Homeગુર્જર નગરીઆજે 18 વર્ષથી ચાલતા જીતના દુકાળનો અંત આણવા ભારતની ટીમ ન્યૂઝીલેન્ડ સામે...

આજે 18 વર્ષથી ચાલતા જીતના દુકાળનો અંત આણવા ભારતની ટીમ ન્યૂઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરશે

Team Chabuk-Sports Desk: આજે ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે T20 વર્લ્ડ કપની કરો યા મરોની જંગ છે. ભારત અને ન્યૂઝીલેન્ડ બેઉને જીતની તલાશ છે. બેઉ ટીમ પાકિસ્તાન સામે પરાજયનો સ્વાદ ચાખી ચૂકી છે. આ મેચની ખાસ વાત એ છે કે જીતનારી ટીમ કશું નહીં ગુમાવે, પણ પરાજય વહોરનારી ટીમનો વિશ્વકપનો પ્રવાસ લગભગ અટકી જશે. બાકીની ઔપચારિક મેચ રમી તેણે વતનની વાટ પકડવાની રહેશે. પાકિસ્તાનની સામે ભારતીય ટીમ ભૂંડી રીતે હારી હતી. ટીમના ઓપનર બેટ્સમેનોના ખરાબ પ્રદર્શન અને બાદમાં બોલરોએ એક પણ વિકેટ ન ઝડપતા પાકિસ્તાન સામે ટી ટ્વેન્ટી ઈતિહાસના સૌથી કલંકિત પરાજયમાંથી એક ભારતના નામે લખાઈ ગયો હતો. ભારત માટે હવે ન્યૂઝીલેન્ડ પડકાર છે. આંકડાઓની દૃષ્ટીએ ન્યૂઝીલેન્ડની ટીમનું પલડું ભારે છે. છેલ્લી મેચની સરેરાશ કાઢવામાં આવે તો ન્યૂઝીલેન્ડ આંકડાઓની દૃષ્ટીએ સફળ પૂરવાર થઈ રહી છે. તોપણ ટી ટ્વેન્ટીમાં ભારતીય ટીમને હલકામાં ન્યૂઝીલેન્ડ નહીં લે, કારણ કે કોઈ એક ખેલાડી પણ મેચનો પવન પોતાની તરફ વાતો કરી વિરોધી ટીમને ફંગોળી શકે છે.

shree-hari-jyotish

18 વર્ષનો દુકાળ

ભારત ન્યૂઝીલેન્ડની સામે આઈસીસીની વિશ્વકપ ટૂર્નામેન્ટમાં 18 વર્ષથી નથી જીત્યું. 2007માં ટી-20 વિશ્વકપથી લઈને વિશ્વકપ ચેમ્પિયનશીપની ફાઈનલ સુધી બંને ટીમની વચ્ચે ટોટલ સાત મેચ રમાયા હતા. જેમાંથી ન્યૂઝીલેન્ડે 6માં વિજય પ્રાપ્ત કર્યો છે. જ્યારે એક મેચમાં વરસાદનું વિઘ્ન નડ્યું હતું. ટી ટ્વેન્ટી વિશ્વકપમાં ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે બે મેચ રમાયા હતા, જેમાં ટીમ ઈન્ડિયાને હારનો ઘૂંટ ગળા નીચે ઉતારવો પડ્યો હતો. 2003માં સૌરવ ગાંગુલીની આગેવાનીમાં ભારત અંતિમ વખત વિશ્વકપના મહામુકાબલામાં ન્યૂઝીલેન્ડની સામે જીત્યું હતું. સૌરવની ટીમે સ્ટીફન ફ્લેમિંગની ટીમને સાત વિકેટથી સજ્જડ પરાજય આપ્યો હતો. એ પછી રમતના મેદાનમાં ન્યૂઝીલેન્ડ સામે હજુ જીતનો દુષ્કાળ ચાલી રહ્યો છે.

shree-hari-jyotish

હાર્દિક-ભુવનેશ્વરની કરિયર દાવ પર

ભારતીય બોલરો પાકિસ્તાનના એક પણ બેટસમેનને આઉટ નહોતા કરી શક્યા. સંપૂર્ણ રીતે ફિટ ન હોવા છતાં હાર્દિક પંડ્યા ટીમમાં રમી રહ્યો છે. એક તરફ ખરાબ ફોર્મનો ઝંઝાવાત છે તો બીજી તરફ પીઠની ઈજામાંથી ઉગરવાના પ્રયાસો પણ કરી રહ્યો છે. નેટ પર બોલિંગની પ્રેક્ટિસ એ વાતનું તારણ કાઢી આપે છે કે હાર્દિક દબાણમાં છે અને તેની કારકિર્દી દાવ પર લાગેલી છે. હાર્દિકની સાથે સાથે ભુવનેશ્વર કુમાર પણ ટીમની નબળી કડી સાબિત થયો હતો. ગત બે સિઝનથી ભુવનેશ્વર કુમારની બોલિંગ ધીમી પડી છે અને દીપક ચાહર સહિતના યુવા બોલર્સ તેને ટક્કર આપી રહ્યા છે.

shree-hari-jyotish

ભારત પુનરાગમન કરશે

ભારતે હાલમાં જ ઈંગ્લેન્ડ વિરૂદ્ધની ટેસ્ટમાં પ્રથમ મેચ હાર્યા બાદ જોરદાર પુનરાગમન કર્યું હતું. ટીમ ઓસ્ટ્રેલિયા સામે 36 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ત્યારે પણ અપેક્ષા બહારનું પ્રદર્શન કરી વિદેશી ધરતી પર જીત પ્રાપ્ત કરી હતી. કેપ્ટન તરીકે પોતાની અંતિમ ટૂર્નામેન્ટ રમી રહેલ કોહલી હાર માનશે નહીં. પાકિસ્તાન સામેના મેચમાં વિરાટ કોહલીએ અર્ધ શતક ફટકારી સંકટમોચકની ભૂમિકા ભજવી હતી. કોહલી માટે ન માત્ર શ્રેષ્ઠ પ્રદર્શન, પણ ટી ટ્વેન્ટીમાં કેપ્ટન તરીકે અમીટ છાપ છોડી જવા પર પણ ન્યૂઝીલેન્ડની જીત મહત્વની મનાઈ રહી છે. આજના પરાજયની અસર ભવિષ્યમાં કોહલીના ટેસ્ટ અને વનડેના નેતૃત્વ પર પડે છે કે નહીં, તે જોવાનું રહેશે.

shree-hari-jyotish

પાકિસ્તાન સેમીમાં….

પાકિસ્તાને ત્રણે મહાકાય મેચમાં જીત હાંસલ કરી છે. ભારત બાદ તેણે ગ્રુપ-2ની ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન જેવી મજબૂત ટીમને પણ પરાજય આપ્યો છે. તેનો આગામી મેચ હવે નામીબિયા અને સ્કોટલેન્ડની સામે છે. કોઈ મોટો ઉલટફેર ન સર્જાય તો આ બંને મેચ પાકિસ્તાનના ખાતામાં જ ગણવા રહ્યા. આ સાથે જ ગ્રુપ-2માંથી પાકિસ્તાન સેમીફાઈનલમાં પોતાનો પગ મૂકી ચૂકી છે. હવે બીજા સ્થાન માટે સ્પર્ધા ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે છે. જેનો નિર્ણય પણ આજે આવી જશે. ભારત અને ન્યૂઝીલેન્ડે બે મેચ રમ્યા છે. બંને પાકિસ્તાનની વિરૂદ્ધ રમ્યા છે અને પરાજય પામ્યા છે. બેઉનો મેચ નંબર બે પૂર્ણ થતાં જ, હવે તેઓ નબળી ટીમ સામે રમશે. જેમાં અફઘાનિસ્તાન ક્યારે બાજી પલટી નાખે નક્કી નથી મનાતું. જો પાકિસ્તાનનો અફઘાન સામે પરાજય થયો હોત, તો આજે અફઘાનિસ્તાન પણ સેમીફાઈનલની રેસમાં બરકરાર હોત અને ભારત માટે અફઘાન સમસ્યાપ્રધાન બની જાત.

shree-hari-jyotish

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments