચ્ચ કક્ષાએથી સ્થાનિક તંત્રને પણ ઝડપથી કોરોના રસીકરણ કરવા માટેની કડક સૂચનાઓ આપવામાં આવેલી છે. ત્યારે રાજ્યમાં કોરોના રસીકરણ પ્રક્રિયામાં અનેક છબરડાઓ પણ સામે આવી રહ્યા છે. ઘણા એવા બનાવો બન્યા છે જેમાં મૃતક વ્યક્તિને કોરોના રસી આપી દીધાનું સામે આવ્યું છે. તો ઘણા એવા વ્યક્તિઓ પણ છે જેમણે વેક્સિન લીધી નથી છતાં તેમના નામે વેક્સિન સર્ટિફિકેટ નીકળી રહ્યા છે. આવો જ એક બનાવ સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યો છે.
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો ન હોવા છતાં તેમના નામનું કોરોના રસીનું બીજા ડોઝનું સર્ટિફિકેટ બની ગયું હતું. આ અંગેની જાણ થતાં રસી લેવા જનાર વ્યક્તિ ચોંકી ઉઠ્યા હતા. આ અંગે તેઓએ ઉચ્ચ કક્ષાએ તપાસની માંગ કરી હતી. જો કે બીજી તરફ તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, મોબાઈલ નંબરના ભૂલના કારણે આવી બન્યું હોઈ શકે છે. તંત્ર દ્વારા ભોગ બનનાર વ્યક્તિને બીજો ડોઝ આપવાનું પણ કહ્યું હતું.
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં મ્યુનિસિપાલટી ક્વાર્ટર વાલ્મિકીનગર-1માં રહેતા ભીખાભાઈ કવાભાઈ પાટડિયાએ કોરોના રસીનો પ્રથમ ડોઝ 7 મેના રોજ લીધો હતો. ત્યારબાદ બીજો ડોઝ લેવાનો સમય આવતા તેઓ ગઈકાલે શનિવારે 10 ઓક્ટોબરના રોજ ગાંધી હોસ્પિટલે બીજો ડોઝ લેવા પહોંચ્યા હતા. ભીખાભાઈ બીજો ડોઝ લેવા આવ્યા હોવાનું કહેતાં અને હાજર હેલ્થ વર્કર દ્વારા તેમનો મોબાઈલ નંબર સિસ્ટમમાં દાખલ કરીને જણાવ્યું હતું કે, તમારા બીજા ડોઝનું સર્ટિફિકેટ બની ગયું છે. તેથી તમને બીજો ડોઝ આપવામાં નહીં આવે. આ વાતની જાણ થતાં જ ભીખાભાઈ ચોંકી ગયા હતા. કેમ કે તેમણે કોરોના રસીનો બીજો ડોઝ લેવાનો બાકી હતો અને તેમના નામે સર્ટિફિકેટ બની ગયું હતું. આથી બીજો ડોઝ ન મળતાં ભીખાભાઈએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. ભીખાભાઈએ જણાવ્યું હતું કે, રસી લીધા વિના જ સર્ટિફિકેટ બની જાય તે કેવું કહેવાય. તેમણે રસીકરણની ટકાવારી અંગે પણ શંકા દાખવી હતી અને કહ્યું હતું કે આ પ્રકારની બેદરકારીની જાણ ઉચ્ચ કક્ષાએ થવી જોઈએ.

આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણીકુમાર પ્રસાદે જણાવ્યું હતું કે, તેમના મોબાઈલ નંબરમાં કદાચ ભૂલ હોઈ શકે છે અને મોબાઈલ નંબરમાં ભૂલ હશે તો તે નંબર પર તેમના નામે ડેટા એન્ટ્રી થઈ હશે. એવું પણ બની શકે કે તેમણે જે મોબાઈલ નંબર આપ્યો હોય તે નંબર જુદો હશે અને એ નંબર બીજા કોઈ વ્યક્તિનો હોય અને તેણે રસી લીધી હોવાથી સર્ટિફિકેટ બની ગયું હોય. આરોગ્ય અધિકારીએ આ પ્રકારે વાત કરીને કહ્યું હતું કે, રસી બધાને આપવાની જ છે અને આ વ્યક્તિને પણ બીજો ડોઝ આપવામાં આવશે.
91 ટકા રસીકરણનો દાવો
તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના રસીકરણ પ્રક્રિયામાં 91 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. એટલે કે જિલ્લામાં 9 ટકા લોકોને જ કોરોના રસીનો પ્રથમ ડોઝ લેવાનો બાકી છે. રસીકરણ પ્રક્રિયામાં સુરેન્દ્રનગર જિલ્લો રાજ્યમાં 15મા નંબરે છે. બંને ડોઝ લેનારા લોકોની ટકાવારી 41 ટકાએ પહોંચી છે. જિલ્લાનાં 574માંથી 482 ગામોમાં પહેલા ડોઝનું 100 ટકા રસીકરણ થતાં 83 ટકા ગામો 100 ટકા રસીકૃત થયાં છે, જેમાં મૂળી, થાનગઢ અને વઢવાણ એમ 3 તાલુકાનાં તમામ ગામોમાં 100 ટકા રસીકરણ થઈ ગયું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત