Homeગુર્જર નગરીવાવાઝોડાથી થયેલા નુકસાન અંગે રાહત પેકેજ જાહેર કરવા કોંગ્રેસના ધારાસભ્યએ મુખ્યમંત્રીને કરી...

વાવાઝોડાથી થયેલા નુકસાન અંગે રાહત પેકેજ જાહેર કરવા કોંગ્રેસના ધારાસભ્યએ મુખ્યમંત્રીને કરી રજૂઆત

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં આવેલા તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક સ્થળોને ઘમરોળી નાખ્યા છે. હજુ પણ તૌકતે વાવાઝોડાનું તાંડવ ચાલુ છે. વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ માલ-મિલકતને નુકસાન પહોંચ્યું છે. અનેક મકાનોમાં પણ નુકસાન થયું છે. ખાસ કરીને વાવાઝોડાથી ખેડૂતોના પાકનો સોથ વળી ગયો છે. કેરી, નાળિયેરી, કેળ સહિતની ખેતી કરતાં ખેડૂતોને સૌથી વધુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે વાવાઝોડાથી થયેલા નુકસાનનું આર્થિક પેકેજ જાહેર કરવા માટે કોંગ્રેસના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

કોંગ્રેસના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને વાવાઝોડાથી થયેલા નુકસાનનું આર્થિક રાહત પેકેજ જાહેર કરવા માટે માગ કરી છે. ભગવાન બારડે પત્રમાં લખ્યું છે કે, ગીર સોમનાથ જિલ્લામાં આવેલા તૌકતે વાવાઝોડાથી કેરીના ઝાડ તથા પાકને સંપૂર્ણ નુકસાન થયું છે. અન્ય બાગાયતી પાકો જેવા કે નાળિયેરી, ચીકુ, કેળના પાકને પણ પારાવાર નુકસાન થયું છે. અડદ, મગ, બાજરી અને મગફળી જેવા તૈયાર થયેલા ઉનાળુ પાક પણ સંપૂર્ણપણે નાશ પામ્યો છે. તે ઉપરાંત મકાનો, ઢાળિયા, ઝુંપડા અને બંદરમાં બોટોને પણ નુકસાન થયું છે. તેથી તમામને વહેલી તકે ખાસ રાહત પેકેજ જાહેર કરી તાત્કાલિક ધોરણે ચુકવવામાં આવે તેવી મારી ભલામણ છે.

ભગવાન બારડે મુખ્યમંત્રીને આ પત્ર લખીને તેમની માગણી સ્વીકારીને ખેડૂત, મજૂર તથા ગરીબ વર્ગના લોકો પર આવી પડેલી આફતમાં મદદરૂપ થવા વિનંતી કરી છે.

મહત્વનું છે કે વાવાઝોડાના કારણે ઠેર ઠેરથી નુકસાન થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સરકારે પણ આજે કહ્યું છે કે, હાલ સમગ્ર નુકસાનીનો સર્વે ચાલું છે,  વાવાઝોડાની ગતિ ધીમી થયા બાદ સહાયતાની કામગીરી કરવામાં આવશે.

રાજ્યમાં આવેલી તૌકતે વાવાઝોડારૂપી આફતનો સૌથી વધુ માર સૌરાષ્ટ્ર પંથકના ખેડૂતોને પડ્યો છે. સૌરાષ્ટ્ર પંથક અને એમાંય ખાસ કરીને તાલાલા અને ગીર વિસ્તારમાં હાલ કેરીની સિઝન ચાલી રહી છે. કેરીના બાગમાંથી કેરી ઉતારીને માર્કેટમાં ઠલવાઈ રહી છે. ત્યારે આ સમયે વાવાઝોડું આવતા કેરીનો પાક નિષ્ફળ ગયો છે. ઘણી જગ્યાએ આખે આખા આંબા મૂળમાંથી ઉખડી ગયા છે તો ઘણી જગ્યાએ ડાળીઓ તૂટી જતાં કેરી નીચે ખરી ગઈ છે. નાળિયેરીના વૃક્ષો પણ પડી ગયા છે. આમ તૌકતે વાવાઝોડું ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવીને ચાલ્યું ગયું છે. ખેડૂતો પણ સરકાર પાસે આર્થિક સહાયની માગણી કરી રહ્યા છે.

તૌકતે વાવાઝોડાની સૌથી વધુ અસર ગીર સોમનાથ જિલ્લામા જોવા મળી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં 1888 વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. 721 જેટલા વીજપોલ પડી ગયા છે. 329 ગામોમાં વીજળી ડુલ થઈ ગઈ છે. 112 જેટલા પશુઓને પણ ઇજા પહોંચી છે. અનેક ગામડા સંપર્ક વિહોણા બન્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે પશુહાનિ થઈ ન હોવાનું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અઘિકારીઓ સાથે બેઠક કરી માહિતી મેળવ્‍યા બાદ જણાવેલ હતુ. તેમણે વધુમાં કહ્યું હતુ કે, ગીર સોમનાથ જિલ્લાના ઉના, કોડીનાર વિસ્તારમાં વૃક્ષો તથા વીજ થાંભલા પડી જવાથી હાઈવે અને તાલુકાઓને જોડતા અનેક રસ્તાઓ પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. પરંતુ રસ્તાઓ પરથી વૃક્ષો હટાવીને સાંજ સુધીમાં વીજ પુરવઠો ફરીથી ચાલુ કરવા માટે અઘિકારીઓ કામે લાગ્‍યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments