Homeગુર્જર નગરીIND vs SRI: ફરી એકવાર શ્રીલંકાના સૂપડા સાફ કર્યા, શું આ વખતે...

IND vs SRI: ફરી એકવાર શ્રીલંકાના સૂપડા સાફ કર્યા, શું આ વખતે વર્લ્ડ કપમાં અજેય રહેશે ટીમ ઈન્ડિયા ?

Team Chabuk-Sports Desk: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ 2023માં સેમી ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં તમામ સાત મેચમાં શાનદાર પ્રદર્શન કરી જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 302 રને હરાવી મોટી જીત મેળવી છે. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ એક પણ મેચમાં હારનો સામનો નથી કર્યો. વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના ખૂબ જ મોટા મારજિન 302 રન સાથે હરાવ્યું છે.

ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાની ટીમને માત્ર 55 રનમાં જ ઓલ આઉટ કરી દીધી હતી. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીની ત્રિપુટીએ શ્રીલંકાના બેટિંગ ઓર્ડરને ધરાશાયી કર્યો હતો.

ભારતના 357 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જસપ્રિત બુમરાહે શ્રીલંકાની ઇનિંગ્સના પહેલા જ બોલ પર પથુમ નિશંકાને આઉટ કર્યો હતો. આ પછી દિમુથ કરુણારત્ને મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો. દિમુથ કરુણારત્ને પણ ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો. જ્યારે ત્રીજો શ્રીલંકન ખેલાડી આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર માત્ર 2 રન હતો. શ્રીલંકાના 5 ખેલાડી ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યા હતા. શ્રીલંકાના 8 બેટ્સમેન ડબલ ફિગરનો આંકડો પણ પાર કરી શક્યા નહોતા.

આ પહેલા શ્રીલંકાના કેપ્ટન કુસલ મેન્ડિસે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 8 વિકેટે 357 રન બનાવ્યા હતા. ભારતીય ઓપનર શુભમન ગિલે 92 બોલમાં 92 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 94 બોલમાં 88 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય શ્રેયસ અય્યરે 56 બોલમાં 82 રન બનાવ્યા હતા. જોકે. ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો. પરંતુ આ પછી વિરાટ કોહલી અને શુભમન ગિલ વચ્ચે 189 રનની મોટી ભાગીદારી થઈ હતી. શ્રીલંકા તરફથી દિલશાન મધુસંકા સૌથી સફળ બોલર રહ્યો હતો. દિલશાન મધુશંકાએ 5 ભારતીય ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યા હતા.

IND vd SRI

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments