Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ સર્જેલી તબાહીની સમીક્ષા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત આવશે. તેઓ વાવાઝોડા બાદની સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે સાડા અગિયાર વાગ્યે દિલ્હીથી ભાવનગર પહોંચશે ત્યાંથી ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવનું હવાઈ નિરીક્ષણ કરશે. હવાઈ નિરીક્ષણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કરશે.
બીજી તરફ આવતીકાલથી ગુજરાતમાં સરકારના સંબંધિત સંબંધિત વિભાગો અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીના વિગતવાર સર્વેક્ષણની કામગીરી શરૂ કરશે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માહિતી આપતા કહ્યું હતું કે, પ્રાથમિક તબક્કે મકાનો, ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોધોગને જે નુકસાન થયું છે તેનું સર્વેક્ષણ હાથ ધરાશે. જે જિલ્લાઓમાં વિશેષ નુકસાન થયું છે ત્યાં પડોશી જિલ્લાઓના અધિકારીઓને પણ સર્વેક્ષણની કામગીરીમાં સામેલ કરાશે, જેથી આ કામગીરી ઝડપથી થઇ શકે. તેમણે કહ્યું કે, યોગ્ય તમામ વ્યક્તિઓને સરકારી ધારાધોરણ મુજબ કેશડોલ્સ, ઘરવખરી સહાય અને અન્ય આર્થિક સહાય તાત્કાલિક ચુકવવાની કામગીરી હાથ ધરાશે.
વાવાઝોડા અંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આગોતરા આયોજન, અગમચેતી અને મંત્રીઓથી માંડીને રાજ્ય સરકારના નાનામાં નાના કર્મચારીના સક્રિય પ્રયત્નો તથા ગુજરાતના લોકોના અભૂતપૂર્વ સહકારથી ગુજરાત વાવાઝોડામાંથી સાંગોપાંગ મુક્ત થયું છે. તેમણે કહ્યું કે, વાવાઝોડાની વિશેષ અસર થઈ છે એવા જિલ્લાઓમાં સરકારના તમામ વિભાગો યુદ્ધના ધોરણે રિસ્ટોરેશન અને રાહત કામગીરી શરૂ કરશે. આગામી બે દિવસમાં પરિસ્થિતિ પૂર્વવત્ થઈ જાય અને જનજીવન સામાન્ય થઈ જાય એ પ્રકારે કાર્યવાહી કરાશે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ‘ઝીરો કેઝ્યુઅલટી’ ના અભિગમ સાથે રાજ્ય સરકારે ખડેપગે રહીને સમગ્ર આયોજન કર્યું હતું, રાજ્ય સરકારના આ માટેના નમ્ર પ્રયત્નોની કુદરતે પણ કાળજી લીધી છે, અને આવા તીવ્ર વાવાઝોડામાં પણ માત્ર 13 વ્યક્તિઓએ જાન ગુમાવ્યા છે. એમાં પણ મોટાભાગના મૃત્યુ આકસ્મિક ઘટનાઓને લઈને થયા છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારના અગમચેતીભર્યા પગલાંને કારણે ગુજરાતની એક પણ કૉવિડ હોસ્પિટલોમાં દર્દીઓને કોઈ જ તકલીફ પડી નથી. ગુજરાતમાં કુલ 425 કોવિડ હોસ્પિટલ પૈકી 122 કૉવિડ
હૉસ્પિટલ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં હતી. તેમાંથી 83 હોસ્પિટલોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, આમ છતાં તમામ હોસ્પિટલોમાં જનરેટર સેટ અને ડીઝલની આગોતરી વ્યવસ્થા હોવાને કારણે એક પળ માટે પણ વીજ પુરવઠામાં અવરોધ સર્જાયો ન હતો.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વાવાઝોડાને કારણે ઝાડ પડવાના અને વીજળીના થાંભલા પડી જવાના બનાવો વધુ બન્યા છે, પરિણામે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. રાજ્યના 5951 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને મંગળવારે સાંજ સુધીમાં તે પૈકીના 2,101 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત્ ચાલુ થઇ ગયો છે. વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં કોમ્યુનિકેશન પૂર્વવત્ થઈ જાય તે માટે મોબાઈલ કંપનીઓ સાથે તાકીદે બેઠક કરીને મોબાઇલ ટાવર્સ અને તમામ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર આવતીકાલે સાંજ સુધીમાં પૂર્વવત્ થઈ જાય તેવા પ્રયત્નો કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
વાવાઝોડાને કારણે વીજળીના થાંભલા પડવાના અને સબ સ્ટેશનમાં પાણી ભરાવાના બનાવો બન્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિગતો આપતાં કહ્યું હતું કે, 220 કેવીના પાંચ વીજ સબસ્ટેશન અને 66 કેવીના 165 સબ સ્ટેશનને અસર થઇ હતી. રાજ્ય સરકારની વીજ કંપનીઓએ 950 જેટલી ટુકડીઓને કામે લગાડી છે અને આવતીકાલ રાત સુધીમાં સમગ્ર રાજ્યમાં વીજ પુરવઠો પૂર્વવત્ થઈ જાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં 69,429 વીજ થાંભલાઓ વાવાઝોડાને કારણે તૂટી ગયા છે, પરંતુ 81 હજાર જેટલા વીજ થાંભલા સંબંધિત વિભાગ પાસે ઉપલબ્ધ છે એટલે તમામ થાંભલાઓના રિપ્લેસમેન્ટની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
માર્ગ વ્યવહાર વિશે વિગતો આપતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, વૃક્ષ પડવાથી ગુજરાતના 674 રસ્તાઓ કામચલાઉ ધોરણે બંધ હતા, તે પૈકીના 562 રસ્તાઓ પર માર્ગ વ્યવહાર રાબેતા મુજબ થઇ ગયો છે. 112 રસ્તાઓના રીપેરીંગ અને સાફ-સફાઈના કામો યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યા છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર વહીવટીતંત્ર આગામી બે દિવસ માટે રિસ્ટોરેશન અને રાહત કામગીરી કરશે. ગ્રામીણ વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં વાવાઝોડા પછી પાણીજન્ય રોગો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમો વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં જઈને આરોગ્ય સર્વેક્ષણ પણ હાથ ધરશે. તમામ વિસ્તારોમાં મોટા પાયે સાફ-સફાઈની આવશ્યકતા હોવાથી સુરત, રાજકોટ અને જામનગર જેવા મહાનગરપાલિકા વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં સફાઈ કામદારો વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી રહ્યા છે. આવતીકાલે સવારથી સાફ-સફાઈની કામગીરી શરૂ કરી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત