Homeગુર્જર નગરીએ ત્રણ કરોડની રકમ જે કોવિડ ડ્યૂટી પર રહેલા શિક્ષકોને ચૂકવાય નથી

એ ત્રણ કરોડની રકમ જે કોવિડ ડ્યૂટી પર રહેલા શિક્ષકોને ચૂકવાય નથી

Team-Chabuk-Gujarat Desk: ગમે તેવા કપરાકાળમાં સરકારના એક આદેશ પર તેમની પડખે ઊભા રહેલા સરકારી શિક્ષકોને પણ રૂપિયા નથી મળ્યા. ગુજરાતના અમદાવાદ શહેર ખાતે કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં આશરે 4 હજાર જેટલા શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી હતી. શિક્ષકોએ એ કામગીરી કરી પણ હતી.જોકે એક દિવસ પેટે 150 રૂપિયા મળવા જોઈએ એ શિક્ષકોને મળ્યા નથી. આ રકમ કુલ ત્રણ કરોડ જેટલી થાય છે. રકમ ન ચૂકવાતા હવે શિક્ષકોના યુનિયન દ્વારા એ ત્રણ કરોડ આપવાની માગ કરવામાં આવી છે. એક બાજુ વિદ્યાર્થીઓનું ઓનલાઈન ભણતર હતું પણ તેની જગ્યાએ શિક્ષકોએ આ કામગીરી કરી હતી. જેથી શિક્ષકો આશ લગાવીને બેઠા છે કે હવે તેમને આ ફરજ પરથી મુક્ત કરવામાં આવે.

અમદાવાદના 1200 શિક્ષકોને કોવિડ ડ્યૂટીમાંથી છૂટ્ટા કરવાની AMC સ્કૂલ બોર્ડના શિક્ષક મંડળ દ્વારા માગ ઉઠી છે. આ અંગે મ્યુનિસિપલ શિક્ષક મંડળના પ્રમુખ મનોજભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘‘કોરોનાના કેસોમાં ઘટાડો આવતા કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલની સંખ્યા ઘટી અને તોપણ શિક્ષકોને તેમની ફરજ પરથી મુક્ત કરાયા નથી. કોરોનાના કેસો સામે આવ્યા ત્યાર બાદથી સતત જુદા જુદા પ્રકારની કામગીરી સ્કૂલ બોર્ડના શિક્ષકોને સોંપવામાં આવી હતી. કોવિડ હોસ્પિટલના હેલ્પ ડેસ્ક પર કામગીરી, ડોર ટુ ડોર સર્વે, વેકસીનેશન સેન્ટર પર ડેટા એન્ટ્રી સહિતની હાલ કામગીરી સોંપાઈ છે. શિક્ષણ સિવાયની સોંપાયેલી આ કામગીરીની અસર બાળકોના ઓનલાઈન શિક્ષણ પર પણ થતી.’’

મહત્વનું છે કે શિક્ષકોની નિમણૂક બાળકોનાં ઘડતર અને તેમના અભ્યાસ માટે થતી હોય છે પણ ગુજરાતમાં શિક્ષકોની નિમણૂક ગમે ત્યારે ગમે ત્યાં થઈ જતી હોય છે. એક તરફ આ શિક્ષકોને વિદ્યાર્થીઓના ઓનલાઇન ભણતરની પડી હતી અને બીજી તરફ તેઓ કોવિડ સેવામાં વ્યસ્ત હતા. જેમાંથી હજુ એમને ફદીયું મળ્યું નથી. જ્યારે બીજી લહેર આવી ત્યારે શિક્ષકોને એક દિવસ પેટે 150 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ગત જૂન મહિનામાં એક વખત ચૂકવણું થયું જે પછી એક પણ પૈસો ન આપતા આ રકમ ત્રણ કરોડની થઈ છે. સ્કૂલબોર્ડના અધિકારીઓ કહે છે કે, પહેલી વખતે 55 લાખની ચૂકવણી થઈ હતી એ પછી કોઈ કારણોસર ચૂકવાયા નથી.

ઉલ્લેખનીય છે કે 85 શિક્ષકો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. બીજી લહેરની આ ઝપેટમાં એક શિક્ષકનું મોત પણ થયું છે. ત્યારે હવે કોરોનાની બીજી લહેરમાં આંકડા સ્વરૂપે રાહત મળી રહી છે. ખાટલાઓ ખાલી છે. પહેલા જેટલું ચિંતાનું મોજું નથી રહ્યું. ત્યારે શિક્ષકો પણ ઈચ્છી રહ્યા છે કે તેમને તેમની ડ્યૂટી પરથી મુક્ત કરવામાં આવે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments